Posts Tagged http://bit.ly/TlaQN2
Gujarati Short Story – “મા ની યાચના”
Posted by Darshana V. Nadkarni, Ph.D. in Gujarati: Fiction-Poems-Essays-Events on April 25, 2016
આમ તો સામાન્ય દિવસ જ હતો પણ બરોબર યાદ છે મને. શિયાળાની સવાર હતી અને વર્ષના અંત ની રજા પહેલા મારે ઓફીસ માં મોટો પ્રોજેક્ટ પતાવવાનો હતો. જેક ને મેં બુમ પાડી ઉઠાડ્યો ને કહ્યું મને ઉતાવળ છે, જલ્દી તૈયાર થઇ જા. રોજ તો તેના બનુષ અંદર ઘૂસીને તેને ગળે વળગાડીને પ્રેમથી કહું “ભાઈ ઉઠો, નિશાળે જવાનું છે ને સરસ નાસ્તો તૈયાર છે. દસ મિનીટ વહેલા ઉઠીને તેની સાથે તેના ગોદડા નીચે સુવાનું મને બહુ ગમે. પણ તે દિવસે એવો સમય જ નહોતો. નાસ્તો પણ જેવો તેવો જેમ તેમ ખવડાવીને ને હાથ માં ટીફીન આપીને ગાડી માં બેસાડ્યો.
બે મહિના પહેલા જ છ વર્ષનો જન્મદિન ઉજવેલ મારા જેકનો. તેના ક્લાસમાં સૌથી નાનો પણ તેનામાં ખુબજ શાણપણ અને પરિપક્વતા પહેલેથી જ. તે તુરંત સમજી ગયો કે આજે મમ્મી ઉતાવળમાં છે અને જલ્દી જલ્દી તૈયાર થઇ ગયો. મેં કહ્યું કે હજી તો થોડી વાર છે. તો મને કહે “મમ્મી તને ઓફિસમાં મોડું થશે. મને આજે જલ્દી નિશાળે મૂકી દે, કંહી વાંધો નહિ, હું રાહ જોઇશ”. નિશાળે ઉતાર્યો અને મેં ગાડી આગળ ચલાવી ને અરીસામાં જોયું કે જેક તો પાછો ગાડી તરફ વળે છે. મેં ગાડી ઉભી રાખી ને કાચ ઉતારી પૂછ્યું “શું થયું, કઈ ભૂલી ગયો છે?” મને કહે “મમ્મી, તે મને હગ નથી આપ્યું”. મનમાં હસવું આવ્યું કે આજે કોઈ ભાઈબંધ આગળ પાછળ નથી એટલે ભાઈને હગ યાદ આવે છે. મેં કહ્યું “સાંજે મળશું ત્યારે હગ આપીશ। પછી બુમ પાડી “આઈ લાવ યુ” અને ગાડી દોડાવી મૂકી.
ઓફિસમાં વ્યસ્ત હતી અને હમણાજ જેક ને મૂકી ને આવેલ. હજુ તો દસેક વાગ્યા હતા અને મારા મેનેજર આવ્યા અને મને કહે “હું ગાડી ચલાવું છું, આપણે sandy hook નિશાળે જવાનું છે. હમણાજ ફોન આવ્યો છે”. મારું તો હ્રદય જ બેસી ગયું. તે દિવસે માનસિક અસ્વસ્થથા થી પીડાતા એડમ લાન્ઝા નામના યુવાને વીસ બાળકોને બેરહેમીથી રહેંસી નાખ્યા તેમાં હતો મારો એકનો એક જેક અને મેં તેના હગ ને “આઈ લાવ યુ” કરીને સવારે ઉડાવી દીધેલ. (my poems: http://bit.ly/QZOh2a , http://bit.ly/TlaQN2 ).
કાળજામાં કોતરાઈ ગઈ છે એ દિવસની એક એક પળ. શું પાંચ મિનીટ વહેલી ઉઠી હોત તો હગ આપવાનો સમય રહેત? ઓફિસે પહોંચીને કોફી લેતા ક્રિસ્ટી જોડે પાંચ મિનીટ વાત કરી તેને બદલે જેક ને હગ આપ્યું હોત તો? (ક્રિસ્ટી ની તો સામે પણ હું જોઈ નથી શકતી). નિશાળે જવા પાંચ મિનીટ મોડા નીકળ્યા હોત તો ઘરે જેકને મીઠી મીઠી બથ માં લઈને ચુંબનો થી નવડાવીને ને નિશાળે મુક્યો હોત? જીવન મરણ વચ્ચે જોલા ખાતો મારો જેક મને હગ આપવા મથતો હશે? છેલ્લી ઘડીએ તે વિચારતો હશે કે મમ્મી હવે હગ કોને આપશે? જેક ને એક પળભરનું હગ આપવા માટે હું મારું જીવન આખું ને આખું આપવા તૈયાર છું. પણ ક્યાં અરજી કરું?
XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX
માઈકોફ્રીક્શન વાર્તા એ આ મહિનાની બેઠકનો વિષય છે. Microfiction લખવાની કોશિશમાં છું પણ ત્યાં પરંત મારી ટૂંકી વાર્તા ને માણજો અને તમારા વિચાર જણાવશો. બીજી ઘણી વાર્તાઓ શબ્દોનું સર્જન બ્લોગ ઉપર જરૂર વાંચશો। તેનું લીંક છે http://www.shabdonusarjan.wordpress.com .
Reader Comments