Archive for category Gujarati: Fiction-Poems-Essays-Events

મુગલ રાજ્યની એક અનન્ય રાણી – નૂરજહાં


માર્ચ 8 ના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે ઇતિહાસ માં ડૂબકી મારીને એક એવી સ્ત્રી વિષે જાણકારી મેળવીએ જેણે પોતાના પતિ જોડે હારોહાર રાજ્ય સંભાળ્યું અને તે પણ એવા સમયે જયારે મોટા ભાગની મોગલ પત્નીઓ હેરેમ માં મોજ કરતી અને તેમને બીજી કોઈ સત્તા ઉપલબ્ધ નહોતી. 

Noor Jahan — the legendary Mughal empress — Part II - Daily Times

ઘણીવાર ઇતિહાસ માં સ્ત્રી કરતા પુરુષને વધારે મહત્વ મળ્યું છે. મુમતાઝ મહાલ માટે તાજ મહાલ બનાવી ને શાહ જહાંને તેની રાણી ને અને તે બંને ની પ્રેમ કથાને ઇતિહાસ માં અમર બનાવી દીધી. પણ એક બીજી રાણી જે મુમતાઝ ની ફઈ હતી અને મુમતાઝ ના લગ્ન પછી તે તેની ઓરમાન સાસુ બની તેની અને તેના પ્રેમ ની અને તેની સતા ની વાત કરીએ. 

તે છે નૂરજહાં, શાહજહાં ના પિતા જહાંગીર ની 20 મી પત્ની.  નાનપણ માં અનારકલી જોડે તેનો સબંધ તેના પિતા અકબરે માન્ય ન રાખ્યો પછી (સલીમ) જહાંગીર ની નજર માં આવી બીજી એક સામાન્ય છોકરી, મહેરુનિસ્સા. પણ અકબરને તે પણ માન્ય તો હોય જ નહી ને? તે સમય ની રસમ પ્રમાણે જહાંગીર ના 19 લગ્ન આજુબાજુના મહારાજાઓની જોડે સબંધ કેળવવા માટે કરવામાં આવેલા અને મહેરુનિસ્સા ના લગ્ન પણ થઇ ચૂકેલા. મહેરુનિસ્સાનો પતિ તેને મારપીટ કરતો અને તેમનું લગ્ન જીવન સુખી નહોતું. તેવામાં મહેરુનિસ્સાનો પતિ ગુજરી ગયો. જહાંગીર ના તો 19 લગ્ન થઇ ચૂકેલા અને એ સિવાય તેની નજર પડે તે સ્ત્રી તેના માટે મૉટે ભાગે તેને સ્વીકારવા અને સંતોષવા માટે હાજર હતી. એવા સમયે તેની નજર માં ફરી આવી મહેરુનિસ્સા, એક સામાન્ય સ્ત્રી, એક સામાન્ય સૈનિક ની દીકરી, એક વિધવા સ્ત્રી, એક બાળકી ની મા, તેની નાનપણની પ્રિયતમા, મહેરુનિસ્સા. જહાંગીર મહેરુનિસ્સા ઉપર ફરી ફિદા થઇ ગયો અને બંને વચ્ચે ફરી  ઊંડો પ્રેમ સબંધ બંધાયો. પણ પછી અચાનક મહેરુનિસ્સાએ તેના પ્રેમનો અસ્વીકાર કર્યો અને શરત મૂકી કે જો જહાંગીરને સાચો પ્રેમ હોય તો તે મહેરુનિસ્સા જોડે લગ્ન કરે. લોકો તાજ્જુબ થઇ ગયા અને જહાંગીરને ઘણી શિખામણ મળી કે તે બિલકુલ યોગ્ય નથી. તેમજ મહેરુનિસ્સાને ઘણી શિખામણ મળી કે આવા મોટા મહારાજાએ તેને અપનાવી છે તેને પોતાના નસીબ માની અને જિંદગી જીવી લેવી. જહાંગીરે મહેરુનિસ્સાને કપડાં અને જવેરાત મોકલી ને મનાવવાની કોશિશ કરી પણ મહેરુનિસ્સાએ બધું પાછું મોકલ્યું. છેવટે પ્રેમ માં પડેલ મહારાજાએ ધામધૂમથી મહેરુનિસ્સા જોડે લગ્ન કર્યા અને તેની 20 મી રાણીને નૂર જહાં (દુનિયા ની રોશની) ના નામ થી નવાજી.

નૂરજહાંએ તેના ભાઈ ની દીકરીના લગ્ન જહાંગીર ના દીકરા શાહજહાં જોડે કરાવ્યા.  શાહજહાં ની મા અને જહાંગીર ની પહેલી પત્ની જગત ગોસીની (ગોસેઇન) અને નૂરજહાં વચ્ચે બહુ સારો સબંધ હતો નહિ. નૂરજહાંએ શાહજહાંના અને જગત ગોસીની ગોસેઇન ના દીકરા ના વિવાહ પોતાની ભત્રીજી જોડે કરાવીને પોતાની સત્તા જમાવી લીધી — આ તેની પહેલી ચાલ. શાહજહાં ને મુમતાઝ જોડે પ્રેમ હતો અને અલબત્ત તેણે મુમતાઝ ની યાદ માં તાજ મહાલ બંધાવ્યો. પરંતુ તેના જીવન દરમ્યાન મુમતાઝ તેના છોકરાઓ જણવામાં વ્યસ્ત હતી અને નાની ઉંમરમાં તે બાળજન્મ સમયે મૃત્યુ પામી. પરંતુ તેની ફઈ નૂર જહાં ની વાત અલગ છે. ઇન્દુ સુંદરસેને તેના પુસ્તક, The Twentieth Wife (20મી પત્ની) માં નૂર જહાં ની સત્તા વિષે ઘણી જાણકારી આપી છે. 16 અને 17 મી સદીમાં મુગલ રાજ્ય દુનિયાભર માં તેની શાન અને સંપત્તિ માટે મશહૂર હતું. નૂરજહાં ખુબ બુદ્ધિશાળી સ્ત્રી હતી.  તેના લગ્ન પછી તેની સત્તા વધતી ગઈ. મક્કમ મનની, શક્તિશાળી અને બુદ્ધિશાળી નૂરજહાં માં તેના પતિને પૂરો વિશ્વાસ હતો અને તેના પતિ જહાંગીર કરતા નૂરજહાં વધારે રાજનીતિમાં હોશિયાર હતી. નૂરજહાં ને એટલા હક અને એટલું સન્માન આપવામાં આવતું કે તે કોઈ સ્ત્રીને તે જમાનામાં મળ્યું નથી.  

