Posts Tagged Gujarati
Gujarati: કોઈપણ દેશમાં સલમાન રુસ્ડીના પુસ્તક સેટેનિક વર્સીસ પર પ્રતિબંધ મુકાયો હોય તે નાબૂદ કરવો જોઈએ
Posted by Darshana V. Nadkarni, Ph.D. in Gujarati: Fiction-Poems-Essays-Events, Musings on August 15, 2022
ઇતિહાસમાં પ્રગતિ અનેકવાર કલમ સાથે જોડાયેલી હોય છે. પરંતુ લેખકોને વારંવાર ભયંકર પડકારોનો સામનો કરવો પડતો હોય છે. 1600 ના દાયકામાં ગેલિલિયો ને મોત ની સજા ફરમાવવામાં આવી હોત અને તેના પર પાખંડનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ચર્ચ દ્વારા તેના લખાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કારણ કે તેણે કહ્યું કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અને તે ચર્ચને માન્ય નહોતું. સન1958 માં, અલાબામામાં, બાળકોના પુસ્તક, “રેબિટના લગ્ન” પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કારણ કે લગ્ન કાળા સસલા અને સફેદ સસલાની વચ્ચે થઈ રહ્યા હતા અને કેટલાક લોકોને ભય હતો કે આ સુંદર બાળકોના પુસ્તક થી પ્રેરિત થઇ અને કાળા અને ધોળા લોકો પણ લગ્નનો વિચાર કરવા માંડશે. 1988 માં, સલમાન રુશડિ ની નવલકથા શેતાનિક વેર્સેસ પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કારણ કે તે કોઈ ધર્મની ટીકા કરતી હોવાનું માનવામાં આવ્યુ હતું.
ઇતિહાસમાં પ્રગતિ અનેકવાર કલમ સાથે જોડાયેલી હોય છે. પરંતુ લેખકોને વારંવાર ભયંકર પડકારોનો સામનો કરવો પડતો હોય છે. 1600 ના દાયકામાં ગેલિલિયો ને મોત ની સજા ફરમાવવામાં આવી હોત અને તેના પર પાખંડનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ચર્ચ દ્વારા તેના લખાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કારણ કે તેણે કહ્યું કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અને તે ચર્ચને માન્ય નહોતું. સન1958 માં, અલાબામામાં, બાળકોના પુસ્તક, “રેબિટના લગ્ન” પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કારણ કે લગ્ન કાળા સસલા અને સફેદ સસલાની વચ્ચે થઈ રહ્યા હતા અને કેટલાક લોકોને ભય હતો કે આ સુંદર બાળકોના પુસ્તક થી પ્રેરિત થઇ અને કાળા અને ધોળા લોકો પણ લગ્નનો વિચાર કરવા માંડશે. 1988 માં, સલમાન રુશડિ ની નવલકથા શેતાનિક વેર્સેસ પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કારણ કે તે કોઈ ધર્મની ટીકા કરતી હોવાનું માનવામાં આવ્યુ હતું.
વાણી અને કલમની સ્વતંત્રતાના અધિકારનું રક્ષણ કરવું જરૂરી છે. મને લાગે છે કે ખરાબ રીતે લખાયેલ પુસ્તકો અથવા દૂષિત ઈરાદા સાથે લખાયેલ પુસ્તકો ઉપર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ નહીં. આપણે પણ એજ ઇચ્છીયે ને કે લોકો તેમની નિરાશાને ખરાબ કાર્યો ની બદલે પેન વડે વ્યક્ત કરે? અન્ય લોકો પણ વિવેચન, લેખ અથવા પુસ્તકો દ્વારા તેમના ઉપર વિવેચન અથવા ટીકા વ્યક્ત કરી શકે છે પણ કોઈ વ્યક્તિ ઉપર હુમલો કરવો તદ્દન યોગ્ય નથી. સમગ્ર વિશ્વએ સાથે મળીને સાફ સંદેશ મોકલવાની જરૂર છે કે જો કોઈ વ્યક્તિનું લખાણ પસંદ ના આવે તો તેને લીધે લેખકોને નુકશાન પહોંચાડી શકાય નહિ અને કોઈ તેવું કરે તેની જોરદાર સજા તેવી વ્યક્તિઓને મળવી જોઈએ. ભારતે સલમાન રશ્દીના પુસ્તક સેટેનિક વર્સીસ ઉપરથી તાત્કાલિક પ્રતિબંધ નાબૂદ કરવો જોઈએ અને અને દરેક વ્યક્તિના લખાણ અને ભાષણની સ્વતંત્રતાના અધિકાર ઉપર ભાર મૂકવો જોઈએ. જો કોઈ આ પુસ્તક વિશે જાણવા માંગતા હોય તો તેમને માટે નીચેની માહિતી લખેલ છે.
પુસ્તકને સાહિત્યિક વિવેચકો તરફથી અનુકૂળ સમીક્ષા મળી છે. સન 1988માં આ પુસ્તકની ગણના બુકર પ્રાઈઝ ફાઇનલિસ્ટ માં થયેલી, સન 1988 માં આ પુસ્તકે વ્હાઇટબ્રેડ એવોર્ડ જીતેલ અને પ્રતિભાશાળી વિવેચક હેરોલ્ડ બ્લૂમે આ પુસ્તક ને “રશ્દીની સૌથી મોટી સૌંદર્યલક્ષી સિદ્ધિ” તરીકે નવાજ્યું હતું. આ પુસ્તક એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર કરનારાઓ ના માર્ગમાં આવતી અડચણો અને અગવડતાઓ ઉપર લખાયેલ છે. એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર કરનારાઓને તેમની ઓળખ થી લઈને તેમની રુચિઓ, સિદ્ધાંતો, પ્રેમ, મૃત્યુ, ધર્મ વગેરે ની પરિભાષા ના બદલાવના પડકારને ઝીલવો પડે છે. એમ પણ કહી શકીએ કે રશ્દીનું આ લખાણ તેમની પોતાની બદલાતી ઓળખ ઉપર લખાયેલ છે. રશ્દીએ પોતે પુષ્ટિ કરી છે કે આ પુસ્તક ઇસ્લામ વિશે નથી,” પરંતુ તેમના સ્થળાંતર, મેટામોર્ફોસિસ, બે ભાગમાં વેંચાયેલ તેમના જીવન, લંડન અને બોમ્બે ના તેમના અનુભવને અનુલક્ષીને લખાયેલ છે.” ધર્મના સંદર્ભો સ્પર્શક અને કાલ્પનિક છે. પણ કદાચ આ લખાણ લેખકની અંગત માન્યતાઓ તરફ આંગળી ચીંધે તો પણ કોઈ લેખકની વ્યક્તિગત માન્યતાઓ અલગ હોવાના લીધે તેમને જાનહાની પંહોંચાડવી બિલકુલ યોગ્ય નથી.
બુદ્ધિજીવી અને સંવેદનશીલ: Sense & Sensibility by Jane Austin – Review in #Gujarati
Posted by Darshana V. Nadkarni, Ph.D. in Book Reviews, Gujarati: Fiction-Poems-Essays-Events on March 18, 2022
જેન ઓસ્ટીન નામની લેખિકાએ 18મી સદી ના ઇંગ્લેન્ડને લગતા ઘણા પુસ્તકો લખેલ છે. મોટા ભાગે તેના પુસ્તકો રોમેન્ટિક વિષયને લગતા પુસ્તકો છે. તાજેતરમાં તેણે લખેલ પુસ્તક સેન્સ એન્ડ સેન્સિબિલિટી ઉપર બનેલું નાટક જોયું તો તેના પુસ્તક ઉપર મારા વિચારો દર્શાવું છું.
તે બે બહેનો ની વાર્તા છે. 18મી સદીના ઇંગ્લેન્ડ માં મિલકત માત્ર પુરુષ વરસદારોનેજ મળતી. જો કોઈ વ્યક્તિ ને દીકરો ન હોય તો તેના ગયા બાદ તેની મિલકત તેની પત્ની અથવા દીકરીની બદલે તેના નજીકના પુરુષ વારસદારને મળે. તેવી સ્થિતિમાં અચાનક સ્ત્રીઓ બેઘર બની જાય અને નાની યુવતીઓ યોગ્ય અને લાયક પાત્ર શોધવા લાગે. કેમકે તે સમાજ વ્યક્તિના વર્ગ, દરજ્જા અને ક્રમ ઉપર નિર્ભર હતો. આવી સ્થિતિ માં કોઈ યુવતીને તુરંત યોગ્ય પતિ ન મળે તો તેને ખુબ ગરીબીમાં, આજીવન કુંવારી અવસ્થામાં જિંદગી પસાર કરવી પડે તેવું પણ બને.
સેન્સ એન્ડ સેન્સિબિલિટી એટલે કે બુદ્ધિમાન પ્રકૃતિ અને સંવેદનશીલ પ્રકૃતિ. આ વાર્તાના મુખ્ય પાત્રો બે બહેનો છે. પિતાના અવસાન પછી મેરિયન ડેશવુડ અને એલિનોર ડેશવૂડ ની જિંદગી અસ્તવ્યસ્ત થઇ ગઈ. બંને બહેનો અને તેમની માં રહેતા હતા તે ઘરમાં તેમના ભાઈ અને ભાભી રહેવા લાગ્યા અને તેમની ભાભીએ તેમના ભાઈને સમજાવ્યો કે બંને બહેનોને તેમના લાયક નાનું મકાન શોધી આપવું જોઈએ જેથી તેમને સામાન્ય સ્થિતિમાં રહેવાની આદત પડી જાય. તે સમયે ઇંગ્લેન્ડ માં આવી સ્થિતિ માં આવેલ સ્ત્રીઓને કોઈ સગાવહાલા પાસે નાનું મામૂલી કોટેજ હોય તો તેઓ તે બહેનો ને તેમાં રહેવાની વ્યવસ્થા કરી આપે. ડેશવૂડના કોઈ સગા એ તેવું મકાન રહેવા માટે ઓફર કર્યું અને તેમની ભાભીએ તેમના ભાઈને સમજાવ્યો કે તે તેની બહેનો અને માં ને તેમાં રહેવા જવા માટે સમજાવે. ભાઈના કહેવાથી તેઓ તેવા મામૂલી મકાન માં દૂર રહેવા ચાલ્યા ગયા. તેમના સગાઓ અને તેમની માં તેમના માટે યોગ્ય પતિ શોધવા લાગ્યા.
મેરિયન ડેશવુડ સંવેદનશીલ, લાગણીશીલ પ્રકૃતિ ધરાવે છે, તે સ્વયંસ્ફુરિત છે, પ્રેમ માં જેટલી ઝડપી છે તેટલીજ તેના વિલાપમાં ઉતાવળ છે; તેને ઋતુઓનું પરિવર્તન, પ્રકૃતિમાં આનંદ અને સૂકા વિખરાયેલા પાંદડાઓમાં કવિતા દેખાય છે; તે ખુબ રોમેન્ટિક પ્રકૃતિ ધરાવે છે, પૂરા દિલથી પ્રેમ કરે છે, નિખાલસતાથી ખળભળાટ હસે છે અને નાટકીય રીતે વારંવાર રડી પડે છે. મારુ માનવું છે કે તેના જેવી સ્ત્રીઓ ઘણીવાર સમાજમાં જરૂરી ફેરફારો પાછળનું બળ હોય છે. જ્યારે મિલકત તેના ભાઈને આપવામાં આવે છે, ત્યારે તે તુરંત તેની બહેનને પૂછે છે, “શા માટે? શું તે એક કર્તવ્યનિષ્ઠ પુત્ર છે તેથી કે તે લાયક છે એટલા માટે? જો કે તે બેમાંથી કંઈ નથી.”
મેરિયનની બહેન એલિનોર ડેશવુડ પોતાની લાગણીઓને વ્યક્ત કરવામાં ધીમી ગતિ ધરાવે છે અને વિચારશીલ છે, તેની ટિપ્પણીમાં પણ વિનય, વિવેક, નમ્રતા અને વિચારશીલતા છે, તે પોતાના વિચારોમાં સંયમિત છે; તે સરંજામ અને ઔચિત્યની વાત કરે છે; અને તે હંમેશા વસ્તુઓને અન્યના દ્રષ્ટિકોણથી જોવાનો પ્રયાસ કરે છે અને પોતાને તકલીફ વેઠવી પડે છતાં અન્યની સંવેદના નો ખ્યાલ રાખે છે. મારુ માનવું છે કે તેના જેવી સ્ત્રીઓ, ઘણી વખત સમાજમાં વ્યવસ્થા જાળવવામાં અને અરાજકતાને રોકવામાં નિમિત્ત બને છે. માત્ર પોતાની લાગણીશીલતા ઉપર સંયમ અને ધીરજ જાળવીને જ નહિ પરંતુ અન્ય વ્યક્તિઓને પણ તે સલાહ આપે છે અને જીવનમાં આવતા વંટોળને શાંતિ અને સંયમથી સામનો કરતા શીખવે છે. આ વાર્તામાં મેરિયન તેની માનો આધાર બની જાય છે. લાગણીશીલતા ઉપર કાબુ જાળવવાનું તે તેની બહેન મેરિયનને પણ સમજાવે છે. મેરિયન એક વાર કહે છે, “મારી બહેન આશા રાખે છે કે તે મને મારા પોતાના અતિરેકથી બચાવે”.
મેરિયન વિલોબી નામના યુવાનના પ્રેમમાં પડે છે. વિલોબી પણ તેના જેવોજ સંવેદનશીલ યુવાન છે અને થોડાજ સમયમાં તેઓ સાનભાન ભૂલી ને પ્રેમમાં બંધાઈને એક બીજા પ્રત્યે વચનબદ્ધ થઇ જાય છે. પરંતુ થોડા સમય બાદ વિલોબી અચાનક પલાયન થઇ જાય છે. તે સમયે ઇંગ્લેન્ડ માં જો કોઈ યુવતી કોઈ પ્રેમી જોડે વચનબદ્ધ હોય અને પ્રેમી તેને છોડી ને ચાલ્યો જાય તો ઘણીવાર બીજા કોઈજ યુવાન તેની જોડે લગ્ન કરવા આગળ ન આવે તેવી સ્થિતિ ઉભી થઇ શકે છે. બીજી બાજુ એલિનોર ને એડવર્ડ નામના શરમાળ યુવાન પ્રત્યે લાગણી છે. એડવર્ડ ને પણ એલિનોર તરફ ખુબ લાગણી છે. પરંતુ બંને ધીમી ગતિ ધરાવતા પ્રેમી પંખીડા મનોમન પ્રેમ કરવા છતાં એકમેક સમક્ષ પોતાનો પ્રેમ વ્યક્ત કરીજ નથી શકતા અને એડવર્ડ ના લગ્ન બીજે થવાની વાતચીત ચાલે છે.
તે દરમ્યાન કર્નલ બ્રાન્ડન નામના જવાન ડેશવૂડ કુટુંબ ની મદદે આવે છે અને મેરિયન માટે વિલોબીનો પત્તો લગાવે છે. વિલોબી આખરે બહેન એલિનોર પાસે શોક વ્યક્ત કરે છે કે તેમની આર્થિક સ્થિતિ માં તે મેરિયન જોડે પરણી શકે નહિ અને તેથી તેણે પલાયન થઇ અને પોતાને યોગ્ય પત્ની જોડે લગ્ન કરી લીધા છે. મેરિયન આ સમાચાર સાંભળતા બેહોશ બની જાય છે અને પછી તે બીમાર પડે છે. કર્નલ બ્રાન્ડન આ સમયે પણ તેમની ખુબ મદદ કરે છે. આખરે બીમારીમાંથી સાજી થતા મેરિયનને પ્રેમનો સાચો અર્થ સમજાય છે અને એ પણ સમજાય છે કે ધીમો પ્રેમ ક્યારેક ખુબ ગહન હોય છે અને તે અને કર્નલ બ્રાન્ડન લગ્ન કરે છે. આ બાજુ આખરે એડવર્ડ હિમ્મત ભેગી કરીને એલિનોર પાસે તેનો પ્રેમ વ્યક્ત કરે છે અને એલિનોર પોતાની લાગણીઓને વાચા આપે છે અને બંને લગ્ન કરે છે.
લેખિકા ઓસ્ટીન ની વાર્તામાં એ તો જરૂર સમજાય છે કે કોઈ એક તરફ અતિરેક યોગ્ય નથી. માત્ર બુદ્ધિજીવી જીવન જીવી ન શકાય અને સમય અનુસાર લાગણીઓને પણ વાચા આપવી અને દર્શાવવી જરૂરી છે. તેમજ અતિ સંવેદનશીલ પ્રકૃતિ યોગ્ય નથી અને લાગણીઓ ઉપર સંયમ રાખવો જરૂરી છે. પરંતુ અનેક વાર ટિપ્પણીકારો ને ઓસ્ટીન ની વાર્તાઓ માં તેવું લાગે છે કે ઓસ્ટીનનો પક્ષપાત બુદ્ધિજીવી પ્રકૃતિ તરફ વધારે છે. વાંચીને તમારો અભિપ્રાય જરૂર જણાવશો.
Gangubai Review in Gujarati: ગંગુબાઈ કાઠિયાવાડી ચલચિત્રની સમીક્ષા
Posted by Darshana V. Nadkarni, Ph.D. in Gujarati: Fiction-Poems-Essays-Events, Movie Reviews on March 4, 2022
હુસૈન ઝૈદી ના પુસ્તક માફિયા ક્વિન્સ ના એક પ્રકરણ ઉપર બનેલી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી મુંબઈના કમાટીપુરા વિસ્તારમાં વસેલી ગંગુબાઈ કોઠેવાલી અથવા ત્યાર પહેલા ગંગા હરજીવનદાસ ના નામે કાઠિયાવાડમાં જન્મેલી બાઈની જીવનકથા ઉપર આધારિત છે. આ ફિલ્મ બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માં ફેબ્રુઆરીમાં રિલીઝ થયેલી અને તાજેતરમાં તે થિએટરમાં રિલીઝ થઇ છે. આ ફિલ્મના પ્રોડ્યૂસર છે સંજય લીલા ભણસાલી અને જયંતીલાલ ગદ્દા અને તેના ડિરેક્ટર છે સંજય લીલા ભણસાલી.
ગંગા હરજીવનદાસ નો જન્મ સાન 1938માં કાઠિયાવાડ માં થયેલ અને ત્યાર બાદ આશરે 16 વર્ષની ઉંમરે તે રમણીક નામના છોકરાના પ્રેમમાં પડી. કુટુંબની મરજી તેમના વિરુદ્ધ રમણીક અને ગંગાએ મંદિરમાં લગ્ન કરીને મુંબઈ તરફ પ્રયાણ કર્યું. 16 વર્ષની પ્રેમમાં ઘેલી ગંગા મોટા શહેરની જાહોજલાલી વચ્ચે પોતાનું ઘર વસાવવાના સપના સેવતી રમણીક જોડે મુંબઈ આવી ત્યાર બાદ રમણીક તેને શીલા નામની યુવતીને ત્યાં કમાટીપુરા લઇ આવ્યો. તેણે “આ મારી માસી છે” કહીને ગંગાની ઓળખાણ કરાવી અને ત્યાં ગંગાને બે દિવસ રહેવાનું કહીને તે ચાલ્યો ગયો. અને ત્યારે ગંગાના જીવનનો માર્ગ બદલાઈ ગયો. માત્ર રૂપિયા 500માં લલચાઈને રમણીકે ગંગાને વૈશ્યાવૃત્તિના માર્ગે ધકેલી દીધી હતી. ખુબ માર સહન કર્યા બાદ ગંગાની સમાજમાં આવ્યું કે હવે તેને આ માર્ગ અપનાવ્યા સિવાય છૂટકો નહોતો.
ગંગા આખરે ગંગુબાઈ બની અને સમય વીતતા તે એક શક્તિશાળી મહિલા અને મોટા વેશ્યાલયની માલિક બની. એવા સમયે જ્યારે નારીવાદનો ક્યાંય ઉલ્લેખ પણ નહોતો થતો ત્યારે ગંગુબાઈ વૈશ્યાવૃત્તિના માર્ગે ધકેલવામાં આવતી મહિલાઓ માટે શક્તિનો આધારસ્થંભ બની અને તેણીએ વૈશ્યાઓ સમાજ માં માથું ઊંચું રાખીને જીવી શકે અને તેમના વ્યવસાયને કાયદેસર બનાવવામાં આવે તેમજ તેમના બાળકોને સમાનતા માટે તકો અને ભણવાની સુવિધા મળે તે માટે ચળવળ શરુ કરી. આલિયા ભટ્ટે આ ફિલ્મ માં ખુબજ સુંદર અભિનય કર્યો છે. બાયોપિકમાં અભિનય કરતી વખતે, અભિનેત્રી પાત્રના જીવનમાં બનેલી ઘટનાઓની વાર્તાથી પરિચિત તો હોય છે. પરંતુ તે પાત્ર જિંદગીમાં વિકસે ત્યારે તેની લાગણીઓ, ભાવનાઓ ને ધ્યાન માં રાખી તેને જીવંત સ્વરૂપ આપીને તે પાત્રને વિકસાવવું જટિલ કાર્ય છે અને આલિયા એ તે ખુબ સુંદર રીતે કર્યું છે.
ગંગુબાઈ ખુબજ શક્તિશાળી વક્તા હતા અને તેમના એક એક અર્થસભર વાક્યને આલિયાએ યાદગાર રીતે વાચા આપી છે.
સ્થાનિક ચૂંટણીઓમાં તેની સ્પર્ધકને પડકારતી વખતે, પોતાની સંભવિત જીત વિશે કોઈ શંકા વિના, ગંગુબાઈ કહે છે, “ज़मीन पे बैठी बहोत अच्छी लग रही है तू, आदत दालले, क्यों की तेरी कुर्सी तो गयी”.
તેની નીચે કામ કરતી વૈશ્યા છોકરીઓને ઉશ્કેરતી વખતે તે કહે છે, “इज्जत से जीनेका, किसीसे डरनेका नहीं, ना पोलिस से, ना मंत्री से, ना MLA से, ना भड़वो से, किसी के बाप से नहीं डरने का”.
ભણસાલીએ કહ્યું હતું કે કપરા સમયમાં ખુબજ કપરી પરિસ્થિતિમાંથી પોતાનો રસ્તો કરીને બીજી સ્ત્રીઓમાટે રસ્તો કાઢતી આ મહિલા ની પોતાના હક અને ગૌરવ માટેની લડાઈએ મને આ કહાની સજીવન કરવા માટે આકર્ષિત કર્યો”. પણ ત્યાર બાદ તેમનો પડકાર તેમના કલાકારોમાંથી તે વાત સજીવન કરવા માટેનો હતો. ભણસાલી કેવા જબરજસ્ત અને તેજસ્વી દિગ્દર્શક છે તેનો ખ્યાલ આપણને તુરંત આવી જાય છે. દરેક ઘટના અને દ્રશ્ય ભાવનાત્મક અને દૃષ્ટિની રીતે સમૃદ્ધ અને અર્થપૂર્ણ છે. જ્યારે ગંગુબાઈને તેમના પ્રેમીને મળે છે, ત્યારે તે પહેલા શંકાસ્પદ રહે છે અને તેનો પ્રેમી તેની સીમાઓનું સન્માન કરે છે કે નહિ તે જાણવા માટે તેની કસોટી કરે છે. અને પછી અચાનક ગંગુબાઈ તેના પ્રેમીના ખભા પર માથું ઢાળે છે અને તે ક્ષણે પુરુષો પ્રત્યે શંકા અને વિશ્વાસઘાતનો ભાર જે તેણીએ તેના ખભા ઉપર વર્ષોથી વહન કર્યો હતો તે ઓગળી જાય છે. તેમજ આલિયા નું ગરબા નૃત્ય ગંગુબાઈને તેના કાઠીયાવાડી મૂળ સાથે તેમજ તેના વર્તમાન સાથે જોડે છે જાણે કે ગંગુબાઈમાં સાક્ષાત દેવી અંબામા પધાર્યા હોય. હુમા કુરેશીનો આઇટમ નંબર પણ લાજવાબ છે. અંડરવર્લ્ડ ડોન તરીકે અજય દેવગણ અને વેશ્યાલય મેડમ તરીકે સીમા પાહવા ખુબ સુંદર અભિનય આપે છે. આ ચલચિત્ર ને યાદગાર બનાવવાનો જશ તો આલિયા ભટ્ટ ના ઉત્કૃષ્ટ અભિનયને જ જાય છે અને ચલચિત્રના અંતમાં તે જે અદ્ભુત અને શાનદાર છટા થી ભાષણ આપે છે તેમાં ગંગુબાઈના શક્તિશાળી શબ્દોની સામગ્રી સાથે આલિયા ભટ્ટની સર્જનાત્મકતા નો સમન્વય પરિપૂર્ણ થાય છે.
શાનદાર છટા સાથે ગંગુબાઈ કહે છે “लिख देना कल के अखबारमे, के आज़ाद मैदानमे भासन देते वख्त, गंगूबाईने आँखे झुकाकर नहीं, आँखे मिलाकर हक़ की बात की है भाई”.
વાહ ગંગુબાઈ, વાહ આલિયા ભટ્ટ, વાહ દિગ્દર્શક સંજય લીલા ભણસાલી – શું આલીશાન, યાદગાર ફિલ્મ બની છે – જોવનું ચુકતા નહિ!!
ટેક્નોલોજી દ્વારા થતા દુષ્કર્મો ને બુલીબાઈ એપ ને પડકારતું કાવ્ય: #Gujarati #poem against #BullibaiApp
Posted by Darshana V. Nadkarni, Ph.D. in Gujarati: Fiction-Poems-Essays-Events, Musings, Poems on January 24, 2022
આપણા સમાજમાં એક એવી ખોટી માન્યતા છે કે શારીરિક પીડા ની સરખામણીમાં ટેક્નોલોજી દ્વારા થતું નુકશાન અને પીડા તદ્દન મામૂલી છે. વધુ ને વધુ ટેક્નોલોજીના દુરુપયોગથી વ્યક્તિઓને ખુબ નુકશાન પહોંચે છે. ટેક્નોલોજી દ્વારા આર્થિક રીતે લોકોને કેવું નુકશાન કરી શકાય છે તે તો આપણે જાણીએ જ છીએ અને સંસ્થાઓએ તે માટે પગલાં પણ લીધા છે. પરંતુ ટેક્નોલોજી ના દુરુપયોગથી વ્યક્તિની પ્રતિષ્ઠા અને ઓળખ ઉપર સખત છાંટા ઉડાડીને તેને ખુબ હામી પંહોંચાડવામાં આવે છે તે પ્રત્યે આપણે તેટલું ધ્યાન આપ્યું નથી. અને ખાસ કરીને ભારત જેવા પિતૃસત્તાક સમાજ માં સ્ત્રીની પ્રતિષ્ઠા ની અસર તેની પુરી જિંદગી ઉપર થઇ શકે છે ત્યારે સ્ત્રીઓ ઘણી વાર તેવા દુરુપયોગ નું લક્ષ્ય બને છે. ડિજિટલ માહિતી એક વાર ઈન્ટરનેટ ઉપર મુકાય જાય તો તે હંમેશ માટે ક્યાંક ને ક્યાંક તો રહીજ જાય છે. તેથી ડિજિટલ માહિતીની સ્થાયીતા ને કારણે તે વ્યક્તિ ના પુરા જીવનમાં તે એક લટકતી તલવાર બનીને રહી જાય છે. ઘણીવાર કોઈ સ્ત્રી હિંસાત્મક સબંધ માંથી બહાર નીકળવાની કોશિશ કરે ત્યારે પણ પુરુષો તેને રોકવા માટે કે ત્યાર બાદ બ્લેકમેઇલ કરવા માટે ડિજિટલ ગેરુપયોગથી સાચી કે ખોટી હકીકત ઉપજાવીને સ્ત્રીને મહાત કરવાની કોશિશ કરે છે. મને તેનો અંગત અનુભવ છે.
તાજેતરમાં ભારત માં બુલીબાઈ એપ દ્વારા મુસલમાન મહિલાઓની બેઇજ્જતી કરવાનો અત્યંત દુઃખદ પ્રયાસ થયો. તેમાં મુસ્લિમ મહિલા કાર્યકર્તાઓ, પત્રકારો, રાજકારણીઓ, અભિનેતાઓ અને એન્જિનિયરોને નિશાન બનાવવામાં આવ્યા. આ મહિલાઓના ચહેરા પોર્નોગ્રાફિક બોડી સાથે જોડી દેવામાં આવ્યા હતા અને તેમની નકલી હરાજી સર્જવામાં આવી હતી. રાજકારણી મહિલાઓને પણ આવા કરતૂતનો અવારનવાર સામનો કરવો પડે છે. જ્યાં સુધી આપણે બધા તેની વિરુદ્ધ નહિ બોલીએ અને તેનો ઉગ્ર વિરોધ અને આક્રોશ વ્યક્ત નહિ કરીએ ત્યાં સુધી આ બદલાશે નહીં અને આવતા વર્ષોમાં આપણી દીકરીઓને આવીજ કરતૂતોનો સામનો કરવાનો રહેશે. મારા જીવનનો આ અંગત અનુભવ છે અને તેને આધારે કહીશ કે ગમે તેવી ચોખ્ખી પ્રતિષ્ઠા કોઈ સ્ત્રી ધરાવતી હોય, અને કોઈ પણ સ્ત્રી હોય તે આવી કરતૂતનો ભોગ બની શકે છે.
જયારે દિલ્લી માં નિર્ભયા નામે ઓળખાઈ ગયેલી એક યુવતી ઉપર 6 પુરુષો દ્વારા બળાત્કાર અને ત્યાર બાદ તેની હત્યા કરવામાં આવી હતી ત્યારે મેં એક કાવ્ય લખ્યું હતું http://bit.ly/WyY4zf . તેવું બીજું કાવ્ય બુલીબાઈ એપ ની ઘટના બની ત્યારે લખ્યું છે તે નીચે રજુ કરું છું.
મારા ભાઈઓ અને બહેનો ને અનુરોધ
મારા ભાઈઓ, હંમેશા તમારી સુરક્ષા ઇચ્છુ છું
તમારા કાંડે રાખડી બાંધતા તમારી રક્ષા પ્રાર્થું છું
આજે મારા ચરિત્ર ને પ્રતિષ્ઠા ઉપર છાંટા ઉડે છે
ત્યારે તમારા આધારની અપેક્ષા રાખું છું.
સ્થિતિસ્થાપકતા ને ઉત્સાહ મારી ચાલ માં છે
મોકળા મને જીવવાનો મોકળો રાહ માંગુ છું
મારા સોઉન્દર્યની ચર્ચા તમે ખુબ કરો છો
આજે મારા ચરિત્રનો બચાવ ઈચ્છું છું
એક દિવસ મારી કૃતજ્ઞતા વ્યક્ત કરશે
મારી તમારી દીકરીઓ ની વાત કરું છું
ઇતિહાસના પાના ઉથલાવશે ત્યારે કૃતજ્ઞતા
તમારા પ્રતિ પણ વ્યક્ત કરે તેમ ઈચ્છું છું
પ્રિય બહેનો, આપણી લડાઈ દુષ્કર્મ સામે છે
આજે તમારા સાથ માટે હાથ લાંબો કરું છું
નફરત ને કટ્ટરતા સામેની લડાઈમાં, કોઈ જાતિ
ધર્મ દરજ્જો કે વર્ગ વિભાજીત ન કરે તે ઈચ્છું છું
હો ભલે મુસ્લિમ ખ્રિસ્તી શીખ કે હિન્દુ. છતાં પુરૂષો
યુદ્ધ આદરે ત્યારે પ્રથમ લક્ષ્ય તમે અને હું છું
અહીં કે ઇથોપિયામાં, લાઇબેરિયા, બોસ્નિયા,
ચાઈના કે ઇરાક કે રવાન્ડામાં. તે માત્ર કહું છું.
ચાલો સાથે મળીને આગળ માર્ગ મોકળો કરીએ
તેથી આપણી દીકરીઓ સુરક્ષિત રહે તે ઈચ્છું છું
શેરીઓમાં ફરતા કે ઑનલાઇન સર્ફિંગ કરતા
કે બસની સવારી માં તેમની સલામતી પ્રાર્થું છું
નરસંહાર ને નફરત ભૂતકાળની ઘટના છે લોકો કહેશે
દેશની મહિલાઓએ એકમેકને ટેકો આપ્યો શું
કેમકે જ્યારે એક સ્ત્રી સ્ત્રીને ટેકો આપે છે, તે બચાવે છે
દેશો, સમુદાયો, પુરુષો ને બાળકોને, તે હું જાણું છું
Gujarati Poem: દ્રષ્ટિ વિસ્તૃત કરીએ – Let’s expand our vision
Posted by Darshana V. Nadkarni, Ph.D. in Gujarati: Fiction-Poems-Essays-Events on October 8, 2021
જાવેદ જાફરીના હિન્દી માં લખેલ કાવ્ય નો મેં ગુજરાતી માં અનુવાદ કર્યો છે. તેમાં થોડા શબ્દો બદલ્યા છે અને તે કાવ્યને અહીં પ્રસ્તુત કરું છું.
નફરત ની અસર જુઓ,જાનવરો વેચાય ગયા
ગાય હિન્દૂ અને બકરા મુસલમાન મનાય ગયા
ક્યારે તેમનો થશે બટવારો, ચિંતિત છે પંખીઓ
ઝાડ પાન ને શાખાઓ મૂંઝવણ માં મુકાય ગયા
સૂકા મેવા ની વહેંચણી માં નાળિયેર હિન્દૂ
ને ખજૂર મુસલમાન ના કહેવાય ગયા
રંગ માં યે જુદાઈ આવી, ધર્મની વિભાજીત માં
લાલ હિન્દૂ નો ને લીલા રંગ મુસલમાન ગણાય ગયા
માનો કે લીલા શાકભાજી હવે મુસલમાનના થશે
હિંદુના ઘરે ગાજર, ટામેટા ના થેલા મુકાય ગયા
પણ સમસ્યા મોટી ઉભી રહી તરબુચની
વિધવાનો માથા ખંજવાળતા રહી ગયા
બિચારું ઉપરથી છે મુસલમાન, અંદર થી હિન્દૂ
આ વિભાજન માં એવા કૈંક નિર્દોષો ખપાય ગયા
આ કાવ્ય ને આસ્વાદ ની તો જરૂર નથી. પણ આ કાવ્ય નો અંત બોલતા મને એ કહેવું છે કે એક વ્યક્તિની આઇડેન્ટિટી એટલે ઓળખ માત્ર તેના ધર્મ માં નથી. તે વ્યક્તિ કોઈની માં છે, બહેન છે, પત્ની છે, તેને હિન્દી ચલચિત્રો પસંદ છે, ગાવાની શોખીન છે, રસોઈ મસ્ત બનાવે છે, કેરમ રમવાનો શોખ ધરાવે છે ને વ્યવસાયે વકીલ છે. આમ લોકો કેટલા જટિલ હોય છે. ક્યારેક ઘૃણા અને ભેદભાવ માં રંગાઈને તેમની ઓળખ અને જટિલતા ને એક નાના એવા બોક્સ માં બેસાડીએ છીએ ત્યારે એ પણ ભૂલી જઈએ છીએ કે એજ વ્યક્તિ આપણી પાડોશણ, સખી, પિક્ચર જોવામાં સહભાગી અને પ્રેમથી જમાડવામાં પાવરધી હતી. અને અત્યારે તેવો અત્યાચાર ઇથિયોપિયા માં (જ્યાં મેં મારુ બાળપણ વિતાવ્યું) ત્યાં થઇ રહ્યો છે જ્યાં હજારોની સંખ્યા માં નાની યુવતીઓ અને બાળકીઓ બળાત્કાર અને જાતીય હિંસાનો ભોગ બની રહી છે. ટીગ્રી જાતિની વ્યક્તિઓ ઉપર આ અત્યાચાર થઇ રહ્યો છે. મેં એ આશા સાથે આ કાવ્ય અને તેનો અંત લખ્યો છે કે આપણે વ્યક્તિઓની ઓળખ આઇડેન્ટિટી ને કોઈ એક ખ્યાલ માં સંકોચીને જોવાની બદલે તેમને એક પૂર્ણ વ્યક્તિ તરીકે જોઈને મૈત્રીભાવ કેળવી શકીશું.
સાથ વિષે….. (on togetherness in #Gujarati)
Posted by Darshana V. Nadkarni, Ph.D. in Gujarati: Fiction-Poems-Essays-Events, Poems on July 28, 2020
સાથ વિષે………
કોઈકનો સાથ જીવન માં થોડી ક્ષણોનો હોય છે પણ આખું જીવન મહેકતું કરીને જાય. કોઈકનો સાથ આખી જિંદગી હોય પણ ન હોવા બરોબર અને વ્યક્તિ ક્યારેક રસમો રિવાજ ને સમાજ ને લીધે આખી જિંદગી કોઈકનો નગુણો સાથ નિભાવી લ્યે છે. કોઈકનો સાથ એક આદત બની જાય છે. અને મીરા સાથે કૃષ્ણનો સાથ હતો તેમ ક્યારેક સાથ શ્રદ્ધા ની અનુભૂતિ છે. મીરાં ને કૃષ્ણ નો સાથ શ્રદ્ધા માં હતો તેથીજ મીરા ના શબ્દો માં સંવેદના થી તરબોળ એવા સાથ ના ઘણા રૂપ મળે છે.
ક્યારેક મીરા શ્રી કૃષ્ણ ના સાથ ને ઝંખે છે
मीरा कहै प्रभु कब रे मिलोगे
तुम बिन नैण दुखारा॥
म्हारे घर आ प्रीतम प्यारा॥
ક્યારેક તે સાથ ની અમૂલ્યતા ને અનુભવે છે
जनम जनम की पूंजी पाई
जग में सभी खोवायो
पायो जी मैंने राम रतन धन पायो
ને ક્યારેક તે વિરહ ની વેદના માં જુરે છે.
प्रभु जी तुम दर्शन बिन
मोय घड़ी चैन नहीं आवड़े॥
अन्न नहीं भावे, नींद न आवे
विरह सतावे मोय।
घायल ज्यूं घूमूं खड़ी रे
म्हारो दर्द न जाने कोय॥
ને ક્યારેક તેમના સંગાથ માં જ જીવન જતું હોય તેમ સહજતાથી કહે છે
साजि सिंगार बांधि पग घुंघरू,
लोक-लाज तजि नाची॥
मैं तो सांवरे के रंग राची।
સાથ માં આ બધા રૂપ સમાય જાય છે.
મારા શબ્દોમાં……
સાથ લાગણી છે, સંવેદના છે, પ્રેમ છે
સાથે હોય તે જ પૂછે ને તું હેમખેમ છે?
સાથ માં સંગાથ હોવો જરૂરી નથી
ક્યારેક સાથ માત્ર આદત જેમ છે
સાથ માં મતભેદ છે સાથે ફરિયાદ છે
વિરહ ને વેદના ને ફરી થતું મિલન છે
સાથ માં વર્તાય વ્યક્તિનું વ્યક્તિત્વ
તેને બીજા પ્રત્યે કેવો રહેમ છે
સાથ માં હિસાબ કિતાબ પણ હોય
સમર્પણ, તો ક્યારેક સાથ લેણદેણ છે
જન્મતાંજ શ્વાસ સાથે સંકળાયેલ સાથ છે
તો જ મિલન વગર પણ આજે સૌ હેમખેમ છે
દ્રષ્ટિકોણ 107: વાંચન એટલે (on reading)
Posted by Darshana V. Nadkarni, Ph.D. in Gujarati: Fiction-Poems-Essays-Events on April 11, 2020
કસરત કરવાથી શરીર તંદુરસ્ત રહે છે તે પ્રમાણે વાંચન થી મન તંદુરસ્ત રહે છે. વાંચન પ્રાર્થના નો પણ એક પ્રકાર છે. જે રીતે ખરા મન થી પ્રભુ ભજન માં વ્યસ્ત વ્યક્તિ ને આસ પાસ નું ધ્યાન રહેતું નથી તે રીતે વાંચન માં ધ્યાનગ્રસ્ત હોઈએ ત્યારે આપણે તેમાં એવા ડૂબી જઈએ છીએ કે આજુબાજુ ના વાતાવરણ ને ભૂલી જઈએ છીએ. વાંચન થી સહાનુભૂતિની કેળવાય છે. થોડીવાર માટે જયારે આપણે બીજાના જૂતામાં ચાલીએ છીએ, બીજાની નજરે દુનિયાને નિહાળીએ છીએ ત્યારે સ્વાભાવિક રીતેજ બીજા લોકો પ્રત્યે સહાનુભૂતિ અને મમતા જાગે છે.
માર્ક ટ્વેઇન જે અમેરિકન લેખન સાહિત્યના પિતા સમાન ગણાય છે. તેમણે – http://bit.ly/2QIVNlM
મિસિસિપી નદી ઉપર કામ કરતા નદીના કિનારે રહેતા ખેડૂતો, તેમની પત્નીઓ, જુગારીઓ, નેટિવ અમેરિકનો, બ્લેક અમેરિકનો, મોટા ઝાડ કાપનાર લમ્બરજેક્સ વગેરે લોકો નું અને તેમની રહેણીકહેણી નું બારીકાઈથી નિરીક્ષણ કરીને સુંદર વર્ણન કર્યું છે. તેમના લેખન દ્વારા વાચકોને અમેરિકાની સાંસ્કૃતિક લેન્ડસ્કેપ વિષે સુંદર માહિતી જ નથી મળતી પરંતુ તેમના વાતાવરણ માં તે લોકો જોડે બેસીને મહેફિલ માણતા હોઈએ અને તે બધા આપણા મિત્ર હોય તેવું લાગે છે.
ખરું કહું તો વાંચન આપણને આમ તો ઘર થી દૂર દૂર લઇ જાય છે. પણ જ્યાં પહોંચીએ ત્યાં ઘર હોય તેવો માહોલ સર્જાવી આપે છે.
જગત કલ્યાણ માટે પ્રાર્થના
Posted by Darshana V. Nadkarni, Ph.D. in Gujarati: Fiction-Poems-Essays-Events on April 4, 2020
અર્પણ કરું છું હું કેલીફોર્નીઆથી દર્શના
કરુણામય બ્રહ્માંડ પાસે મારી પ્રર્થના
કુદરત તારી વિસ્મયભરી સૃષ્ટિના માનમાં
સ્વિકારજે જગત કલ્યાણ માટે મારી ભાવના
ભલે કરીએ મંત્ર જાપ સંતનામ ને પ્રાર્થના
અદભુત કુદરતને પહેલા પ્રણામ આપણા
માફ કરજે તારી બલિહારી અમે ન સમજ્યા
તારી સૃષ્ટિના દરેક કણ સુધી પહોંચે આ ભાવના
વૈજ્ઞાનિકોને અર્પણ બીજી અભ્યર્થના
ડોક્ટર નર્સ ને કાળજીકારોને ત્રીજી અર્ચના
આરોગ્ય વ્યાવસાયિકો (હેલ્થ પ્રોફેશનલ્સ) ને નમ્ર યાચના
અમ સંગ સાંભળજો તમારી આરોગ્યતા
લોકકલ્યાણકર્તાઓ માટે ચોથી પ્રાર્થના
બીજા નું ભાડું ભરવાનું, માસ્ક બનાવવાના
ગ્રોસરી લાવવાની, ગાઉન સીવવાના
તેમને વંદન, તેમના સ્થાસ્થ્યની પ્રાર્થના
પાંચમે કલ્યાણ થાય અબોલ પશુ પક્ષીઓના
સર્વ જગત કલ્યાણ માટે અર્પણ આ પ્રાર્થના
દ્રષ્ટિકોણ 105: સપના એટલે? (on dreams)
Posted by Darshana V. Nadkarni, Ph.D. in Gujarati: Fiction-Poems-Essays-Events on March 14, 2020
આજે એક ફિલ્મ ની વાત કરીએ. અલંકૃતા શ્રીવાસ્તવ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ, “લિપસ્ટિક અંડર માય બુરખા” માં ચાર સ્ત્રીઓની વાત કહેવામાં આવી છે. રિહાના ઘરે બુરખામાં બંધ હોય છે અને તેની મા ને લોકોના બુરખા સીવડાવવામાં મદદ કરે છે. પરંતુ ઘરની બહાર નીકળતાંજ બુરખો બેગ માં નાખી અને જીન્સ પહેરીને લેડ ઝેપલિન ના ગીતા ગણગણે છે. શીરીન પતિ ના હાથે માર ખાય છે પણ પતિ કામ ઉપર જાય તે દરમ્યાન સેલ્સ ગર્લ નું કામ કરીને જોરદાર પૈસા બનાવે છે. બ્યુટીશ્યન નું કામ કરતી લીલા સંભોગ માં શાંતિ મેળવે છે અને દિલ નું દર્દ દૂર કરે છે. અને મોટી વયની ઉષા ને એક બુઆજી તરીકે ઘરે ખુબ માન મળે છે પણ રાત ના એકાંત માં તે પુરુષ સ્પર્શ માટે ઝંખે છે અને છુપી રીતે ફોન માં વાતો કરીને ફોન સંભોગ કરે છે.
આ ચાર મહિલાઓ, વાસ્તવિકતા અને સપના વચ્ચેની પાતળી રેખા ઉપર જીવે છે. અસહ્ય જીવન અને સામાજિક પ્રતિબંધો વચ્ચે રહીને પણ આવનાર ભવિષ્ય આજ કરતા સુંદર હશે તેવી કલ્પના દ્વારા, સપના સજીવન રાખીને, સપના ના સંગાથે, આનંદ ની પળ ની અનુભૂતિ તેઓ કરી લ્યે છે.
માર્ટિન લુથરે કહેલું કે આપણે મર્યાદિત નિરાશા સ્વીકારવી જોઈએ અને સ્વીકારવી પડે છે પરંતુ જીવનમાં આશા ક્યારેય ગુમાવવી જોઈએ નહીં। અને તેજ આશાના બળે આ દેશ માટેનું તેમનું સપનું સાકાર થયું.
સપના એટલે આશા.
દ્રષ્ટિકોણ 102: એન્ટિબાયોટિક દવાની મહત્વપૂર્ણ શોધ અને તેનો ગેરઉપયોગ
Posted by Darshana V. Nadkarni, Ph.D. in Gujarati: Fiction-Poems-Essays-Events on February 1, 2020
મિત્રો, શનિવારે પ્રકાશિત થતી દ્રષ્ટિકોણ કોલમ ઉપર હું દર્શના વારિયા નાડકર્ણી તમોને આવકારું છું. અત્યારે કોરોનાવાઈરસ ખુબ ચર્ચાઈ રહ્યું છે ત્યારે આપણે એન્ટિબાયોટિક દવા ઉપર થોડી ચર્ચા કરીએ। સૌથી પહેલા તો એ કે કોઈ પણ વાઇરસ ઉપર એન્ટિબાયોટિક દવા કામ કરતી નથી. એન્ટિબાયોટિક દવા માત્ર બેકટેરિયા ઉપર કામ કરે છે. તેથી જ એન્ટિબાયોટિક્સ ને એન્ટિબેકટીરિઅલ તરીકે પણ ઓળખાય છે કેમ કે તે ખાસ બેકટીરિયા ઉપર કામ કરે છે. આ શક્તિશાળી દવાઓ શરીર ના ખરાબ બેકટીરિયા નો નાશ કરે છે અને બેકટીરિયા દ્વારા શરીર માં થતા રોગો ઉપર કાબુ લાવે છે. વાઇરસ થી થતા રોગો (જેમકે શરદી, ઘણી જાતની ઉધરસ અને ફલૂ) ઉપર એન્ટિબાયોટિક્સ કામ નથી કરતી।
એલેક્ષાંડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે પહેલ વહેલી પેનિસિલિન નામના એન્ટિબાયોટિક ની શોધ 1928 માં કરી. દાક્તરી ભણ્યા પછી સ્ટેફીલોકોક્સ નામના બેકટીરિયા ઉપર કામ કરતા ફ્લેમિંગે નોંધ કરી કે એક વાર કોઈક ફૂગ વળવાથી પેટ્રી ડીશ માં ના બેકટીરિયા નો નાશ થયો. બીજા કોઈ હોય તો કામ બગડી ગયા નો અફસોસ કરે અને વધુ સાફ કરીને કામ શરુ કરે. પણ ફ્લેમિંગે આ ફૂગ બીજા બેકટીરિયા ની ડીશ ઉપર લગાડી અને તેમાં પણ બેકટીરિયા નો નાશ થયો. તેણે ત્યાર બાદ કરેલું કે બીજા દિવસે તે ઉઠ્યા ત્યારે તેણે એમ તો વિચારેલ જ નહિ કે બેકટીરિયા જે શરીર માટે કાતિલ બને છે તેને નાશ કરવાની દવાની તે શોધ તે ખુદ કરશે. પણ થયું તેવું જ. તેણે આ ફૂગ ને નામ આપ્યું પેનિસિલિન જીનસ।
બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ફ્લેમિંગ ના વિદ્યાર્થીઓ એ આ દવાનું સામુહિક ઉત્પાદન શરુ કર્યું। અને 1945 માં ફ્લેમિંગ ને આ શોધ માટે નોબેલ પ્રાઈઝ આપવામાં આવી. ટાઈમ મેગેઝીને તેને 20મી સદીના સૌથી મહત્વપૂર્ણ માણસ નું બિરુદ આપ્યું અને તેને 30 હોનારરી ડિગ્રીઓ અને કેટલાય ઇનામો આપવામાં આવ્યા છે. તે પછી તો બીજા ઘણા વૈજ્ઞાનિકોએ બીજા ઘણા એન્ટિબાયોટિક્સ જે જુદા જુદા બેકટીરિયા ઉપર અસર કરે છે તેની શોધ કરી છે.
હું નાની હતી ત્યારે મને ઘણી વખત ગળા માં દુખાવો થતો અને ડોક્ટર એન્ટિબાયોટિક નું પ્રિસ્ક્રિપશન આપતા. તે વિષે વધુ વાતો કરતા પહેલા કહીશ કે, એન્ટિબાયોટિક ની શોધ થતા પહેલા તેવા નાના નાના રોગ માં કેટલાયે બાળકો નાની ઉમર માં જ ખલાસ થઇ જતા. 20મી સદી ની શરૂઆત પહેલા ચેપી રોગો બાળકોના અને વૃધ્ધોના મૃત્યુ માટે જવાબદાર ગણાતા। સરેરાશ આયુષ્ય તે સમયે 47 આસપાસ હતું અને વધુ ગંદકી વાળી રહેવાની જગ્યાઓમાં ખુબજ ઓછું સરેરાશ આયુષ્ય હતું। પરંતુ ફ્લેમિંગ ના સંશોધન પછી તે વાસ્તવિકતા બદલાય ગઈ. ધીમે ધીમે અમેરિકા જેવા દેશોમાં સરેરાશ આયુષ્ય 80 ને પહોંચવા આવ્યું અને ચેપી રોગોથી મરવાને બદલે બિન ચેપી રોગો દ્વારા મૃત્યુ થવાનો દર વધી ગયો.
મેં આગળ કહ્યું તે પ્રમાણે હું સમજી ગઈ હતી કે મને ગાળામાં દુખાવો થાય ત્યારે મને એન્ટિબાયોટિક લેવાની જરૂર પડે છે. તે પછી તો મેં ડોક્ટર પાસે જવાનુંજ છોડી દીધું। ઘરમાં મારી મમ્મીને પણ કહેતી નહિ. ગાળામાં દુખે એટલે નીચે ચાલીને હું એન્ટિબાયોટિક ની બે ચાર ગોળી લઇ લેતી અને સારું લાગે એટલે લેવાનું બંધ. અજ્ઞાનતા માં રહીને આ રીતે એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ વધારીને મેં મારા શરીરને જ અતિશય નુકશાન નથી પહોચાડ્યું પરંતુ તે સાથે સાથે દુનિયાભર માં નુકશાન કર્યું છે અને ઘણા લોકોએ અજ્ઞાનતામાં રહીને જે રીતે આવા શક્તિશાળી એન્ટિબાયોટિક્સ નો ગેર ઉપયોગ કર્યો છે તેથી દુનિયાભરમાં મોટી સમસ્યા ઉપસ્થિત થઇ રહી છે. તે એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ વિષે અને સેપ્સિસ વિષે આવતા અઠવાડિયાઓ માં વધુ વાતો કરીશું।
મારો બ્લોગ ગમે તો 3200 વ્યક્તિઓ જોડે તમે પણ ફોલો કરી શકો છો અથવા બ્લોગ ની નીચે લાઈક નું બટન પ્રેસ કરો અથવા બ્લોગ ની ઉપર 5 સ્ટાર લાઈટ થયા પછી પ્રેસ કરીને બ્લોગ ને 5 સ્ટાર રેટિંગ આપી શકો છો. તમારી કોમેન્ટ પણ જરૂર મુકશો. હું બધીજ કોમેન્ટ્સ ખુશી થી વાંચું છું.
Reader Comments