Posts Tagged #Gujarati

નાટો શું છે, શા માટે જરૂરી સંસ્થા બની રહી છે – NATO in #Gujarati


મેં ભારતમાં થોડા લોકો સાથે વાત કરી અને એવું લાગ્યું કે તેઓ યુક્રેન પર રશિયાના આક્રમણ માટે નાટોના વિસ્તરણને દોષી ઠેરવે છે. નાટોના વિસ્તરણને દોષિત ઠેરવતા પહેલા નાટો વિષે માહિતી જાણવી અગત્યની છે. 

ઉત્તર એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO) ની રચના, બીજા વિશ્વ યુદ્ધ પછી થયેલ. અને મારા મત અનુસાર સમગ્ર માનવતા માટે એક વિશિષ્ટ ઘટના બની. અલબત્ત તેને લીધે અમુક રાષ્ટ્રો માટે ફાયદા અને બીજા માટે ગેરફાયદા હોય શકે પરંતુ સમગ્ર માનવતા માટે, ઘાતક બીજા વિશ્વયુદ્ધ પછી મૂળ 12 સભ્યો સાથે શરુ થઇને હવે 30 સુધી વિસ્તૃત થનાર નાટો, માનવતા માટે સૌથી વધુ ફાયદાકારક પરિણામ છે.  શા માટે?

નાટોમાં જોડાતા સભ્યો શપથ લે છે કે “કોઈપણ એક સભ્ય રાષ્ટ્ર સામેના હુમલાને બધા સામે હુમલો માનવામાં આવે છે” અને બધા સભ્યો “એકમેકના સંરક્ષણ માટે પ્રતિજ્ઞાબદ્ધ છે”. તેવા સામુહિક સરંક્ષણને લીધે સભ્ય રાષ્ટ્રોને પોતાના સ્વરક્ષણ માટે શસ્ત્રો એકઠા કરવા પડતા નથી. અને માનવતા માટે ઓછી સંખ્યામાં શસ્ત્રો અને ખાસ કરીને પરમાણુકૃત શસ્ત્રો દુનિયામાં રહે તેનાથી વિશેષ કોઈ વિશેષ ઘટના નથી. અને છતાં પર્યાવરણ માટે આપણે તેવું કોઈ જબ્બરજસ્ત સામુહિક કામ કરી શકીશું તો તે ફરી એક વિશેષ ઘટના બની રહેશે. તેથી શસ્ત્રોને બનાવવા, ખરીદવા, તેને સુરક્ષિત રાખવા, જૂના થઇ જાય ત્યારે તેમનું સમારકામ કરવું, જુના શસ્ત્રોને તોડીને નવા વસાવવા, આમ શસ્ત્રોની જાળવણી, સંગ્રહ, સમારકામ વગેરેમાંથી સભ્ય રાષ્ટ્રોને રાહત મળે છે. સભ્ય રાષ્ટ્રો આ રીતે શસ્ત્રો અને દારૂગોળાના ભંડારને ઘટાડી શકે છે, તેથી તેમના સંસાધનો શિક્ષણ જેવા વધુ માનવીય હેતુઓ માટે વાપરી શકાય છે. જો સભ્ય રાષ્ટ્રોએ નાટોની છત્રછાયા હેઠળ, રાહતની લાગણી અનુભવી ન હોત તો તે રાષ્ટ્રો તેઓ પરમાણુ શસ્ત્રો ઉત્પન્ન કરવામાં લાગેલ હોત. ઘણા વિદ્ધાનો માને છે કે જો નાટો ન હોત તો યુરોપ સંપૂર્ણ રીતે પરમાણુકૃત બની ગયું હોત. તેથી નાટો વિશ્વમાં પરમાણુ શસ્ત્રોના વધુ નિર્માણ માટે અવરોધક બની રહ્યું છે.

નાટોના સભ્યોનો ઉદ્દેશ કટોકટી દરમિયાન એકસાથે ઊભા રહેવાનો અને કોઈપણ અને તમામ બાહ્ય જોખમોથી સ્વતંત્રતા અને લોકશાહીનું રક્ષણ કરવાનો છે. 2001 દરમિયાન જ્યારે અમેરિકા ઉપર આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે નાટોના સભ્યો આ સંધિને કારણે અમેરિકન સરકારની પડખે ઉભા હતા. એ જ રીતે 1990 ના દાયકામાં બોસ્નિયા અને કોસોવોમાં ત્યાં થઈ રહેલા સંઘર્ષોને રોકવા માટે, નાટોના દળો ત્યાં ગયા અને અફઘાનિસ્તાનમાં આતંકવાદી સંગઠનોને પગપેસારો કરતા અટકાવવા સાથે મળીને કામ કર્યું. નાટોના સભ્યો એ જ રીતે સાયબર ધમકીઓનો સામનો કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે અને હોર્ન ઑફ આફ્રિકાની આસપાસ ચાંચિયાગીરી થાય છે તેનો સાથે મળીને સામનો કરી રહ્યા છે. તે રીતે નાટો માત્ર લડાઇ સંબંધિત મુદ્દાઓ જ નહિ પરંતુ રેફયુજીસ ની મદદ, સાયબર ધમકીઓ, આતંકવાદીઓ ઉપર નજર રાખવામાં અને તેવા અન્ય વૈશ્વિક જોખમો સામે સાથે મળીને કામ કરે છે.

જો કોઈને આશ્ચર્ય થાય કે શા માટે આપણને એક સંસ્થાની જરૂર છે અને વિશ્વ શા માટે એકસાથે મળીને કેમ ન કરી શકે તો તે વાજબી પ્રશ્ન છે. નાટો હેઠળ સહકારનું નેટવર્ક એક માળખા હેઠળ તૈયાર હોય છે. સભ્ય રાષ્ટ્રને મદદ કરવા માટે, ક્ષણભરની સૂચના સાથે કાર્ય હાથ ધરી શકે છે, પછી તે યુદ્ધનો ખતરો હોય કે સાયબર ખતરો. આ માળખું હોવાને લીધે તુરંત જ એકત્રીકરણ અને પ્રતિસાદ આપવા માટે લોજિસ્ટિક્સ, સંકલન અને ખર્ચની વહેંચણીની ખાતરી સભ્યોને હોય છે. યુરોપિયન એટલાન્ટિક ક્ષેત્રમાં કોઈપણ દેશ નાટોમાં જોડાઈ શકે છે. સભ્ય રાષ્ટ્ર તેના જીડીપીના 2% પૈસા સામુહિક સંરક્ષણ માટે ફાળે તેવી અપેક્ષા છે. અને ક્યારેક તે તકરારનો મુદ્દો પણ બને છે કે દરેક રાષ્ટ્ર તેમના વાજબી હિસ્સાનું યોગદાન આપતા નથી અને અમેરિકા નાટો માટે મોટા ભાગનું યોગદાન આપે છે. ક્યારેક અમેરિકા નાટોના સભ્યો સમક્ષ તેમના ભાગનું યોગદાન આપવા માટે ફરિયાદ પણ કરે છે.  ટ્રમ્પના પ્રમુખપદ દરમિયાન આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેણે નાટોને તોડી પાડવાની ધમકી આપી હતી. જો કે, અન્ય પ્રમુખોએ સમયાંતરે અવલોકન કર્યું છે કે નાટો એક ફાયદાકારક સંસ્થા છે. ક્યારેક અન્ય કેટલાક રાષ્ટ્રો તેમના જીડીપીના 2% કરતા પણ ઓછો ફાળો આપે છે કારણકે તેઓ સમૃદ્ધ નથી અને તેમની પાસે પુરા સંસાધનો નથી. અને છતાં સામુહિક સરંક્ષને કારણે તેમને સમય આવ્યે મદદ મળવાની ખાતરી છે. 

હા, હું સ્વીકારું છું કે રશિયાના વડાપ્રધાન પુટિન માટે નાટોનું વિસ્તરણ ચિંતાનું કારણ હોય શકે. પરંતુ નાટોને અને પુટિન ના વગર કારણે કરેલા આક્રમણ ને સમાન માપદંડથી ન માપી શકાય અને એક સમાન દોષિત ન ઠરાવી શકાય. બંનેના મૂળભૂત રીતે અલગ રહેલા સ્વભાવને આપણે સમજવા જોઈએ. પુટિન એક ફાશીવાદી છે અને તેણે અવારનવાર ઉશ્કેરણી વગરના હુમલાઓ કર્યા છે અને લાખો લોકોને માર્યા છે; અગાઉ જ્યોર્જિયા અને ક્રિમીઆમાં અને હવે યુક્રેનમાં. તે અરાજકતા દ્વારા વિકાસ કરવા અને યુ.એસ.એસ.આર.ના મોટા ભાગને શક્ય તેટલી વિશાળ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરવા ઈચ્છે છે. પરંતુ નાટો એક એવી સંસ્થા છે જે સજીવ રીતે વધે છે અને વિશ્વમાં શસ્ત્રો અને ખાસ કરીને પરમાણુ શસ્ત્રો અસંખ્ય રીતે ન વધે અને છતાં રાષ્ટ્રોને સામુહિક સંરક્ષણ મળી રહે તે ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. 

આ બધું જાણ્યા પછી હવે તમે નાટોને આ ફાશીવાદી પુટિન જેટલા દોષિત માનશો?

,

Leave a comment

Gangubai Review in Gujarati: ગંગુબાઈ કાઠિયાવાડી ચલચિત્રની સમીક્ષા


 હુસૈન ઝૈદી ના પુસ્તક માફિયા ક્વિન્સ ના એક પ્રકરણ ઉપર બનેલી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી મુંબઈના કમાટીપુરા વિસ્તારમાં વસેલી ગંગુબાઈ કોઠેવાલી અથવા ત્યાર પહેલા ગંગા હરજીવનદાસ ના નામે કાઠિયાવાડમાં જન્મેલી બાઈની જીવનકથા ઉપર આધારિત છે. આ ફિલ્મ બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માં ફેબ્રુઆરીમાં રિલીઝ થયેલી અને તાજેતરમાં તે થિએટરમાં રિલીઝ થઇ છે. આ ફિલ્મના પ્રોડ્યૂસર છે સંજય લીલા ભણસાલી અને જયંતીલાલ ગદ્દા અને તેના ડિરેક્ટર  છે સંજય લીલા ભણસાલી. 

ગંગા હરજીવનદાસ નો જન્મ સાન 1938માં કાઠિયાવાડ માં થયેલ અને ત્યાર બાદ આશરે 16 વર્ષની ઉંમરે તે રમણીક નામના છોકરાના પ્રેમમાં પડી. કુટુંબની મરજી તેમના વિરુદ્ધ રમણીક અને ગંગાએ મંદિરમાં લગ્ન કરીને મુંબઈ તરફ પ્રયાણ કર્યું. 16 વર્ષની પ્રેમમાં ઘેલી ગંગા મોટા શહેરની જાહોજલાલી વચ્ચે પોતાનું ઘર વસાવવાના સપના સેવતી રમણીક જોડે મુંબઈ આવી ત્યાર બાદ રમણીક તેને શીલા નામની યુવતીને ત્યાં કમાટીપુરા લઇ આવ્યો. તેણે “આ મારી માસી છે” કહીને ગંગાની ઓળખાણ કરાવી અને ત્યાં ગંગાને બે દિવસ રહેવાનું કહીને તે ચાલ્યો ગયો. અને ત્યારે ગંગાના જીવનનો માર્ગ બદલાઈ ગયો. માત્ર રૂપિયા 500માં લલચાઈને રમણીકે ગંગાને વૈશ્યાવૃત્તિના માર્ગે ધકેલી દીધી હતી. ખુબ માર સહન કર્યા બાદ ગંગાની સમાજમાં આવ્યું કે હવે તેને આ માર્ગ અપનાવ્યા સિવાય છૂટકો નહોતો. 

ગંગા આખરે ગંગુબાઈ બની અને સમય વીતતા તે એક શક્તિશાળી મહિલા અને મોટા વેશ્યાલયની માલિક બની. એવા સમયે જ્યારે નારીવાદનો ક્યાંય ઉલ્લેખ પણ નહોતો થતો ત્યારે ગંગુબાઈ વૈશ્યાવૃત્તિના માર્ગે ધકેલવામાં આવતી મહિલાઓ માટે શક્તિનો આધારસ્થંભ બની અને તેણીએ વૈશ્યાઓ સમાજ માં માથું ઊંચું રાખીને જીવી શકે અને તેમના વ્યવસાયને કાયદેસર બનાવવામાં આવે તેમજ તેમના બાળકોને સમાનતા માટે તકો અને ભણવાની સુવિધા મળે તે માટે ચળવળ શરુ કરી.  આલિયા ભટ્ટે આ ફિલ્મ માં ખુબજ સુંદર અભિનય કર્યો છે. બાયોપિકમાં અભિનય કરતી વખતે, અભિનેત્રી પાત્રના જીવનમાં બનેલી ઘટનાઓની વાર્તાથી પરિચિત તો હોય છે. પરંતુ તે પાત્ર જિંદગીમાં વિકસે ત્યારે તેની લાગણીઓ, ભાવનાઓ ને ધ્યાન માં રાખી તેને જીવંત સ્વરૂપ આપીને તે પાત્રને વિકસાવવું જટિલ કાર્ય છે અને આલિયા એ તે ખુબ સુંદર રીતે કર્યું છે. 

ગંગુબાઈ ખુબજ શક્તિશાળી વક્તા હતા અને તેમના એક એક અર્થસભર વાક્યને આલિયાએ યાદગાર રીતે વાચા આપી છે. 

સ્થાનિક ચૂંટણીઓમાં તેની સ્પર્ધકને પડકારતી વખતે, પોતાની સંભવિત જીત વિશે કોઈ શંકા વિના, ગંગુબાઈ કહે છે, “ज़मीन पे बैठी बहोत अच्छी लग रही है तू, आदत दालले, क्यों की तेरी कुर्सी तो गयी”.

તેની નીચે કામ કરતી વૈશ્યા છોકરીઓને ઉશ્કેરતી વખતે તે કહે છે, “इज्जत से जीनेका, किसीसे डरनेका नहीं, ना पोलिस से, ना मंत्री से, ना MLA से, ना भड़वो से, किसी के बाप से नहीं डरने का”.

ભણસાલીએ કહ્યું હતું કે કપરા સમયમાં ખુબજ કપરી પરિસ્થિતિમાંથી પોતાનો રસ્તો કરીને બીજી સ્ત્રીઓમાટે રસ્તો કાઢતી આ મહિલા ની પોતાના હક અને ગૌરવ માટેની લડાઈએ મને આ કહાની સજીવન કરવા માટે આકર્ષિત કર્યો”. પણ ત્યાર બાદ તેમનો પડકાર તેમના કલાકારોમાંથી તે વાત સજીવન કરવા માટેનો હતો. ભણસાલી કેવા જબરજસ્ત અને તેજસ્વી દિગ્દર્શક છે તેનો ખ્યાલ આપણને તુરંત આવી જાય છે. દરેક ઘટના અને દ્રશ્ય ભાવનાત્મક અને દૃષ્ટિની રીતે સમૃદ્ધ અને અર્થપૂર્ણ છે. જ્યારે ગંગુબાઈને તેમના પ્રેમીને  મળે છે, ત્યારે તે પહેલા શંકાસ્પદ રહે છે અને તેનો પ્રેમી તેની સીમાઓનું સન્માન કરે છે કે નહિ તે જાણવા માટે તેની કસોટી કરે છે. અને પછી અચાનક ગંગુબાઈ તેના પ્રેમીના ખભા પર માથું ઢાળે છે અને તે ક્ષણે પુરુષો પ્રત્યે શંકા અને વિશ્વાસઘાતનો ભાર જે તેણીએ તેના ખભા ઉપર વર્ષોથી વહન કર્યો હતો તે ઓગળી જાય છે. તેમજ આલિયા નું ગરબા નૃત્ય ગંગુબાઈને તેના કાઠીયાવાડી મૂળ સાથે તેમજ તેના વર્તમાન સાથે જોડે છે જાણે કે ગંગુબાઈમાં સાક્ષાત દેવી અંબામા પધાર્યા હોય.  હુમા કુરેશીનો આઇટમ નંબર પણ લાજવાબ છે. અંડરવર્લ્ડ ડોન તરીકે અજય દેવગણ અને વેશ્યાલય મેડમ તરીકે સીમા પાહવા ખુબ સુંદર અભિનય આપે છે. આ ચલચિત્ર ને યાદગાર બનાવવાનો જશ તો આલિયા ભટ્ટ ના ઉત્કૃષ્ટ અભિનયને જ જાય છે અને ચલચિત્રના અંતમાં તે જે અદ્ભુત અને શાનદાર છટા થી ભાષણ આપે છે તેમાં ગંગુબાઈના શક્તિશાળી શબ્દોની સામગ્રી સાથે આલિયા ભટ્ટની  સર્જનાત્મકતા નો સમન્વય પરિપૂર્ણ થાય છે. 

શાનદાર છટા સાથે ગંગુબાઈ કહે છે “लिख देना कल के अखबारमे, के आज़ाद मैदानमे भासन देते वख्त, गंगूबाईने आँखे झुकाकर नहीं, आँखे मिलाकर हक़ की बात की है भाई”.

વાહ ગંગુબાઈ, વાહ આલિયા ભટ્ટ, વાહ દિગ્દર્શક સંજય લીલા ભણસાલી – શું આલીશાન, યાદગાર ફિલ્મ બની છે – જોવનું ચુકતા નહિ!!

, , ,

Leave a comment

%d bloggers like this: