એબ અલે ઉઉ! – ફિલ્મ સમીક્ષા – બોલિવૂડ મૂવી રિવ્યુ
તેની પ્રથમ દિગ્દર્શક ફિલ્મ “ઇબ અલે ઉઉ!” માં પ્રતિક વાટસ એક વિચિત્ર વિષય ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે જે આમ જનતાના અનુભવ ની બહારનો વિષય છે. હા ખળભળાટ મચાવતા વાંદરાઓ જોડે ભારતના ખૂણે ખૂણે લોકોને પનારો પડ્યોજ હશે. આ ચલચિત્રમાં ભારતની રાજધાની દિલ્હીમાં વાંદરાઓની જબરજસ્ત હાજરીએ કેવી સમસ્યા ઉભી કરી છે અને ગવેર્નમેન્ટ વાંદરાઓને કાબુમાં રાખવા માટે અને મનુષ્યથી દૂર રાખવા માટે કેવા નુસખા કરે છે તે જોવા મળે છે. આ વાંદરાઓ માણસોની કરતૂતો દ્વારા જ ભ્રષ્ટ થયા છે. મહાભારતમાં, આદરણીય વાનર હનુમાનજી રામને મદદ કરે છે અને ત્યારથી હિંદુઓમાં તે દેવ તરીકે પૂજાય છે. માણસો વાનરોને ખાવાનું આપે છે અને તેથી વાંદરાઓ વધુ હિંમતવાન બને છે અને ભૂખ્યા થાય ત્યારે ખોરાક માટે જંગલોમાં ખાવાનું શોધવાની બદલે શહેરોમાં પધારે છે અને ક્યારેક મનુષ્ય ઉપર હુમલો પણ કરે છે.

આ ચલચિત્રમાં ભારતમાં પ્રચલિત અંધ ધાર્મિકતા ઉપર વ્યંગાત્મક ટિપ્પણી કરી છે. પ્રાચીન માન્યતાઓ અને રિવાજોની પ્રથામાં, લોકો ઘણીવાર આ ધાર્મિક વિધિઓની સમાજ પર થતી બુરી અસરને ભૂલી જાય છે. તાજેતરમાં ની જ વાત છે. જાન્યુઆરી, 2022 માં, જ્યારે એક વાંદરો ઠંડીથી મૃત્યુ પામ્યો, ત્યારે 1500 લોકોએ તેના અંતિમ સંસ્કારમાં હાજરી આપી અને પ્રાર્થના અને મંત્રોચ્ચાર કર્યા અને કેટલાક માણસોએ મૃત પૂર્વજ પ્રત્યે આદરભાવમાં તેમના માથા પણ મુંડ્યા હતા.
આ ફિલ્મનું કેન્દ્ર છે મૉટે ભાગે આપણા લોકોની ધ્યાન બહાર હોય તેવો વ્યવસાય – રાજધાની દિલ્લીમાં વાંદરાઓને શહેરમાંથી ભગાડવા માટે તેમનો પીછો કરવાનો અને જાત જાતના અવાજ કરવાના. નાયક અંજની (શાર્દુલ ભારદ્વાજ) નોકરીની શોધમાં દિલ્લી તેની બહેન ને ત્યાં આવે છે અને તેના બનેવી તેને વાંદરા ભગાડવાની નોકરી ઉપર લગાવે છે. અંજની શહેરની હદથી દૂર તેની બહેન, બનેવી સાથે એક નાની ઝૂંપડીમાં રહે છે. જ્યારે તે વાંદરાઓનો પીછો કરીને તેમને ભગાડવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે લોકોને વાંદરાઓને ખવડાવતા જુએ છે અને અંજનીને આ હાસ્યાસ્પદ નોકરીની અને પોતાના નિરર્થક પ્રયત્નોની વાહિયાતતા સમજાય જાય છે. આ વાનરો લોકોથી ડરતા નથી અને ઉલ્ટા તેમને ભગાડનારાઓ તરફ આક્રમક બની જાય છે. બીજી તરફ તેમને ભગાડનારાઓ વાનરોને ડરાવે તો લોકો પણ ઉલ્ટા આ કર્મચારીઓની ઉપર ખીજાય છે.
ગરીબ અને ધનવાન લોકો ના જીવન વચ્ચેનો કરુણ તફાવત પણ આ ચલચિત્રમાં તરી આવે છે. ગરીબ કર્મચારીઓ શહેરની બહાર ગીચ ઝૂંપડપટ્ટીમાં રહે છે જ્યારે શ્રીમંત લોકો વૈભવી ઠાઠ થી શહેરમાં રહે છે. ગરીબ લોકો તેમની જીવનશૈલી વચ્ચેના વિરોધાભાસથી પુરા વાકેફ હોય છે, જયારે શ્રીમંત લોકો તેમની ઠાઠમાઠવાળી જિંદગી થી દૂર રહેતા લોકોની અસલી જિંદગી ની વાસ્તવિકતાથી તદ્દન અજાણ હોય છે. આ ગરીબ કામદારોને તેમના ઉપરી અધિકારીઓ ક્યારેક એવી જવાબદારીઓ સોંપે છે કે તેમના સંજોગોમાં તે નિભાવીજ ન શકાય. દાખલા તરીકે, અંજનીનો સાળો સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરે છે અને તેને રાઈફલ આપવામાં આવે છે. બલ્કે તેની નોકરીમાં તેને રાઇફલ ની કોઈજ જરૂર નથી. છતાં તેને તે રાઇફલને સંતુલિત કરીને મુશ્કેલીથી તેની સાયકલ ઉપર ઘરે લઇ જવી અને ફરી કામ ઉપર લાવવી પડે છે. તેની ઝૂંપડીમાં સુવિધાઓનો અભાવ હોવા છતાં તેને રાઇફલને સુરક્ષિત રીતે સાચવીને રાખવી પડે છે.
આ ઉત્કૃષ્ટ ઓછા બજેટની ફિલ્મ માં ભારદ્વાજ માસ્ટરફુલ પર્ફોર્મન્સ આપે છે અને પ્રેક્ષકોને જોવા મળે છે કે તેની પરિસ્થિતિમાં જીવનનો શું અર્થ થાય છે. આ ફિલ્મમાં, સ્થળાંતરિત કામદારને અસ્પષ્ટતામાંથી બહાર લાવીને તેને એક વ્યક્તિત્વ અને ઓળખ આપવાનો બહાદુર પ્રયાસ છે.