નૂરજહાં ના નામના સિક્કા બનાવવામાં આવેલા. તે મહારાજની અદાલત માં હંમેશા હાજર રહેતી. ક્યારેક જહાંગીર બીમાર રહે તો નૂરજહાં એકલી અદાલત ભરતી. નૂરજહાં ને શાહી સીલ નો હવાલો જહાંગીરે આપેલો તેથી તે શાહી દસ્તાવેજ અને હુકમો ઉપર કાનૂની સહી કરી શકે. રાજનીતિ ના દરેક મામલામાં જહાંગીર તેના મંતવ્ય નો આગ્રહ રાખતો. અને એક સમયે નૂરજહાં યુદ્ધ માં પણ ઉતરેલી. શાહજહાંને તેના પ્રેમ ના નામથી મુમતાઝ ની યાદ માં તાજ મહેલ બાંધ્યો અને તેને લીધે મુમતાઝ નું નામ ઇતિહાસ માં અમર થઇ ગયું. પણ મુમતાઝે રાજ્યના કામકાજમાં ક્યારેય કોઈ રસ લીધેલો નહિ અને શાહજહાંને ક્યારેય કોઈ બાબત ઉપર તેનો મત પૂછેલો નહિ. જયારે નૂરજહાંએ તેના પતિની હારોહાર ઉભા રહીને, તેની જિંદગીની જીવનસાથી બનીને રહી અને આ રીતે નૂરજહાં મુગલ ઇતિહાસ માં એક અનન્ય સ્ત્રી રહી છે. 

, , , , ,

Leave a comment

દ્રષ્ટિકોણ: દુર્લભ રોગ (rare diseases)


આજે “રેર ડીઝીસ” ડે ના દિવસે “દુર્લભ રોગ” વિષે વાત કરીએ.  એવા ઘણા દુર્લભ રોગ છે જેને અનાથ રોગ પણ કહેવાય છે, કેમ કે તેના નિવારણ ઉપર ઘણા લોકો કામ કરતા હોતા નથી. દુનિયા માં 6000 થી ઉપર એવા દુર્લભ રોગ છે. કદી જોયા ન હોય એવા વિચિત્ર રોગ ધારણ કરનાર રોગીઓ પણ ક્યારેક વિચિત્ર લાગે અને તાકી તાકીને જોવાની આપણે ભારતીયોને ક્યારેક એવી ટેવ હોય છે. તો આશા છે કે આ બાબત માં થોડું જ્ઞાન મેળવી આપણે આવા રોગ ને અને રોગીઓને ધિક્કાર કે કુતુહલ થી નિહાળવાની બદલે અનુકંપા ની દ્રષ્ટિ થી જોશું.

કઈ પ્રકારના દુર્લભ રોગ હોય છે તેના વિષે થોડી વાત કરીએ. 

* Proteus syndrome (પ્રોટિયસ સિન્ડ્રોમ): આ એવી પ્રકારનો રોગ છે કે તેમાં શરીરમાં રહેલી પેશીઓ (ટિશ્યૂઝ) વધ્યાજ કરે છે. દરેક ને તે જુદી રીતે અસર કરે છે. કોકના હાથ વધ્યા કરે, કોક નો એકજ હાથ વધ્યા કરે અને કોક ના પગ અથવા એકજ પગ વધ્યા કરે અને કોક નું માથું કે શરીર નું બીજું કોઈક અવ્યય વધ્યા કરે. 

* Fibrodysplasia ossificans progressiva (FOP): (ફાઇબરોડિસપ્લેસિયા ઓસિફિકાન્સ પ્રોગ્રેસીવા) ટૂંક માં (FOP) એવો જ એક ભયાનક રોગ છે જે આખી દુનિયામાં લગભગ 2 મિલિયન લોકોને જ છે. તેમાં વ્યક્તિ પોતાના હાડકા ના પિંજરા માં કેદી બની જાય છે. આ રોગ માં હાડકા વિકસતા જાય છે અને વ્યક્તિના હાડપિંજર જોડે જોડાતા જાય છે. ધીમે ધીમે વિકસતા જતા હાડકાની અંદર માણસ ભીંસાતો જાય છે અને ધીમે ધીમે તેની પ્રવૃત્તિ રૂંધાતી જાય છે અને ભીંસાતી વ્યક્તિ પોતાના હાડકામાં રૂંધાઈને મોત ને ભેટે છે.  અમેરિકા માં હેન્રી ઇસ્ટલેક નામના બાળક ને આ રોગ હતો. તે 39 વર્ષે મૃત્યુ પામ્યો ત્યારે તે માત્ર તેની જીભ હલાવી શકતો હતો બાકી બહારના કોઈ પણ અવ્યય ને તે હલાવી શકતો ન હતો. આ રોગ વિષે નીચેના વિડિઓ માં જોઈ શકશો.

* Severe combined immunodeficiency, SCID: (સિવિયર કમબાઇન્ડ ઈમ્યૂનોડેફિશિનઝિ અને ટૂંક માં સ્કીડ) T cells અને B cells ના genetic mutations ને લીધે થાય છે. આ રોગ હોય તે વ્યક્તિમાં કોઈ પણ જંતુઓનો સામનો કરવાની તાકાત હોતી નથી. આવા બાળકોને કોઈ પણ સહાય ન મળે તો તેઓ એક વર્ષ ની અંદર મૃત્યુ પામે છે. પરંતુ મેડિકલ પ્રગતિ ને લીધે હવે તેઓ બબલ ની અંદર રહીને ઉછરી શકે છે અને તેઓને બબલ બેબી તરીકે ઓળખાય છે. ડેવિડ વેટર નામનો છોકરો ઘણા વર્ષ આ રીતે જીવિત રહેલો. તે એવા બબલ ની અંદર જીવિત રહેલ કે તેને ક્યારેય કોઈ અડકી ન શકે અને તે બહારની વસ્તુઓને એકદમ સાફ કાર્ય વગર હાથ લગાવી ન શકે.

* Moebius Syndrome (મોબીયસ સિન્ડ્રોમ): આ રોગ હોય તે લોકો સ્મિત કરી શકતા નથી. તે લોકો ફ્રાઉન પણ નથી કરી શકતા અને આય બ્લિન્ક પણ નથી કરી શકતા. તેઓના ચહેરા ઉપર કોઈ પણ પ્રકારના હાવભાવ વર્તાઈ શકતા નથી. 

*  water allergy or “aquagenic urticaria” : પાણી ની એલર્જી જન્મ થી નથી હોતી પણ યુવાવસ્થામાં ઉત્પન્ન થાય છે. મૉટે ભાગે એક મા બાળક ને જન્મ આપે તે પછી તેને ક્યારેક આ રોગ થાય છે. આજ સુધી માં માત્ર 30 કિસ્સા નોંધાયા છે. તાજેતરમાં ઇંગ્લેન્ડ માં 21 વર્ષની યુવતીને તે રોગ થયો અને ત્યાર બાદ તે બિલકુલ પાણી પી સકતી નથી અને અઠવાડિયામાં એક વાર 10 સેકેન્ડ માં નાહી લ્યે છે નહિ તો તેને આખા શરીરે ખુબ બળતરા અને રાશ થાય છે. તે માત્ર ડાઈટ કોક પી શકે છે. 

* Guillain-Barre syndrome (ગીયાનબારે સિન્ડ્રોમ): આ રોગ અચાનક જ શરીરમાં આવે છે.  શરીર ની ઇમ્યુન સિસ્ટમ જે બહાર ના રોગી જંતુઓનો સામનો કરે છે તે સિસ્ટમ આ રોગ માં પોતાના શરીર નો સામનો કરવા માંડે છે. એકદમ જલ્દી ફેલાતા આ રોગ માં વ્યક્તિ પેરાલાઇસ પણ થઇ શકે છે. આ રોગ થી વ્યક્તિને બોલવા, ચાલવા, ખાવા, પીવા, બાથરૂમ જવામાં અડવડતા થાય છે. જેવી ઝડપ થી આ રોગ આવે છે અને ફેલાઈ છે તેવીજ ઝડપ થી ક્યારેક આ રોગ ચાલ્યો જાય છે અને ક્યા કારણ થી આ રોગ આવે છે તેની મેડિકલ વિભાગ માં પુરી જાણકારી નથી. મારા બે મિત્રોને આ રોગ થયેલો અને બંને હવે સારું સ્વાસ્થ્ય ધરાવે છે.  કોઈપણ વ્યક્તિને ક્યારે પણ આ રોગ થયો હોય તેમણે કોઈપણ વેક્સીન અને અત્યારે કોવીડ વેક્સીન  લેતા સમયે ડોક્ટર ના અવલોકન હેઠળ લેવાનું જરૂરી છે.

તો આ દુર્લભ રોગ દિવસ શા માટે છે અને આજે આપણે શા માટે તેના વિષે વાત કરી રહ્યા છીએ?

દુનિયા માં આવા 6000 જેટલા રોગ છે. અમેરિકામાં 2 લાખ થી ઓછા લોકોને આવા રોગ થાય છે. તેથી ભાગ્યેજ કોઈ કંપની કે વૈજ્ઞાનિક તેનું નિવારણ શોધવા માટે કામ કરતા. કેમ કે આવા રોગો આટલા દુર્લભ હોય તો તેઓ તેના નિવારણ ઉપર વર્ષો કામ કરે અને તેની કયોર શોધે તે પછી તેમાં તેમને શું વળતર મળે? અને તેવીજ રીતે આવા દુર્લભ રોગો નો સામનો કરનાર વ્યક્તિ પણ ખુબ એકલતા અનુભવે છે અને તેમને મિસ ડાયગ્નોસિસ અને લોકોના પૂર્વગ્રહ નો સામનો કરવો પડે છે. પણ હવે આવા દુર્લભ રોગોને સમજવા માં ઘણી પ્રગતિ થઇ રહી છે. દુર્લભ રોગ દિવસ નો હેતુ લોકોમાં, સમાજમાં, મેડિકલ વિભાગોમાં અને નીતિ વિભાગોમાં તેના વિષે જાણકારી અને સમજણ વધારવા માટે નો છે. તેમજ હવે જેમને આવા દુર્લભ રોગ હોય તેઓના જૂથ બન્યા છે અને તેઓ એકબીજા જોડે નવી શોધ થાય તેની આપ લે કરે છે. 

નવા માર્ગદર્શન અનુસાર FDA પણ દુર્લભ રોગો (જેના બે લાખ થી ઓછા કિસ્સા અમેરિકામાં નોંધાયા હોય), જેના ઉપર વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા હોય તેઓના માર્ગ માંથી વિઘ્નો હટાવી અને તેમને દરેક રીતે અનુકૂળતા મળે તે માટે સહાય કરી રહ્યા છે. હવે આવા રોગ ના નિવારણ ઉપર ઘણા વૈજ્ઞાનિકો અને નાની નાની  કંપની હવે કામ કરી રહી છે. 

ભારત માં ઉછરતા મને ખ્યાલ આવ્યો નહિ કે જુદા દેખાતા લોકોને તાકી તાકી ને જોવાની કેવી આદત આપણા ભારતીઓમાં હોય છે. પણ દર વર્ષે હું મારી દીકરી ને લઈને ભારત જતી અને તે હંમેશ મને કહેતી કે — મમ્મી અહીં બધા હંમેશા આપણી સામે તાકી તાકીને કેમ  જોવે છે?  મારી દીકરી ના પહેરવેશ અને વાતો પરથી તુરંત બધા સમજી જતા કે આ વિદેશ થી આવેલ લાગે છે. અને એક થોડું પણ જુદું માણસ દેખાય તો લોકો ટગર ટગર જોવા લાગે. હવે તે બાબતમાં હું પણ સંવેદનશીલ થઇ ગઈ છું. બે વર્ષ પહેલા હું એકલી દિલ્લી થી અમૃતસર જવા નીકળી. ટ્રેન માં હું મારી ચોપડી વાંચતી હતી. અચાનક મેં ઉપર જોયું તો આજુ બાજુ બેઠેલા ચાર પુરુષો મારી સામે તાકી ને જોઈ રહ્યા હતા. આ રીતે વ્યક્તિને આપણે સંકોચ અનુભવતા કરી દઈએ છીએ.  તો આવી જાણકારી મેળવીને આશા છે કે આપણે કોઈને તાકી ને જોવા ની બદલે તેમની જોડે મૈત્રીભાવ કેળવી શકીએ.  

નીચેના વિડિઓ માં દસ બીજા દુર્લભ રોગ વિષે જાણકારી મેળવી શકશો. https://www.youtube.com/watch?v=SsGA_u1ihNs

, , , , , , ,

Leave a comment

નિયતિ ની દીકરીઓ (Daughters of Destiny) – સીરીયલ સમીક્ષા


સફળતા શું છે?

