Posts Tagged Perspective
Perspective – દ્રષ્ટિકોણ: હું અને તું
Posted by Darshana V. Nadkarni, Ph.D. in Gujarati: Fiction-Poems-Essays-Events on September 15, 2021
અફઘાનિસ્તાન માં તાલિબાન ના આવ્યા પહેલા કવિતા ની પ્રણાલિકા હતી. તાલિબાન આવ્યા બાદ સ્ત્રીઓ પોતાના કાવ્યો ખાનગીમાં લખતી રહી. પરંતુ ક્યારેક તેમના કુટુંબીજનો અથવા તાલિબાન ને જાણ થતા તેમની હત્યા કરવામાં આવી છે. અમેરિકા ની લેખિકા એ ત્યાં પહોંચીને વીણી વીણીને સ્ત્રીઓએ લખેલ કાવ્યો ભેગા કરીને તેમના નામ વગર સંગ્રહ પ્રકાશિત કર્યો. તેમાંના ઘણા કાવ્યો સ્ત્રીઓએ ત્યાંના પુરુષોને સંબોધીને લખેલ છે. તે કાવ્યોની થોડી “હું અને તું” ને લગતી પંક્તિઓ અહીં થોડા ફેરફાર કરીને મુકેલી છે. તે ઉપરાંત વધુ માહિતી આ સાઈટ ઉપર મળશે.
https://static.poetryfoundation.org/o/media/landays.html
તમે મને એક ડોસા સાથે પરણાવી દીધી
જ્યાં મારુ બાળપણ વીત્યું ખુદા તે ઘર ને જલાવી દ્યે
તું ડોસો મારા શરીર ને પીંખે જયારે
તો ફુગાયેલી કરચલાવાળી દાંડી ને ચોદવા જેવું મને લાગે
આ દેશમાં બહેનો સાથે મળે ત્યારે ભાઈઓની પ્રશંસા કરે છે.
ભાઈઓ સાથે મળે ત્યારે બહેનોને વેચે છે, મારે છે, સળગાવે છે. મારું શરીર મારું પોતાનું છે;
મારું શરીર મારું પોતાનું છે;
તોય તું તેનો હકદાર છે.
ખુદા તાલિબાનનો નાશ કરે, તારા યુદ્ધનો અંત લાવે.
તેં અફઘાન મહિલાઓને વિધવા અને વેશ્યા બનાવી છે.
અને છેલ્લે મારા શબ્દોમાં
હું એ માત્ર મારા અહંકાર નો શબ્દ નથી
તું એ માત્ર તારી મર્દાનગીની ઓળખ નથી
હું અને તું હંમેશા અલગ પણ નથી
ક્યારેક હું અને તું એક સબંધ છે
તેમાં હું છું તો તું છે.
તું સવાલ છે તો હું જવાબ છું
બનાવ નહિ મારા અસ્તિત્વને તારા વર્ચસ્વનું કેન્દ્રબિંદુ
બુરખામાં મને બંધ રાખીશ તો હું મટી નહિ જાઉં
મારા નેઇલ પોલિશ ને ભૂંસતા ભૂંસતા જો તારી જિંદગી ભૂંસાઈ જશે
તો સ્વર્ગમાં તું શી કાબિલિયત સાબિત કરશે?
કુમારિકાઓને નેઇલ પોલિશ ભુસનારાની જરૂર નથી
હા, નરક ના દરવાજા તારા આગમન માટે જરૂર ખુલ્લા રહેશે

દ્રષ્ટિકોણ: દુર્લભ રોગ (rare diseases)
Posted by Darshana V. Nadkarni, Ph.D. in Biotech - Medical Device - Life Science - Healthcare, Gujarati: Fiction-Poems-Essays-Events on February 26, 2021
આજે “રેર ડીઝીસ” ડે ના દિવસે “દુર્લભ રોગ” વિષે વાત કરીએ. એવા ઘણા દુર્લભ રોગ છે જેને અનાથ રોગ પણ કહેવાય છે, કેમ કે તેના નિવારણ ઉપર ઘણા લોકો કામ કરતા હોતા નથી. દુનિયા માં 6000 થી ઉપર એવા દુર્લભ રોગ છે. કદી જોયા ન હોય એવા વિચિત્ર રોગ ધારણ કરનાર રોગીઓ પણ ક્યારેક વિચિત્ર લાગે અને તાકી તાકીને જોવાની આપણે ભારતીયોને ક્યારેક એવી ટેવ હોય છે. તો આશા છે કે આ બાબત માં થોડું જ્ઞાન મેળવી આપણે આવા રોગ ને અને રોગીઓને ધિક્કાર કે કુતુહલ થી નિહાળવાની બદલે અનુકંપા ની દ્રષ્ટિ થી જોશું.
કઈ પ્રકારના દુર્લભ રોગ હોય છે તેના વિષે થોડી વાત કરીએ.
* Proteus syndrome (પ્રોટિયસ સિન્ડ્રોમ): આ એવી પ્રકારનો રોગ છે કે તેમાં શરીરમાં રહેલી પેશીઓ (ટિશ્યૂઝ) વધ્યાજ કરે છે. દરેક ને તે જુદી રીતે અસર કરે છે. કોકના હાથ વધ્યા કરે, કોક નો એકજ હાથ વધ્યા કરે અને કોક ના પગ અથવા એકજ પગ વધ્યા કરે અને કોક નું માથું કે શરીર નું બીજું કોઈક અવ્યય વધ્યા કરે.
* Fibrodysplasia ossificans progressiva (FOP): (ફાઇબરોડિસપ્લેસિયા ઓસિફિકાન્સ પ્રોગ્રેસીવા) ટૂંક માં (FOP) એવો જ એક ભયાનક રોગ છે જે આખી દુનિયામાં લગભગ 2 મિલિયન લોકોને જ છે. તેમાં વ્યક્તિ પોતાના હાડકા ના પિંજરા માં કેદી બની જાય છે. આ રોગ માં હાડકા વિકસતા જાય છે અને વ્યક્તિના હાડપિંજર જોડે જોડાતા જાય છે. ધીમે ધીમે વિકસતા જતા હાડકાની અંદર માણસ ભીંસાતો જાય છે અને ધીમે ધીમે તેની પ્રવૃત્તિ રૂંધાતી જાય છે અને ભીંસાતી વ્યક્તિ પોતાના હાડકામાં રૂંધાઈને મોત ને ભેટે છે. અમેરિકા માં હેન્રી ઇસ્ટલેક નામના બાળક ને આ રોગ હતો. તે 39 વર્ષે મૃત્યુ પામ્યો ત્યારે તે માત્ર તેની જીભ હલાવી શકતો હતો બાકી બહારના કોઈ પણ અવ્યય ને તે હલાવી શકતો ન હતો. આ રોગ વિષે નીચેના વિડિઓ માં જોઈ શકશો.
* Severe combined immunodeficiency, SCID: (સિવિયર કમબાઇન્ડ ઈમ્યૂનોડેફિશિનઝિ અને ટૂંક માં સ્કીડ) T cells અને B cells ના genetic mutations ને લીધે થાય છે. આ રોગ હોય તે વ્યક્તિમાં કોઈ પણ જંતુઓનો સામનો કરવાની તાકાત હોતી નથી. આવા બાળકોને કોઈ પણ સહાય ન મળે તો તેઓ એક વર્ષ ની અંદર મૃત્યુ પામે છે. પરંતુ મેડિકલ પ્રગતિ ને લીધે હવે તેઓ બબલ ની અંદર રહીને ઉછરી શકે છે અને તેઓને બબલ બેબી તરીકે ઓળખાય છે. ડેવિડ વેટર નામનો છોકરો ઘણા વર્ષ આ રીતે જીવિત રહેલો. તે એવા બબલ ની અંદર જીવિત રહેલ કે તેને ક્યારેય કોઈ અડકી ન શકે અને તે બહારની વસ્તુઓને એકદમ સાફ કાર્ય વગર હાથ લગાવી ન શકે.
* Moebius Syndrome (મોબીયસ સિન્ડ્રોમ): આ રોગ હોય તે લોકો સ્મિત કરી શકતા નથી. તે લોકો ફ્રાઉન પણ નથી કરી શકતા અને આય બ્લિન્ક પણ નથી કરી શકતા. તેઓના ચહેરા ઉપર કોઈ પણ પ્રકારના હાવભાવ વર્તાઈ શકતા નથી.
* water allergy or “aquagenic urticaria” : પાણી ની એલર્જી જન્મ થી નથી હોતી પણ યુવાવસ્થામાં ઉત્પન્ન થાય છે. મૉટે ભાગે એક મા બાળક ને જન્મ આપે તે પછી તેને ક્યારેક આ રોગ થાય છે. આજ સુધી માં માત્ર 30 કિસ્સા નોંધાયા છે. તાજેતરમાં ઇંગ્લેન્ડ માં 21 વર્ષની યુવતીને તે રોગ થયો અને ત્યાર બાદ તે બિલકુલ પાણી પી સકતી નથી અને અઠવાડિયામાં એક વાર 10 સેકેન્ડ માં નાહી લ્યે છે નહિ તો તેને આખા શરીરે ખુબ બળતરા અને રાશ થાય છે. તે માત્ર ડાઈટ કોક પી શકે છે.
* Guillain-Barre syndrome (ગીયાનબારે સિન્ડ્રોમ): આ રોગ અચાનક જ શરીરમાં આવે છે. શરીર ની ઇમ્યુન સિસ્ટમ જે બહાર ના રોગી જંતુઓનો સામનો કરે છે તે સિસ્ટમ આ રોગ માં પોતાના શરીર નો સામનો કરવા માંડે છે. એકદમ જલ્દી ફેલાતા આ રોગ માં વ્યક્તિ પેરાલાઇસ પણ થઇ શકે છે. આ રોગ થી વ્યક્તિને બોલવા, ચાલવા, ખાવા, પીવા, બાથરૂમ જવામાં અડવડતા થાય છે. જેવી ઝડપ થી આ રોગ આવે છે અને ફેલાઈ છે તેવીજ ઝડપ થી ક્યારેક આ રોગ ચાલ્યો જાય છે અને ક્યા કારણ થી આ રોગ આવે છે તેની મેડિકલ વિભાગ માં પુરી જાણકારી નથી. મારા બે મિત્રોને આ રોગ થયેલો અને બંને હવે સારું સ્વાસ્થ્ય ધરાવે છે. કોઈપણ વ્યક્તિને ક્યારે પણ આ રોગ થયો હોય તેમણે કોઈપણ વેક્સીન અને અત્યારે કોવીડ વેક્સીન લેતા સમયે ડોક્ટર ના અવલોકન હેઠળ લેવાનું જરૂરી છે.
તો આ દુર્લભ રોગ દિવસ શા માટે છે અને આજે આપણે શા માટે તેના વિષે વાત કરી રહ્યા છીએ?
દુનિયા માં આવા 6000 જેટલા રોગ છે. અમેરિકામાં 2 લાખ થી ઓછા લોકોને આવા રોગ થાય છે. તેથી ભાગ્યેજ કોઈ કંપની કે વૈજ્ઞાનિક તેનું નિવારણ શોધવા માટે કામ કરતા. કેમ કે આવા રોગો આટલા દુર્લભ હોય તો તેઓ તેના નિવારણ ઉપર વર્ષો કામ કરે અને તેની કયોર શોધે તે પછી તેમાં તેમને શું વળતર મળે? અને તેવીજ રીતે આવા દુર્લભ રોગો નો સામનો કરનાર વ્યક્તિ પણ ખુબ એકલતા અનુભવે છે અને તેમને મિસ ડાયગ્નોસિસ અને લોકોના પૂર્વગ્રહ નો સામનો કરવો પડે છે. પણ હવે આવા દુર્લભ રોગોને સમજવા માં ઘણી પ્રગતિ થઇ રહી છે. દુર્લભ રોગ દિવસ નો હેતુ લોકોમાં, સમાજમાં, મેડિકલ વિભાગોમાં અને નીતિ વિભાગોમાં તેના વિષે જાણકારી અને સમજણ વધારવા માટે નો છે. તેમજ હવે જેમને આવા દુર્લભ રોગ હોય તેઓના જૂથ બન્યા છે અને તેઓ એકબીજા જોડે નવી શોધ થાય તેની આપ લે કરે છે.
નવા માર્ગદર્શન અનુસાર FDA પણ દુર્લભ રોગો (જેના બે લાખ થી ઓછા કિસ્સા અમેરિકામાં નોંધાયા હોય), જેના ઉપર વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા હોય તેઓના માર્ગ માંથી વિઘ્નો હટાવી અને તેમને દરેક રીતે અનુકૂળતા મળે તે માટે સહાય કરી રહ્યા છે. હવે આવા રોગ ના નિવારણ ઉપર ઘણા વૈજ્ઞાનિકો અને નાની નાની કંપની હવે કામ કરી રહી છે.
ભારત માં ઉછરતા મને ખ્યાલ આવ્યો નહિ કે જુદા દેખાતા લોકોને તાકી તાકી ને જોવાની કેવી આદત આપણા ભારતીઓમાં હોય છે. પણ દર વર્ષે હું મારી દીકરી ને લઈને ભારત જતી અને તે હંમેશ મને કહેતી કે — મમ્મી અહીં બધા હંમેશા આપણી સામે તાકી તાકીને કેમ જોવે છે? મારી દીકરી ના પહેરવેશ અને વાતો પરથી તુરંત બધા સમજી જતા કે આ વિદેશ થી આવેલ લાગે છે. અને એક થોડું પણ જુદું માણસ દેખાય તો લોકો ટગર ટગર જોવા લાગે. હવે તે બાબતમાં હું પણ સંવેદનશીલ થઇ ગઈ છું. બે વર્ષ પહેલા હું એકલી દિલ્લી થી અમૃતસર જવા નીકળી. ટ્રેન માં હું મારી ચોપડી વાંચતી હતી. અચાનક મેં ઉપર જોયું તો આજુ બાજુ બેઠેલા ચાર પુરુષો મારી સામે તાકી ને જોઈ રહ્યા હતા. આ રીતે વ્યક્તિને આપણે સંકોચ અનુભવતા કરી દઈએ છીએ. તો આવી જાણકારી મેળવીને આશા છે કે આપણે કોઈને તાકી ને જોવા ની બદલે તેમની જોડે મૈત્રીભાવ કેળવી શકીએ.
નીચેના વિડિઓ માં દસ બીજા દુર્લભ રોગ વિષે જાણકારી મેળવી શકશો. https://www.youtube.com/watch?v=SsGA_u1ihNs
દ્રષ્ટિકોણ – હેન્રીએટ્ટા લેક્સ નું અમર જીવન (Immortal Life of Henrietta Lacks in #Gujarati)
Posted by Darshana V. Nadkarni, Ph.D. in Gujarati: Fiction-Poems-Essays-Events, uncategorized on July 18, 2020
જો આ કોરોનવાઈરસ ના સમય માં નવાઈ લાગે કે એક આવડું એવું અમથું જંતુ આવો ભય મચાવી દ્યે તો આજે એક બીજી ઘટના ની વાત કરીએ. તેનો કોરોનવાઈરસ સાથે નો સબંધ એટલો જ કે કોઈપણ જીવંત વસ્તુ ક્યારે અનહદ અને અમર્યાદિત રીતે વાતાવરણમાં ચારેકોર ફેલાવા લાગે તે જાણવું અઘરું છે.
1961 ની સાલ માં હેન્રીએટ્ટા લેક્સ કરીને એક આફ્રિકન અમેરિકન મહિલાને કેન્સર થયું અને એકદમ જલ્દીથી તેના શરીરમાં ફેલાવા લાગ્યું। કુટુંબની અથાગ સારવાર અને ડોક્ટરોની મહેનત છતાં કેન્સર રોકાયા વગર એકદમ જલ્દી ફેલાતું રહ્યું અને ટૂંક સમય માંજ તેનું અવસાન થયું। ડોકટોરોને રિસર્ચ માટે તેના સેલ્સ જોઈતા હતા. તેમણે થોડી માત્રામાં તે સેલ્સ તેના શરીર માંથી કાઢી લીધા અને તેમની ઉપર રિસર્ચ કરવાનું શરુ કર્યું।
આપણા શરીરમાં લગભગ એક કરોડ ટ્રિલિયન સેલ્સ (કોષો) હોય છે. આ સેલ્સ આપણા શરીરની પેશીઓ, સ્નાયુઓ, અસ્થિ, લોહી, અને અંગો બનાવે છે. દરેક કોષમાં સાયટોપ્લાઝમ અને ન્યુક્લિયસનો સમાવેશ થાય છે. ન્યુક્લિયસમાં તમામ આનુવંશિક માહિતી (જેનેટિક કોડ) હોય છે, જે દરેક કોષના દરેક ન્યુક્લિયસમાં વ્યક્તિના સંપૂર્ણ જીનોમની સમાન નકલ હોય છે. સેલ વિભાગ અથવા મિટોસિસ નવા કોશિકાઓના વિકાસ શક્ય બનાવે છે. પરંતુ આ વિભાજન પ્રક્રિયામાં એક નાની ભૂલ, એક એન્ઝાઇમ misfiring, એક ખોટી પ્રોટીન સક્રિયકરણ પ્રક્રિયાને ને લીધે થતી કોઈ ભૂલ શરીર ને કેન્સર તરફ દોરી જય શકે છે. હેનરીટ્ટાના કેન્સર કોશિકાઓ તેમના ગાંઠમાંથી લેવામાં આવી હતી અને વૈજ્ઞાનિકોમાં સંશોધન માટે મુક્ત રીતે વહેંચવામાં આવી અને તેને હીલા સેલ્સ નામ આપવામાં આવ્યું.
હેન્રીએટ્ટા નું કેન્સર એટલું ઝડપથી ફેલાયું હતું કે વૈજ્ઞાનિકો ને જાણ હતી કે હેન્રીએટ્ટા ના હીલા સેલ ખુબજ શક્તિશાળી હતા અને તેને અમર સેલ રેખા તરીકે નામ આપ્યું. પણ જયારે આવા પ્રભાવશાળી હિલા કોષો વૈજ્ઞાનિકોમાં, સંશોધન માટે મુક્તપણે વિતરણ કરવામાં આવ્યા ત્યારે કેટલી હદ સુધી તે અમર સેલ રેખા હતી તે કોઈને ખબર નહિ. સંશોધકો તેમને હર્પીસ, મિસલ્સ, મમ્પ્સ, પોક્સ, એન્સેફાલીટીસ અને પોલિયો જેવા તમામ પ્રકારનાં વાઇરસ સાથે સાથે અભ્યાસ કરતા હતા. તે પછી તો તેઓ બીજી સેલ લાઈન અન્ય કોશિકાઓ, બીજા દર્દીઓના શરીરમાંથી લઈને અને તેને વિકસાવીને પણ રિસર્ચ કરવા લાગ્યા। પણ એક વાત તેમના ધ્યાન બહાર રહી. અને તે એ કે હીલા કોષો એટલા શક્તિશાળી હતા કે લેબોરેટરી માં રહેલ ઘણી બધી બીજી સેલ લાઈન હિલા સેલ થી દૂષિત થઈ જતી હતી અને કદી કોઈ પણ રીતે ના મરનાર હિલ સેલ બધેજ પ્રસારીને પોતાનું વર્ચસ્વ જમાવી દેતા.
1966 માં ગટૅલ નામના વૈજ્ઞાનિકે પુરવાર કર્યું કે ઘણી સેલ લાઈન ઉપર વૈજ્ઞાનિકો અભ્યાસ કરી રહ્યા હતા તેમાંથી મોટા ભાગની હિલા લાઈન થી દુષિત થઇ ગયેલી। એટલે કે વૈજ્ઞાનિકો સમજતા હતા કે તે નવી રિસર્ચ કરી રહ્યા છે પણ તે બધી રિસર્ચ હિલા ઉપર જ થઇ રહી હતી. જયારે ગટેલે એ વાત બહાર પાડી તે વખતે વૈજ્ઞાનિકો ની દુનિયા એટલી હચમચી ઉઠી કે તે વાત ને વૈજ્ઞાનિકો હિલા બૉમ્બ તરીકે જાણે છે. કરોડો ડોલર્સ ના સંશોધનો કૈક જુદું વિચારીને વૈજ્ઞાનિકો કરી રહ્યા હતા તે નકામા થઇ ગયા. હેન્રીએટ્ટા બહેન ના એક કેન્સરે આખા એક દેશની જ નહિ પણ બીજા ઘણા દેશોની લેબોરેટોરી માં પ્રસરીને ઘણી સેલ લાઈન ને દુષિત કરી નાખેલ। આજે પણ વૈજ્ઞાનિકો સંશોધન માટે હિલા સેલ લાઈન નો વપરાશ કરે છે. પરંતુ તેઓ બીજી લાઈન ને દુષિત ન કરે તેનો ખાસ ખ્યાલ રાખે છે. જો હિલ સેલ્સ કોઈ પણ સેલ ને આડકતરી રીતે પણ અડે તો તે તુરંત બીજા સેલ ને દુષિત કરી અને તેનું વર્ચસ્વ જમાવે છે. આજે પણ હેન્રીએટ્ટા બહેન ના એટલા હિલા સેલ દુનિયાભર ની લેબોરેટોરી માં છે કે અમુક અનુમાન ના આધારે તેને ભેગા કરીને વજન કરીએ તો તે 500 મિલીઓન મેટ્રિક ટન અથવા 10 એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ જેટલું તેનું વજન થાય.
રેબેકા સ્કલૂટ કરીને લેખિકાએ આ વાત લખી ત્યારે તેણે હેન્રીએટ્ટા ના કુટુંબ ને મળીને તેમની વાત પણ આ વાર્તા માં વણી લીધી છે. સ્કલૂટ કહે છે કે હેન્રીએટ્ટા નું શરીર ઠંડી જમીન માં દફનાવેલ પડ્યું છે, અને તેનું કુટુંબ ગરીબીમાં ગોથા ખાય છે જયારે હેન્રીએટ્ટા ના હિલા સેલ ને કારણે દુનિયામાં કેન્સર ની જાણકારી માં ઘણી પ્રગતિ થઇ રહી છે. સ્કલૂટ ના કહેવા અનુસાર, આ સંશોધન માંથી નફો કરનાર ફાર્મા કંપની દ્વારા, હેન્રીએટ્ટા ના કુટુંબ ને કૈક હિસ્સો મળવો જોઈએ। રેબેકા ના લખાણ થી હવે આ વાત ની ચર્ચા થઇ રહી છે અને હવે સંશોધન માટે દર્દીઓનું લોહી, થુંક, સેલ વગેરે વપરાય તે માટે પહેલેથી પરવાનગી લેવામાં આવે છે. જો તમે Kaiser ના મેમ્બર હો તો તમે આવા ફોર્મ સાઈન કર્યા હોય તે તમને યાદ હશે.
હવે તો બે, ત્રણ પેઢી બાદ હેન્રીએટ્ટા ની નવી પેઢી ભણી ગણી ને હોશિયાર થઇ રહી છે અને તેઓ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી વગેરે જગ્યાએ લેક્ચર આપે છે. તેમનું કહેવું છે કે સંશોધન કરનાર વૈજ્ઞાનિકો અને તે વૈજ્ઞાન ની જાણકારી ને આધારે ઉપચાર પામનારા લોકોએ એટલું ધ્યાન માં રાખવું જોઈએ કે આ જાણકારી લોકોના દર્દ માંથી પેદા થઇ છે અને તે લોકોના આપણે ઋણી છીએ. હેન્રીએટ્ટા બહેન ના પૌત્ર પૌત્રીઓની વાત તદ્દન ખરી છે. આજે તેમને યાદ કરતા આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ હેન્રીએટ્ટા બહેન ના આત્મા ને શાંતિ આપે.
જો તમારા પુત્ર, પુત્રી કે પૌત્ર, પૌત્રીઓ બાયોલોજી ના વિષય માં કામ કરતા હોય તો તેમને હિલા સેલ વિષે જરૂર પૂછશો। તમને અંગ્રેજી વાંચવું પસંદ હોય તો રિબેકા સ્કલૂટ લિખિત ચોપડી નું નામ છે “The Immortal Life of Henrietta Lacks” by Rebecca Skloot.
દ્રષ્ટિકોણ 104 : સેપ્સિસ ની જાણકારી અને નવી ટેક્નોલોજી
Posted by Darshana V. Nadkarni, Ph.D. in Gujarati: Fiction-Poems-Essays-Events on February 22, 2020
મિત્રો, શનિવારે પ્રકાશિત થતી દ્રષ્ટિકોણ કોલમ ઉપર તમોને આવકારું છું. આજે આપણે સેપ્સિસ વિષે માહિતી કેળવીએ અને તે પછી એક નવી ટેક્નોલોજી વિષે વાત કરીશું।
સેપ્સિસ શું છે?
સેપ્સિસ વિષે જાણવું જરૂરી છે કેમે ગમે ત્યારે આપણે હોસ્પિટલ માં ભરતી થઈએ ત્યારે સેપ્સિસ થવાની સંભાવના વધી જાય છે. દર વર્ષે, અમેરિકામાં, 5 લાખ લોકો સેપ્સિસ સંબંધિત ગૂંચવણોને કારણે મૃત્યુ પામે છે. તો સેપ્સિસ શું છે? ક્યારે પણ કોઈ પણ ચેપી જંતુઓ શરીર માં પ્રવેશ કરે ત્યારે શરીર તેમની સામે લડવા અને તેમનો સામનો કરવા માટે તૈયારી કરે છે અને લોહીના પ્રવાહ માં રસાયણો વહેતા મૂકે છે. હોસ્પિટલ માં સર્જરી, સ્ટેન્ટ વગેરે મુકવા માટે શરીર ને ખોલવામાં આવે છે ત્યારે ત્યાંથી બેકટીરિયા ને શરીરમાં પ્રવેશવાનો માર્ગ મળે છે અને હોસ્પિટલ માં રોગ ના જંતુઓ હોવાની શક્યતા પણ વધુ હોય છે, તેથી હોસ્પિટલ માં ચેપ લાગવાની ગંભીર શક્યતા છે.
જયારે ચેપ લાગે અને શરીર તે જંતુઓનો સામનો કરવા માટે રસાયણો વહેતા મૂકે ત્યારે વ્યક્તિની નાજુક પરિસ્થિતિ હોય તો તે રસાયણો જંતુ નો સામનો કરી શકતા નથી અને શરીર વધુ ને વધુ રસાયણો વહેતા કરે છે. આખરે તે રસાયણો શરીર ને જંતુ થી બચાવવાને બદલે શરીર ની સામે વળતો હુમલો કરે છે અને શરીર ની પેશીઓ અને પછી શરીર ના કિડની લીવર વગેરે અંગો ઉપર હુમલો કરે છે અને તેને નુકશાન પહોંચાડે છે. તેને કારણે એકદમ જલ્દી વ્યક્તિનું બ્લડ પ્રેશર નીચે જાય છે અને હૃદય નબળું પડી જાય છે ત્યારે તેને સેપ્ટિક શોક કહેવાય છે. એક વાર જો વ્યક્તિ સેપ્ટિક શોક માં જાય તો 40 ટકા શક્યતા છે કે તેનું મ્ર્ત્યુ થાય. તેવા મૃત્યુને સેપ્સિસ શોક થી થયેલ મૃત્યુ કહેવાય છે. ચેપ લાગવાથી સેપ્સિસ માં પહોંચ્યા બાદ સેપ્સિસ શોક અને મૃત્યુ વચ્ચે થોડા કલાકો જ હોય છે. તેવા સમયે સાચી દવા મળવાથી વ્યક્તિ બચી શકે છે. તે વિષે નીચે વધુ વાત કરીએ।
સામાન્ય રીતે સેપ્સિસ કોને થઇ શકે?
જો વ્યક્તિ ખુબ નાની ઉમર ની હોય અથવા ખુબ મોટી ઉમર ની હોય, જો વ્યક્તિને પહેલે થી બીમાર અવસ્થામાં હોય અને તેની ઈમ્યૂનિટી ઓછી હોય, જો વ્યક્તિને ડાયાબિટીસ અથવા કોઈ લીવર નો રોગ હોય, જો વ્યક્તિ ઇન્ટેન્સિવ કેર માં હોય, જો વ્યક્તિને શરીર ઉપર ખુલ્લા ઘા હોય, જો વ્યક્તિ પ્રેગ્નન્ટ અવસ્થામાં હોય, જો વ્યક્તિ પહેલે થી એન્ટિબાયોટિક દવા ઉપર હોય, તેવા વ્યક્તિઓને સેપ્સિસ થવાની શક્યતા વધે છે. અને એકવાર સેપ્સિસ નો ઉથલો આવે પછી તે કાબુમાં આવે તો પણ ફરી સેપ્સિસ થવાની શક્યતા વધે છે.
એન્ટિબાયોટિક દવા
તો ચેપી જંતુઓનો સામનો કરવા માટે અપાતી એન્ટિબાયોટિક દવા કેમ દરેક સમયે બરોબર ધાર્યું કામ કરતી નથી?
જો કોઈ વ્યક્તિના શરીર ઉપર ચેપી જંતુઓ ઉથલો મારે તો તુરંત જ તેને સાચી એન્ટિબાયોટિક દવા આપવામાં આવે તો તેની બચવાની શક્યતા ઘણી વધી જાય છે. પરંતુ મુખ્ય સમસ્યા એ છે કે સાચી એન્ટિબાયોટિક કઈ રીતે આપવી? સાચી દવા આપવા માટે પહેલા કેવા જંતુઓ એ શરીર માં પ્રવેશ કર્યો છે તે જાણવું જરૂરી છે.
જંતુઓની ઝડપી ઓળખ ની સમસ્યા
તમને ક્યારેક શરીર માં કોઈક સમસ્યા હોય તો ઘણીવાર ડોક્ટર બ્લડ લેવા માટે લેબ માં મોકલે। તેનું કારણ એ છે કે તે બ્લડ લ્યે તે પછી પેથોલોજીસ્ટ તેને તપાસે અને કેવા જંતુ ને લીધે તમને પ્રોબ્લેમ થયો છે તેનું નિદાન કરે. તે બધી વિધિ કરવામાં સમય લાગે છે. ઘણી વખત ત્રણ કે ચાર દિવસ પછી કેવો રોગ છે તેનું નિદાન થાય છે અને પછી દવા આપવાની શરૂઆત કરવામાં આવે છે. જો ઝડપી નિદાન થાય અને તુરંત સાચી એન્ટિબાયોટિક વ્યક્તિને આપવામાં આવે તો તે સેપ્ટિક શોક માં જતા પહેલા જ બચી શકે. બ્લડ ક્લચર કરતા વધુ સમય લાગે છે તેટલુંજ નથી પરંતુ જો વ્યક્તિ પહેલેથી બીમાર હોય અને કોઈ એન્ટિબાયોટિક ઉપર હોય તો પણ બીજા નવા જંતુઓને ઓળખવાની જટિલતા વધી જાય છે. સમય ની મર્યાદા માં અને સેપ્સિસ થાય તે પહેલા સારવાર કરવા માંગતા ડોક્ટરો ક્યારેક બ્લડ ક્લચર ની રાહ જોવા માંગતા નથી અને અનુમાન કરીને એન્ટિબાયોટિક આપી દ્યે છે. પણ તેમાં તો લાગ્યું તો તિર અને નહિ તો તુક્કો જેવું છે અને 40 પ્રતિશત એન્ટિબાયોટિક વ્યર્થ અપાય છે.
નવી ટેક્નોલોજી
બાયોએફિનિટી સાયન્સિસ કરીને એક કંપની છે તેણે હમણાં નવી શોધ કરી છે. અને તેમની ટેક્નોલોજી 10 મિનિટ માં લોહી તપાસીને મોટા ભાગના જંતુઓને ઓળખી શકે છે. હું અહીં આ ટેક્નોલોજી ને વિસ્તાર થી સમજાવી શકીશ નહિ પરંતુ મારા અંગ્રેજી બ્લોગ ઉપર તેના વિષે વાંચી શકો છો. http://bit.ly/2mQcmji ,
દ્રષ્ટિકોણ 102: એન્ટિબાયોટિક દવાની મહત્વપૂર્ણ શોધ અને તેનો ગેરઉપયોગ
Posted by Darshana V. Nadkarni, Ph.D. in Gujarati: Fiction-Poems-Essays-Events on February 1, 2020
મિત્રો, શનિવારે પ્રકાશિત થતી દ્રષ્ટિકોણ કોલમ ઉપર હું દર્શના વારિયા નાડકર્ણી તમોને આવકારું છું. અત્યારે કોરોનાવાઈરસ ખુબ ચર્ચાઈ રહ્યું છે ત્યારે આપણે એન્ટિબાયોટિક દવા ઉપર થોડી ચર્ચા કરીએ। સૌથી પહેલા તો એ કે કોઈ પણ વાઇરસ ઉપર એન્ટિબાયોટિક દવા કામ કરતી નથી. એન્ટિબાયોટિક દવા માત્ર બેકટેરિયા ઉપર કામ કરે છે. તેથી જ એન્ટિબાયોટિક્સ ને એન્ટિબેકટીરિઅલ તરીકે પણ ઓળખાય છે કેમ કે તે ખાસ બેકટીરિયા ઉપર કામ કરે છે. આ શક્તિશાળી દવાઓ શરીર ના ખરાબ બેકટીરિયા નો નાશ કરે છે અને બેકટીરિયા દ્વારા શરીર માં થતા રોગો ઉપર કાબુ લાવે છે. વાઇરસ થી થતા રોગો (જેમકે શરદી, ઘણી જાતની ઉધરસ અને ફલૂ) ઉપર એન્ટિબાયોટિક્સ કામ નથી કરતી।
એલેક્ષાંડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે પહેલ વહેલી પેનિસિલિન નામના એન્ટિબાયોટિક ની શોધ 1928 માં કરી. દાક્તરી ભણ્યા પછી સ્ટેફીલોકોક્સ નામના બેકટીરિયા ઉપર કામ કરતા ફ્લેમિંગે નોંધ કરી કે એક વાર કોઈક ફૂગ વળવાથી પેટ્રી ડીશ માં ના બેકટીરિયા નો નાશ થયો. બીજા કોઈ હોય તો કામ બગડી ગયા નો અફસોસ કરે અને વધુ સાફ કરીને કામ શરુ કરે. પણ ફ્લેમિંગે આ ફૂગ બીજા બેકટીરિયા ની ડીશ ઉપર લગાડી અને તેમાં પણ બેકટીરિયા નો નાશ થયો. તેણે ત્યાર બાદ કરેલું કે બીજા દિવસે તે ઉઠ્યા ત્યારે તેણે એમ તો વિચારેલ જ નહિ કે બેકટીરિયા જે શરીર માટે કાતિલ બને છે તેને નાશ કરવાની દવાની તે શોધ તે ખુદ કરશે. પણ થયું તેવું જ. તેણે આ ફૂગ ને નામ આપ્યું પેનિસિલિન જીનસ।
બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ફ્લેમિંગ ના વિદ્યાર્થીઓ એ આ દવાનું સામુહિક ઉત્પાદન શરુ કર્યું। અને 1945 માં ફ્લેમિંગ ને આ શોધ માટે નોબેલ પ્રાઈઝ આપવામાં આવી. ટાઈમ મેગેઝીને તેને 20મી સદીના સૌથી મહત્વપૂર્ણ માણસ નું બિરુદ આપ્યું અને તેને 30 હોનારરી ડિગ્રીઓ અને કેટલાય ઇનામો આપવામાં આવ્યા છે. તે પછી તો બીજા ઘણા વૈજ્ઞાનિકોએ બીજા ઘણા એન્ટિબાયોટિક્સ જે જુદા જુદા બેકટીરિયા ઉપર અસર કરે છે તેની શોધ કરી છે.
હું નાની હતી ત્યારે મને ઘણી વખત ગળા માં દુખાવો થતો અને ડોક્ટર એન્ટિબાયોટિક નું પ્રિસ્ક્રિપશન આપતા. તે વિષે વધુ વાતો કરતા પહેલા કહીશ કે, એન્ટિબાયોટિક ની શોધ થતા પહેલા તેવા નાના નાના રોગ માં કેટલાયે બાળકો નાની ઉમર માં જ ખલાસ થઇ જતા. 20મી સદી ની શરૂઆત પહેલા ચેપી રોગો બાળકોના અને વૃધ્ધોના મૃત્યુ માટે જવાબદાર ગણાતા। સરેરાશ આયુષ્ય તે સમયે 47 આસપાસ હતું અને વધુ ગંદકી વાળી રહેવાની જગ્યાઓમાં ખુબજ ઓછું સરેરાશ આયુષ્ય હતું। પરંતુ ફ્લેમિંગ ના સંશોધન પછી તે વાસ્તવિકતા બદલાય ગઈ. ધીમે ધીમે અમેરિકા જેવા દેશોમાં સરેરાશ આયુષ્ય 80 ને પહોંચવા આવ્યું અને ચેપી રોગોથી મરવાને બદલે બિન ચેપી રોગો દ્વારા મૃત્યુ થવાનો દર વધી ગયો.
મેં આગળ કહ્યું તે પ્રમાણે હું સમજી ગઈ હતી કે મને ગાળામાં દુખાવો થાય ત્યારે મને એન્ટિબાયોટિક લેવાની જરૂર પડે છે. તે પછી તો મેં ડોક્ટર પાસે જવાનુંજ છોડી દીધું। ઘરમાં મારી મમ્મીને પણ કહેતી નહિ. ગાળામાં દુખે એટલે નીચે ચાલીને હું એન્ટિબાયોટિક ની બે ચાર ગોળી લઇ લેતી અને સારું લાગે એટલે લેવાનું બંધ. અજ્ઞાનતા માં રહીને આ રીતે એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ વધારીને મેં મારા શરીરને જ અતિશય નુકશાન નથી પહોચાડ્યું પરંતુ તે સાથે સાથે દુનિયાભર માં નુકશાન કર્યું છે અને ઘણા લોકોએ અજ્ઞાનતામાં રહીને જે રીતે આવા શક્તિશાળી એન્ટિબાયોટિક્સ નો ગેર ઉપયોગ કર્યો છે તેથી દુનિયાભરમાં મોટી સમસ્યા ઉપસ્થિત થઇ રહી છે. તે એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ વિષે અને સેપ્સિસ વિષે આવતા અઠવાડિયાઓ માં વધુ વાતો કરીશું।
મારો બ્લોગ ગમે તો 3200 વ્યક્તિઓ જોડે તમે પણ ફોલો કરી શકો છો અથવા બ્લોગ ની નીચે લાઈક નું બટન પ્રેસ કરો અથવા બ્લોગ ની ઉપર 5 સ્ટાર લાઈટ થયા પછી પ્રેસ કરીને બ્લોગ ને 5 સ્ટાર રેટિંગ આપી શકો છો. તમારી કોમેન્ટ પણ જરૂર મુકશો. હું બધીજ કોમેન્ટ્સ ખુશી થી વાંચું છું.
Reader Comments