Posts Tagged Jagruti Shah
સિલ્વર જુબિલી – ગુજરાતી નાટક ની સમીક્ષા – Play Review
Posted by Darshana V. Nadkarni, Ph.D. in Gujarati: Fiction-Poems-Essays-Events, Play Reviews on June 19, 2012
I will also post the review in English
આફરીન આફરીન. કાજલબેન ઓઝા વૈદ્ય દ્વારા લિખિત અને વિરલભાઈ રચ્છ દ્વારા દિગ્દર્શિત ગુજરાતી નાટક “સિલ્વર જુબિલી” એ પાછી ગુજરાતી નાટક ની પ્રમુખતા સાબિત કરી દીધી. વૈદ્ય અને રચ્છ ની ઉપરાંત અન્ય અભિનેતા નું કામ પણ તેવું જ પ્રશન્શાપાત્ર હતું અને તેઓ ના નામ છે હિરેન પટેલ, જય વિઠલાની, અને આરતી મલકન. આ નાટક ને બે એરિયા માં લાવનાર છે, AAA Entertainments (www.aaaentertainments.com) અને રેડીઓ ઝીંદગી ના સહકાર સાથે, જાગૃતિબેન શાહ.
જો આપણે સમકાલીન ગુજરાતી લેખકોને જોઈએ તો તેમાં વૈદ્યનું નામ પ્રથમ આવે. તેમણે છેલા સાતેક વર્ષના નાના ગાળામાં પિસ્તાલીસ જેટલા પુસતકો લખ્યા છે અને ગુજરાતના લગભગ બધા અખબારોમાં તે લખી ચુક્યા છે. તેઓની ટીવી સીરીઅલ, “એંક ડાળના પંખી” ના સોળસો હપ્તાઓ થઇ ચુક્યા છે. તેઓની ચાર ચોપડીઓનું અંગ્રેજી અને બીજી ભાષાઓ માં ભાષાંતર થઇ ચુક્યું છે. પણ તેઓના લખાણનો સર્વાળો કરવા કરતા તેની ગુણવતા જોવાની જરૂર છે જે તાજી હવાની લેરખી જેમ આપણને ચોંકી દયે છે. તેઓ યુવા વર્ગના સંઘર્ષોને તેવી રીતે વર્ણવે છે કે ઘણા યુવક યુવતીઓ ટીવી કે કમ્પ્યુટર બંધ કરીને ચોપડી ખોલે છે.
સિલ્વર જુબિલી એવું નાટક છે જેની વાર્તા નવીન નથી અને ડાયલોગ પણ પુરાણા છે અને ઘણીવાર યુવક અને યુવતી વચ્ચે બોલાઈ ચુક્યા છે. પરંતુ વૈદ્ય તેજ વાત એવી રીતે રજુ કરે છે કે ક્યારેક તે હ્રિદય ને સ્પર્શી જાય છે તો ક્યારેક આંખો ભીની કરી નાખે છે તો ક્યારેક હસાવીને ઢગલા કરી દયે છે. આ વાત છે પરમ અને પ્રિયાની. પરમ પટેલ સીધો સાદો નવજુવાન લગ્ન કરે છે, પ્રીયા જોડે. પ્રીયા વિદેશ ભણીને આવેલી, આધુનિક યુવતી છે જે છોકરા જોઇને કંટાળી ગઈ છે, તેને પરમ ગમી જાય છે અને બને ના લગ્ન થઇ જાય છે. પ્રિયા તેનું ધ્યાન ઘર તરફ વાળે છે. ક્યારેક પરમ તેની સફાઈ થી કંટાળી જાય છે અને તેને ક્યે છે “પ્રિયા, ઘરને આટલું સાફ રાખીએ તો તે હોટેલ જેવું લાગે અને તેમાં ઘરની ફીલિંગ્સ ના આવે”. બંને એક બીજા સાથે રહેતા શીખે છે, જગડે છે, પ્રેમ કરે છે. એંક વખત તેઓ એક બીજાને વચન આપે છે કે બંને ગમે ત્યાં હોય પરંતુ તેઓના લગ્નની સીલ્વેર જુબિલી જરૂર સાથે મનાવશે.
પરંતુ એવી દુ: ખદ ઘટના બને છે કે પ્રીયા અંદર થી તૂટી જાય છે અને તે પોતાની આસપાસ એક કિલો બાંધી દયે છે. તે તેની જાત ને વ્યાવસાયિક કારકિર્દી માં વ્યસ્ત બનાવી દયે છે. પ્રિયા પરમ પાસેથી પ્રેમ અને સમજદારી ની આશા રાખે છે, પરંતુ પરમના બધા પ્રયાસોને દયા અને કરુણા સમજીને અવગણે છે. પરમ પ્રિયાની લાગણીઓને સમજી શકતો નથી. તેના મિત્ર પાસે પોતાની હતાશા વ્યક્ત કરતા પરમ ક્યે છે – “બૈરાઓ સાથે રહેવું ના જોઈએ, તેમને માત્ર પ્રેમ કરવો જોઈએ” અને “પ્રેમ કરવો એ અગાશી ચડવા જેવું છે, પરંતુ લગ્ન કરવા એ ત્યાંથી કુદકો મારવા જેવું છે”. બને નાની નાની વાતોમાં જગડે છે અને બને વચ્ચેનું અંતર વધે છે. પ્રિયા તેની કારકિર્દી વિકસાવવા માટે અમેરિકા જાય છે અને પરમ તેને રોકતો નથી. પ્રીયા તેને જે તૂટી ગયું છે તેને રીપેર કરવાની બદલે રિપ્લેસ કરવાની સલાહ આપે છે પરંતુ બંને માંથી કોઈ પણ છુટાછેડા તરફ પગલું લેતા નથી અને સમય પસાર થાય છે.
શું તેઓ તેમની સિલ્વર જુબિલી સાથે મનાવશે? તમે જાણવા આતુર હશો. પરંતુ તેનો જવાબ એટલો મહત્વનો નથી જેટલો કે એ પ્રશ્ન કે શું પતિ પત્ની હમેશા અનિશ્ચિત, હાલક ડોલક બંધનમાં બંધાયેલા રહેશે? શું ક્યારે પણ એક યુવાન યુવતીને અને યુવતી યુવાનને પૂર્ણ રીતે સમજી નહિ શકે? કદાચ તે વસ્તુ વૈદ્ય અને રચ્છ જેવા કલાકારોને મસાલો આપતી જ રહેશે. આ નાટક માં હ્રિદય સ્પર્શતી વેદના છે ને ક્યારેક તે આપણ ને હસી મજાક માં તરબોળ કરી દયે છે તો ક્યારેક રડાવી દયે છે. ક્યારેક તેઓના નાની નાની વાતોના જગડા જોઇને માન્યમાં નથી આવતું કે આટલી લડાઈ શેને માટે છે તો ક્યારેક સામાન્ય વિવેકબુદ્ધિ થી બધું જ સમજાય જતું હોય તેમ પ્રેક્ષકો માથું હલાવે છે. જોવાનું ચૂકશો નહિ.
Reader Comments