Shanti Bhavan (@ShantiBhavan) | Twitter

કાળી મજૂરી કરતી અને માથા ઉપર પાણા ઉપાડતી વિધવા મા ની દીકરી જયારે ભણીગણી ને વકીલ બને ત્યારે આપણે તેને સફળતા માનીએ ખરું ને? પણ ત્યારે કોઈ તેને કહે કે અમે તેને સફળતા નહિ ગણીએ તો આપણને વિસ્મયતા થાય। સત્ય ઘટના ઉપર આધારિત ડોટર્સ ઓફ ડેસ્ટીની ઉર્ફ નિયતિ ની દીકરીઓ નામની સીરીઅલ માં આ વાત નું વર્ણન છે.

ડૉક્ટર જોર્જ ભારત થી અમેરિકા શિક્ષણ માટે આવ્યા અને ત્યાર બાદ એક કંપની શરુ કરી. ખુબ સફળ એ કંપની વેંચીને પૈસા બનાવ્યા બાદ તેઓ પૈસા લઈને ભારત પાછા ફર્યા અને શાંતિ ભવન શાળાની સ્થાપના કરી. બાળકો ભણવા આવે અને પાછા પોતાના ઘરે જતા રહે તે તેમની સ્થિતિ માં શક્ય જ નહોતું. ઘણા બાળકો ઝૂંપડામાં રહેતા હતા, ભણવા માટે એકાંત, વીજળી વગેરેની વ્યવસ્થા નહોતી, ઘણા બાળકો ઉપર સાત, આઠ વર્ષે માતાપિતા ના કામ માં મદદ કરવાનું દબાણ રહેતું. અને તે ઉપરાંત આ બાળકોને કોઉન્સેલિંગ, મેન્ટરીંગ અને એક્સટ્રા કૅરીક્યુલર એકટીવિટીસ ની પણ જરૂર હતી. આજુબાજુના સૌથી ગરીબ દલિત બાળકોને સર્વોત્તમ ભણતર, સાંસ્કૃતિક શિક્ષણ સાથે તેમના રહેવાની વ્યવસ્થા કરી. પછી ઝૂંપડીમાં જઈને ગરીબ માં બાપ પાસે તેમના બાળકો ને શાંતિ ભવનને સોંપી દેવાની વિનંતી કરી. એવા માતાપિતા જે કોઈ પણ સમયે પોતાના બાળકોનું ભલું ઇચ્છતા હોય છે તેમણે પોતાના દિલ ઉપર પથ્થર રાખીને તેમના નાના નાના ભુલકાઓને શાંતિ ભવન શાળા માં ઉછેરવા માટે સોંપી દીધા. બાળકો વર્ષમાં બે વખત પોતાના ઘરે વેકેશન ગાળવા જતા અને તે સિવાયનું બધુજ શિક્ષણ અંગ્રેજીમાં લઇ અને પછી શાંતિ ભવન ના ખર્ચે કોલેજ માં ભણવા ગયા. અને ત્યાર બાદ તેમને સારી સારી નોકરી ઓ મળી. ત્યારે ડોક્ટર જોર્જે બાળકોને કહ્યું કે તમે આ તમારી સિદ્ધિને સફળતા નહિ માનતા.

તમે જે ભણતર અને નાગરિકી શિક્ષણ પ્રાપ્ત કર્યું છે તેના દ્વારા માત્ર તમારી જિંદગી માં તમે વ્યવસાયિક અને ભૌતિક રીતે સ્થાયી થાઓ, જિંદગીમાં ક્યારેય ન પ્રાપ્ત કર્યું હોય તેને મેળવી શકો તે તમારા નસીબ અને અમારી ખુશી. ભારત માં તો કહેવાય છે કે વિધાતા લેખ લખે તેને કોઈ ટાળી નથી શકતું. અને છતાં પણ તમને મદદ મળી ત્યારે તેમાં તમારી અખંડ પરિશ્રમ નું મિશ્રણ કરીને વિધિએ લખેલ લેખ ને તમે બદલી શક્યા। તમારી ખુશી અને આ આનંદ ના પ્રસંગે અમે તમારી જોડે જોડાઈએ છીએ અને આનંદ અનુભવીએ છીએ. પણ અહીં અટકતા નહિ. આ સફળતા નથી. અમે તમારી ખરી સફળતા ત્યારે ગણીશું જયારે તમે ઓછા માં ઓછા બીજા સો બાળકોને જિંદગીમાં આગળ લાવો અને તેમના નસીબ ને બદલવામાં મદદ કરો.

પેલી વકીલ છોકરીએ શું કર્યું? તેણે વકીલાત શરુ કરતા જ સૌથી પહેલો કેસ લીધો તેની વિધવા માં માટેનો અને તેની સાથે 30 વર્ષ થી પથ્થર ની ખાણ માં પથ્થર કાપતા અને ત્યાંજ રહેતા બધા મજૂરોનો। દરેક કુટુંબને તેના હકની જમીન, મકાન, દાક્તરી સગવડ અને બાળકો માટે શાળાની સગવડ માટે ની કોર્ટ માં અરજી કરતો તે કેશ આગળ વધી રહ્યો છે. જિંદગીમાં સફળતાનો કોઈ માપદંડ નથી અને કોઈની સફળતાને આધારે કે તેની સરખામણી કરતા આપણી સફળતા નક્કી નથી થતી. બલ્કે જિંદગીમાં આપણી સફળતા શું છે તે તેની અસર ને આધારે અને આપણા સિદ્ધાંત પ્રમાણે આપણે જ નક્કી કરવાનું છે. આ સીરીઅલ નેટફ્લિક્સ માં જોવા મળી શકશે.

, , , , ,

Leave a comment

સાથ વિષે….. (on togetherness in #Gujarati)


 

સાથ વિષે………

Michelangelo, Abstract, Boy, Child, Adult

કોઈકનો સાથ જીવન માં થોડી ક્ષણોનો હોય છે પણ આખું જીવન મહેકતું કરીને જાય. કોઈકનો સાથ આખી જિંદગી હોય પણ ન હોવા બરોબર અને વ્યક્તિ ક્યારેક રસમો રિવાજ ને સમાજ ને લીધે આખી જિંદગી કોઈકનો નગુણો સાથ નિભાવી લ્યે છે. કોઈકનો સાથ એક આદત બની જાય છે. અને મીરા સાથે કૃષ્ણનો સાથ હતો તેમ ક્યારેક સાથ શ્રદ્ધા ની અનુભૂતિ છે.  મીરાં ને કૃષ્ણ નો સાથ શ્રદ્ધા માં હતો તેથીજ મીરા ના શબ્દો માં સંવેદના થી તરબોળ એવા સાથ ના ઘણા રૂપ મળે છે. 

ક્યારેક મીરા શ્રી કૃષ્ણ ના સાથ ને ઝંખે છે
मीरा कहै प्रभु कब रे मिलोगे
तुम बिन नैण दुखारा॥
म्हारे घर आ प्रीतम प्यारा॥ 

ક્યારેક તે સાથ ની અમૂલ્યતા ને અનુભવે છે
जनम जनम की पूंजी पाई
जग में सभी खोवायो
पायो जी मैंने राम रतन धन पायो

ને ક્યારેક તે વિરહ ની વેદના માં જુરે છે.
प्रभु जी तुम दर्शन बिन
मोय घड़ी चैन नहीं आवड़े॥
अन्न नहीं भावे, नींद न आवे
विरह सतावे मोय।
घायल ज्यूं घूमूं खड़ी रे
म्हारो दर्द न जाने कोय॥

ને ક્યારેક તેમના સંગાથ માં જ જીવન જતું હોય તેમ સહજતાથી કહે છે
साजि सिंगार बांधि पग घुंघरू,
लोक-लाज तजि नाची॥
मैं तो सांवरे के रंग राची।

સાથ માં આ બધા રૂપ સમાય જાય છે.

Friends, Cat And Dog, Cats And Dogs, Pet, Domestic

મારા શબ્દોમાં…… 

સાથ લાગણી છે, સંવેદના છે, પ્રેમ છે
સાથે હોય તે જ પૂછે ને તું હેમખેમ છે?

સાથ માં સંગાથ હોવો જરૂરી નથી
ક્યારેક સાથ માત્ર આદત જેમ છે

સાથ માં મતભેદ છે સાથે ફરિયાદ છે
વિરહ ને વેદના ને ફરી થતું મિલન છે

સાથ માં વર્તાય વ્યક્તિનું વ્યક્તિત્વ
તેને બીજા પ્રત્યે કેવો રહેમ છે

સાથ માં હિસાબ કિતાબ પણ હોય
સમર્પણ, તો ક્યારેક સાથ લેણદેણ છે

જન્મતાંજ શ્વાસ સાથે સંકળાયેલ સાથ છે
તો જ મિલન વગર પણ આજે સૌ હેમખેમ છે 

 

,

1 Comment

દ્રષ્ટિકોણ – હેન્રીએટ્ટા લેક્સ નું અમર જીવન (Immortal Life of Henrietta Lacks in #Gujarati)


જો આ કોરોનવાઈરસ ના સમય માં નવાઈ લાગે કે એક આવડું એવું અમથું જંતુ આવો ભય મચાવી દ્યે તો આજે એક બીજી ઘટના ની વાત કરીએ.  તેનો કોરોનવાઈરસ સાથે નો સબંધ એટલો જ કે કોઈપણ જીવંત વસ્તુ ક્યારે અનહદ અને અમર્યાદિત રીતે વાતાવરણમાં ચારેકોર ફેલાવા લાગે તે જાણવું અઘરું છે. 

Pink Sphere Splashed by Green Liquid

1961 ની સાલ માં હેન્રીએટ્ટા લેક્સ કરીને એક આફ્રિકન અમેરિકન મહિલાને કેન્સર થયું અને એકદમ જલ્દીથી તેના શરીરમાં ફેલાવા લાગ્યું।  કુટુંબની અથાગ સારવાર અને ડોક્ટરોની મહેનત છતાં કેન્સર રોકાયા વગર એકદમ જલ્દી ફેલાતું રહ્યું અને ટૂંક સમય માંજ તેનું અવસાન થયું।  ડોકટોરોને રિસર્ચ માટે તેના સેલ્સ જોઈતા હતા. તેમણે થોડી માત્રામાં તે સેલ્સ તેના શરીર માંથી કાઢી લીધા અને તેમની ઉપર રિસર્ચ કરવાનું શરુ કર્યું। 

આપણા શરીરમાં લગભગ એક કરોડ ટ્રિલિયન સેલ્સ (કોષો) હોય છે. આ સેલ્સ  આપણા શરીરની પેશીઓ, સ્નાયુઓ, અસ્થિ, લોહી, અને અંગો બનાવે છે. દરેક કોષમાં સાયટોપ્લાઝમ અને ન્યુક્લિયસનો સમાવેશ થાય છે. ન્યુક્લિયસમાં તમામ આનુવંશિક માહિતી (જેનેટિક કોડ) હોય છે, જે દરેક કોષના દરેક ન્યુક્લિયસમાં વ્યક્તિના સંપૂર્ણ જીનોમની સમાન નકલ હોય છે. સેલ વિભાગ અથવા મિટોસિસ નવા કોશિકાઓના વિકાસ શક્ય બનાવે છે. પરંતુ આ વિભાજન પ્રક્રિયામાં એક નાની ભૂલ, એક એન્ઝાઇમ misfiring, એક ખોટી પ્રોટીન સક્રિયકરણ પ્રક્રિયાને ને લીધે થતી કોઈ ભૂલ શરીર ને કેન્સર તરફ દોરી જય શકે છે. હેનરીટ્ટાના કેન્સર કોશિકાઓ તેમના ગાંઠમાંથી લેવામાં આવી હતી અને વૈજ્ઞાનિકોમાં સંશોધન માટે મુક્ત રીતે વહેંચવામાં આવી અને તેને હીલા સેલ્સ નામ આપવામાં આવ્યું.

હેન્રીએટ્ટા નું કેન્સર એટલું ઝડપથી ફેલાયું હતું કે વૈજ્ઞાનિકો ને જાણ હતી કે હેન્રીએટ્ટા ના હીલા સેલ ખુબજ શક્તિશાળી હતા અને તેને અમર સેલ રેખા તરીકે નામ આપ્યું. પણ જયારે આવા પ્રભાવશાળી હિલા કોષો વૈજ્ઞાનિકોમાં, સંશોધન માટે મુક્તપણે વિતરણ કરવામાં આવ્યા ત્યારે  કેટલી હદ સુધી તે અમર સેલ રેખા હતી તે કોઈને ખબર નહિ. સંશોધકો તેમને હર્પીસ, મિસલ્સ, મમ્પ્સ, પોક્સ, એન્સેફાલીટીસ અને પોલિયો જેવા તમામ પ્રકારનાં વાઇરસ સાથે સાથે અભ્યાસ કરતા હતા. તે પછી તો તેઓ બીજી સેલ લાઈન અન્ય કોશિકાઓ, બીજા દર્દીઓના શરીરમાંથી લઈને અને તેને વિકસાવીને પણ રિસર્ચ કરવા લાગ્યા। પણ એક વાત તેમના ધ્યાન બહાર રહી. અને તે એ કે હીલા કોષો એટલા શક્તિશાળી હતા કે લેબોરેટરી માં રહેલ ઘણી બધી બીજી સેલ લાઈન હિલા સેલ થી દૂષિત થઈ જતી હતી અને કદી કોઈ પણ રીતે ના મરનાર હિલ સેલ બધેજ પ્રસારીને પોતાનું વર્ચસ્વ જમાવી દેતા. 

1966 માં ગટૅલ નામના વૈજ્ઞાનિકે પુરવાર કર્યું કે ઘણી સેલ લાઈન ઉપર વૈજ્ઞાનિકો અભ્યાસ કરી રહ્યા હતા તેમાંથી મોટા ભાગની હિલા લાઈન થી દુષિત થઇ ગયેલી। એટલે કે વૈજ્ઞાનિકો સમજતા હતા કે તે નવી રિસર્ચ કરી રહ્યા છે પણ તે બધી રિસર્ચ હિલા ઉપર જ થઇ રહી હતી. જયારે ગટેલે એ વાત બહાર પાડી તે વખતે વૈજ્ઞાનિકો ની દુનિયા એટલી હચમચી ઉઠી કે તે વાત ને વૈજ્ઞાનિકો હિલા બૉમ્બ તરીકે જાણે છે. કરોડો ડોલર્સ ના સંશોધનો કૈક જુદું વિચારીને વૈજ્ઞાનિકો કરી રહ્યા હતા તે નકામા થઇ ગયા. હેન્રીએટ્ટા બહેન ના એક કેન્સરે આખા એક દેશની જ નહિ પણ બીજા ઘણા દેશોની લેબોરેટોરી માં પ્રસરીને ઘણી સેલ લાઈન ને દુષિત કરી નાખેલ। આજે પણ વૈજ્ઞાનિકો સંશોધન માટે હિલા સેલ લાઈન નો વપરાશ કરે છે. પરંતુ તેઓ બીજી લાઈન ને દુષિત ન કરે તેનો ખાસ ખ્યાલ રાખે છે. જો હિલ સેલ્સ કોઈ પણ સેલ ને આડકતરી રીતે પણ અડે તો તે તુરંત બીજા સેલ ને દુષિત કરી અને તેનું વર્ચસ્વ જમાવે છે.  આજે પણ  હેન્રીએટ્ટા બહેન ના એટલા હિલા સેલ દુનિયાભર ની લેબોરેટોરી માં છે કે અમુક અનુમાન ના આધારે તેને ભેગા કરીને વજન કરીએ તો તે 500 મિલીઓન મેટ્રિક ટન અથવા 10 એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ જેટલું તેનું વજન થાય. 

રેબેકા સ્કલૂટ કરીને લેખિકાએ આ વાત લખી ત્યારે તેણે હેન્રીએટ્ટા ના કુટુંબ ને મળીને તેમની વાત પણ આ વાર્તા માં વણી લીધી છે. સ્કલૂટ કહે છે કે હેન્રીએટ્ટા નું શરીર ઠંડી જમીન માં દફનાવેલ પડ્યું છે, અને તેનું કુટુંબ ગરીબીમાં ગોથા ખાય છે જયારે હેન્રીએટ્ટા ના હિલા સેલ ને કારણે દુનિયામાં કેન્સર ની જાણકારી માં ઘણી પ્રગતિ થઇ રહી છે. સ્કલૂટ ના કહેવા અનુસાર, આ સંશોધન માંથી નફો કરનાર ફાર્મા કંપની દ્વારા, હેન્રીએટ્ટા ના કુટુંબ ને કૈક હિસ્સો મળવો જોઈએ। રેબેકા ના લખાણ થી હવે આ વાત ની ચર્ચા થઇ રહી છે અને હવે સંશોધન માટે દર્દીઓનું લોહી, થુંક, સેલ વગેરે વપરાય તે માટે પહેલેથી પરવાનગી લેવામાં આવે છે.  જો તમે Kaiser ના મેમ્બર હો તો તમે આવા ફોર્મ સાઈન કર્યા હોય તે તમને યાદ હશે. 

હવે તો બે, ત્રણ પેઢી બાદ હેન્રીએટ્ટા ની નવી પેઢી ભણી ગણી ને હોશિયાર થઇ રહી છે અને તેઓ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી વગેરે જગ્યાએ લેક્ચર આપે છે. તેમનું કહેવું છે કે સંશોધન કરનાર વૈજ્ઞાનિકો અને તે વૈજ્ઞાન ની જાણકારી ને આધારે ઉપચાર પામનારા લોકોએ એટલું ધ્યાન માં રાખવું જોઈએ કે આ જાણકારી લોકોના દર્દ માંથી પેદા થઇ છે અને તે લોકોના આપણે ઋણી છીએ. હેન્રીએટ્ટા બહેન ના પૌત્ર પૌત્રીઓની વાત તદ્દન ખરી છે.  આજે તેમને યાદ કરતા આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ હેન્રીએટ્ટા બહેન ના આત્મા ને શાંતિ આપે.

જો તમારા પુત્ર, પુત્રી કે પૌત્ર, પૌત્રીઓ બાયોલોજી ના વિષય માં કામ કરતા હોય તો તેમને હિલા સેલ વિષે જરૂર પૂછશો। તમને અંગ્રેજી વાંચવું પસંદ હોય તો રિબેકા સ્કલૂટ લિખિત ચોપડી નું નામ છે “The Immortal Life of Henrietta Lacks” by Rebecca Skloot. 

 

, , , , , ,

Leave a comment

ઈશ્વર નો ચહેરો – Face of God


મારી પાડોશણ રોજ બહાર આવે અને તેના ઘર પાસે ઉગતા સુંદર ગુલાબ અને બીજા ફૂલોને કાપી ને તેની પૂજાની થાળી માં ભેગા કરીને ઘર માં લઇ જાય. આ દ્રશ્ય જોઈને વિચાર આવ્યા પછીનું એક અછાન્દસ કાવ્ય. 

મને શી ખબર કે શું મરજી છે ઈશ્વર તારી
ભજું તને મારી સમજ ને જેવી ઈચ્છા મારી                 

Brass-colored Lord Ganesha Figurine

તારી સૃષ્ટિના સુંદર ફૂલોને તેમના મા બાપ સમા
ઝાડપાનથી અળગા કરીને ધરું તારી છબી સમા           

 

તારો ચહેરો ઉતારું મેં બનાવેલ સુંદર છબીમાં
કેવી ફોટોફ્રેમમાં શોભશે ચહેરો એ વિચારોમાં

ક્યારેક તું દેખાય બિહામણી મા કાલી ના રૂપે
ક્યારેક મા દુર્ગાના હેતાળ સ્વરૂપે                        

Person Doing Handcraft Face Mask

ક્યારેક મહાવીર ને બુદ્ધ ના તટસ્થ ચહેરામાં
ને ક્યારેક છબી વિના મસ્જિદ ને અપાસરામાં 

તને યાદ કરું મેં બનાવેલ રીતિ રિવાજોમાં
મેં જાતે ઠરાવેલ કસમો અને રસમોમાં 

દિવસે ખાવાનું નહિ નમાજ કરું ને રોજા પાળું
ફરાળ તો ક્યારેક નકોરડા ઉપવાસ રાખું  

હે મારી કલ્પનાના ઈશ્વર અનેક રંગો મેં ભાળ્યા
તારા અનોખા ચહેરા માં ઉભરતા નિયમો નિભાવ્યા 

ક્યારેક ક્રોસ માં ઈશુના લોહી માં તારી દયાને જોઈ
ક્યારેક વાંસળી ના સાદ માં તારી ભક્તિમાં રંગાઈ                 

Crucifix Illustration

નાતી જાતિ ના ભેદભાવ માં માનવતા ખોવાઈ
તારા વિવિધ ચહેરાઓ માં હું ઘણી ગૂંચવાઈ 

ઘડ્યા મેં તારા અનેક ચહેરા મારી કલ્પના થકી
એક માત્ર ચહેરો જે મારી સમક્ષ છે તે ભૂલી 

મોરની કળા, ચીત્તા ની છલાંગ, દેડકાના કૂદકામાં
નીતરતી અજાયબી આ કોયલ ના ટહુકામાં

અમૃતમયી, અલૌકિક, અનેરી તારી આ સૃષ્ટિ
માની લઉ કે આ જ છે તારી છબી, તારી પુષ્ટિ 

દરેક માનવ ના અનોખા હાવભાવ માં
પશુ પક્ષીઓના ગુંજતા કલરવ માં                                     

Red Leaf Trees Near the Road

નીલા ગગન ને લીલા ઝડપાનમાં
શા માટે જોઉં તારો ચહેરો હું છબીમાં 

નિહાળી લઉ તારો ચહેરો હાલતા ચાલતા આ બધામાં   

 

1 Comment

દ્રષ્ટિકોણ 107: વાંચન એટલે (on reading)


કસરત કરવાથી શરીર તંદુરસ્ત રહે છે તે પ્રમાણે વાંચન થી મન તંદુરસ્ત રહે છે.  વાંચન પ્રાર્થના નો પણ એક પ્રકાર છે. જે રીતે ખરા મન થી પ્રભુ ભજન માં વ્યસ્ત વ્યક્તિ ને આસ પાસ નું ધ્યાન રહેતું નથી તે રીતે વાંચન માં ધ્યાનગ્રસ્ત હોઈએ ત્યારે આપણે તેમાં એવા ડૂબી જઈએ છીએ કે આજુબાજુ ના વાતાવરણ ને ભૂલી જઈએ છીએ. વાંચન થી સહાનુભૂતિની કેળવાય છે. થોડીવાર માટે જયારે આપણે બીજાના જૂતામાં ચાલીએ છીએ, બીજાની નજરે દુનિયાને નિહાળીએ છીએ ત્યારે સ્વાભાવિક રીતેજ બીજા લોકો પ્રત્યે સહાનુભૂતિ અને મમતા જાગે છે.

માર્ક ટ્વેઇન જે અમેરિકન લેખન સાહિત્યના પિતા સમાન ગણાય છે. તેમણે – http://bit.ly/2QIVNlM 

મિસિસિપી નદી ઉપર કામ કરતા નદીના કિનારે રહેતા ખેડૂતો, તેમની પત્નીઓ, જુગારીઓ, નેટિવ અમેરિકનો, બ્લેક અમેરિકનો, મોટા ઝાડ કાપનાર લમ્બરજેક્સ વગેરે  લોકો નું અને તેમની રહેણીકહેણી નું બારીકાઈથી નિરીક્ષણ કરીને સુંદર વર્ણન કર્યું છે. તેમના લેખન દ્વારા વાચકોને અમેરિકાની સાંસ્કૃતિક લેન્ડસ્કેપ વિષે સુંદર માહિતી જ નથી મળતી પરંતુ તેમના વાતાવરણ માં તે લોકો જોડે બેસીને મહેફિલ માણતા  હોઈએ અને તે બધા આપણા મિત્ર હોય તેવું લાગે છે. 

ખરું કહું તો વાંચન આપણને આમ તો ઘર થી દૂર દૂર લઇ જાય છે. પણ જ્યાં પહોંચીએ ત્યાં ઘર હોય તેવો માહોલ સર્જાવી આપે છે.  

Narrative, History, Dream, Tell, Fairy Tales, Book

 

, ,

Leave a comment

જગત કલ્યાણ માટે પ્રાર્થના 


Prayer, House, Corona, Coronavirus, Virus, Pray

અર્પણ કરું છું હું કેલીફોર્નીઆથી દર્શના
કરુણામય બ્રહ્માંડ પાસે મારી પ્રર્થના
કુદરત તારી વિસ્મયભરી સૃષ્ટિના માનમાં
સ્વિકારજે જગત કલ્યાણ માટે મારી ભાવના 

ભલે કરીએ મંત્ર જાપ સંતનામ ને પ્રાર્થના
અદભુત કુદરતને પહેલા પ્રણામ આપણા
માફ કરજે તારી બલિહારી અમે ન સમજ્યા
તારી સૃષ્ટિના દરેક કણ સુધી પહોંચે આ ભાવના
વૈજ્ઞાનિકોને અર્પણ બીજી અભ્યર્થના
ડોક્ટર નર્સ ને કાળજીકારોને ત્રીજી અર્ચના
આરોગ્ય વ્યાવસાયિકો (હેલ્થ પ્રોફેશનલ્સ) ને નમ્ર યાચના
અમ સંગ સાંભળજો તમારી આરોગ્યતા
લોકકલ્યાણકર્તાઓ માટે ચોથી પ્રાર્થના
બીજા નું ભાડું ભરવાનું, માસ્ક બનાવવાના
ગ્રોસરી લાવવાની, ગાઉન સીવવાના
તેમને વંદન, તેમના સ્થાસ્થ્યની પ્રાર્થના
પાંચમે કલ્યાણ થાય અબોલ પશુ પક્ષીઓના
સર્વ જગત કલ્યાણ માટે અર્પણ આ પ્રાર્થના 

 

Leave a comment

દ્રષ્ટિકોણ 107: અનામી એટલે (on nameless)


અનામી એટલે………

અનામી એટલે… વિષય ઉપર…. માત્ર વ્યક્તિઓને જ નહિ, પરંતુ લાગણીઓને પણ આપણે નામ આપીએ છીએ અને ક્યારેક તે નામ પ્રબળ લાગણીઓને દર્શાવવા માટે પૂરક નથી. 

Head, Face, Isolation, Loneliness, Externally, Foreign

અત્યારે કોરોનવાઈરસ ને લીધે આપણે મળવાનું નથી અને અંતર રાખવાનું છે. ઘરમાં સાથે રહેતા પણ એકબીજાને મોકળાશ આપવી પડે છે. મારી દીકરી કોરોનવાઈરસ દર્દીઓ જોડે કામ કરે છે તેને હું મળી સકતી નથી  પણ તેને યાદ રાખીને બે વાત કરું છું. 

ખલિલ જિબ્રાને કહ્યું છે ।…

“તમારી એકતામાં અંતર રહેવા દ્યો. વચ્ચે થોડી જગા રાખો, એકમેકને મોકળાશ આપો અને આકાશના પવનને વચ્ચે નૃત્ય કરવા દો. પ્રેમ કરો પણ પ્રેમ ને બંધન ન બનાવો।  સાથે ગાઓ, આનંદ કરો, પરંતુ દરેકને એકલા રહેવા દો, જેમ વીણા ના તાર અલગ હોય છે, છતાં સાથે મળીને સંગીત ના સુર કાઢે છે. એકમેક જોડે ઉભા રહો પણ એકદમ નજીક નહિ; એ રીતે જેમ મંદિર ના થાંભલા સાથે ઉભા રહીને આખું મંદિર ઊંચકી રાખી શકે છે તેમ”.

બીજું, જીવન ના સાચા બંધનોને અકબંધ રાખનાર એક અનામી લાગણી, અનામી તાકાત છે, જે તેમને તૂટવા નહિ દ્યે. તેવા ઊંડા બંધન ને કદાચ શબ્દોમાં વર્ણવી ન શકું તો પણ આપણે જાણીએ છીએ તેવી અનામી તાકાત પ્રેમ વચ્ચે અંતર હોય ત્યારે પણ પ્રેમ ના તાંતણાને ટકાવી રાખે છે.  

 

,

Leave a comment

દ્રષ્ટિકોણ 106: જીવન એટલે (on life)


Flower, Life, Crack, Desert, Drought, Survival

ઓસ્ટ્રિયામાં વિક્ટર ફ્રેન્કલ નામના એક ન્યુરોલોજિસ્ટ વસતા હતા. તેમને નાઝી કોન્સેન્ટ્રેશન કેમ્પ માં કેદ કરવામાં આવેલ અને ત્યાં અસહ્ય હાલતમાં રહેતા રહેતા તેમણે એક ચોપડી લખવાનું વિચાર્યું અને કેદ માંથી બહાર આવ્યા બાદ તે પ્રકાશિત થઇ તે ચોપડી નું નામ છે – “અર્થ ની શોધ” સર્ચ ફોર મીનિંગ. જીવન માં આપણે કૈક મીનિંગ કૈક અર્થ શોધતા હોઈએ છીએ. અર્થ વગરનું જીવન ડેડ જીવન છે. 

 

ફ્રેન્કલ ના કહેવા પ્રમાણે જીવન ત્રણ રીતે અર્થસભર બને છે. 1) હેતુપૂર્ણ કાર્ય। રિટાયર્ડ માણસ અથવા ઘરકામ કરતી સ્ત્રી પણ હેતુપૂર્ણ કાર્ય કરતા હોય છે જેમાં તેમને સંતોષ પ્રાપ્ત થાય છે ને જીવન ની આશા બનેલી રહે છે.  2) પ્રેમ। તેમની અનુભૂતિ નું વર્ણન કરતા ફ્રેન્કલ કહે છે કે ગાર્ડ તેમને મારી મારીને કામ કઢાવે ત્યારે પણ તેઓ તેમના મનમાં તેમની પત્ની જોડે વાત કરી લેતા. અવારનવાર તેમને તેમની પત્ની નો અવાજ સંભળાતો અને તેઓ માનતા હતા કે અને તેમના કુટુંબ તરફ ના પ્રેમ ને લીધે અને ફરી મળવાની આશાએ જ તેમને જીવાડી રાખ્યા. અને 3) પડકારનો સામનો કરવાની હિમ્મત. સુખ અને દુઃખ જીવનનાજ બે પાસા છે. સુખ ઘણીવાર ઢોલ વગાડતું આવે છે જયારે દુઃખ અવાજ વગર આવીને ઉભું રહે છે. પણ જો મુસીબત અને દુઃખ નો પડકાર જીલવાની હિમ્મત વ્યક્તિ હારી જાય ત્યારે જીવન ધીમે ધીમે બુજાય જાય છે. ફ્રાંકેલે કહ્યું કે વ્યક્તિ પાસેથી તેની દરેક સ્વતંત્રતા બીજા છીનવી શકે છે, સિવાય એક. ગમે તે પરિસ્થિતિ માં કેવું વલણ ધારણ કરવું તે આપણા હાથ માં છે. અને તે સ્વતંત્રતા માં જે વ્યક્તિ હકારાત્મક અભિગમ ધારણ કરી ને મુસીબત નો સામનો કરે છે તે વલણ તેને જીવન અને અર્થ બક્ષે છે. 

 

અને હેતુ, અર્થ, પ્રેમ, અને હકારાત્મક વલણ સાથેની જિંદગી એટલે જીવન.

1 Comment

%d bloggers like this: