Posts Tagged Gujarat Day
ગુજરાત ગૌરવ દિવસ (Gujarat Day, 2017) સમારંભ
Posted by Darshana V. Nadkarni, Ph.D. in Gujarati: Fiction-Poems-Essays-Events on May 20, 2017
બે એરિયા ગુજરાતી નોર્ધર્ન કેલિફોર્નિયા દ્વારા, હર વર્ષ ની જેમ હમણાં ગુજરાત ગૌરવ દિવસ સમારંભ ઉજવાયો. ગુજરાત દિવસ કાર્યક્રમ માં દર વર્ષે પ્રજ્ઞાબેન દાદભાવાલા ઉત્તમ કાર્યક્રમ દ્વારા ગુજરાતની ધરોહર ને હેમ ખેમ રાખીને ગુજરાતી રંગભૂમિ, સાહિત્ય અને સંગીત ના વારસાને ધબકતો રાખે છે.
બે એરિયા ના જ લેખિકા પૂજ્ય સ્વ મેઘલતાબેન મહેતા દ્વારા લખાયેલ સંગીત અને નાટિકા ને બે એરિયા ના કલાકારોએ જીવંત કરીને તેમના વારસાને માત્ર અમર નહિ કર્યો પણ ત્રણ ત્રણ પેઢીઓને સમારંભ માં વણીને કાર્યક્રમના આયોજક પ્રજ્ઞાબેન અને તેમના સાથીઓએ ગુજરાતની ધરોહર ને ગુજરાતતિ છેટે બે એરિયા માં પણ સાચવી લીધી છે. કાર્યક્રમ ની શરૂઆત માં બે એરિયા ના બાળકોએ મેઘલતા બેન ની લખેલી એક સુંદર રચના પ્રસ્તુત કરીને પ્રેક્ષકો ના દિલ જીતી લીધા. જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા મેઘલતા બેન કાનુડા હારે થપ્પો રમે તેને સંગીત માં ઉતારે તેમની દીકરી અને જમાઈ, માધવીબેન અને અસીમભાઇ મેહતા ને તે ગીત ને તેમની ત્રીજી પેઢી બીજા અન્ય બાળકો જોડે, મજાની છટા થી પીરસે તો બોલો કેવો સચવાય છે બે એરિયા મા ગુજરાત ની સંસ્કૃતિ અને સાહિત્ય/ સંગીત નો વારસો ?
હું તો થપ્પો રામુ મારા કાનુડા ની સાથ
પછી પકડી પાડું એનો પકડીને હાથ

ગુજરાત ની ઓળખાણ એટલે ઉત્સવોની ઉજવણી। તેમાં હોળીના રંગબેરંગી રંગો થી લઈને દિવાળી ના જગમગ પ્રગટતા દીવડા સુધીના બધા ઉત્સવો આવી જાય. મેઘલતા બેન લિખિત કાના અને રાધાની મસ્તીને હોળીના રંગે રંગી લીધી તે ગીત પ્રસ્તુત થયું ને પ્રેક્ષકો ના દિલ પ્રેમની પિચકારી થી ભીંજાય ગયા.
રાધા સંગ ખેલે હોરી, કાના રાધા સંગ ખેલે હોરી
હંસત હંસત દેખો, કરે રે ઠીઠોરી
હિના બેન દેસાઈ અને તેમની દીકરી રિના દેશાઇ શાહ ના દિગ્દર્શન હેઠળ સહિયર ડાન્સ ટ્રુપ દ્વારા પ્રસ્તુત થયું અતિ સુંદર દીવડા ન્રત્ય અને દિવાળી ની ઝગમગ ચારે કોર પ્રસરી ગઈ.
પણ અવસર કઈ બહાર જ નથી થતા. ઉજવણી તો મન ની આશા માં ઉગે છે. અનિલભાઈ ચાવડા ની સુંદર ગઝલ પ્રસ્તુત થઇ. આની ખાસ વાત એ છે કે બે એરિયા ના લગભગ 27 જેટલા કલાકારોએ સાથે મળીને ગીત ને પ્રસ્તુત કર્યું. આટલા ઉચ્ચ કોટિના કલાકારો પોતાનો અહંકાર ઓગાળીને સહકલાને આગળ વધારે ત્યારે તેમની કલા ઔર ખીલે છે અને શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ જ સર્જનાત્મક સ્વરૂપ ધારણ કરે છે તે સાબિત થઇ ગયું.
મંદમંદ આ મહેક ઉઠી છે ચાલો રસભર થઈએ
એકમેકના મનમાં એવો સુંદર અવસર થઈએ
કોઈના સૂકા રસ્તા ઉપર ભીનો પગરવ થઈએ
એકમેકના મનમાં એવો સુંદર અવસર થઈએ
આ નિઃશુલ્ક સમારંભ ના અંત માં હતું શ્રીમતી રમાબેન પ્રતાપભાઈ પંડ્યા તરફથી સ્પોન્સર કરવામાં આવેલ સુંદર ગુજરાતી ભોજન. પણ તે પહેલા પ્રસ્તુત થઇ ભવાઈ. ગુજરાતી રંગભૂમિના પગલાં મંડાયા કાઠિવાડમાં પ્રચલિત નાટ્ય પ્રકાર ભવાઈ થી. રંગલો અને રંગલી વેશ ધારણ કરે અને ગામના પાદરે ભવાઈ જોવા ગામ ભેગું થાય. આવી ભવાઈ વિષે થોડું ઘણું સાંભળેલું પણ ક્યારેય ભવાઈ જોવાનો મોકો મળ્યો નતો. એવી ઉમદા ભવાઈ પ્રસ્તુત થઇ કે જાણે મારા જન્મ સ્થળ, ભાણવડ ગામ ના પાદરે હોવ તેવું લાગ્યું.
ખુબ ભવ્ય રીતે રંગલાએ પ્રેક્ષકો ને નિમંત્ર્યા
“એ નાના ને નાનીસા।..
ઓલા મોટા ને મોટીસા
પેલા જાડા ને હસતા ને
અમેરિકન સાહેબ ને અમેરિકી સલામ”
ઘડીક માં રંગલી રંગલા ને ગોતે: “રંગલા તું ક્યાં ગયો રંગલા? મને લાગે છે આ ભોળી છોકરીઓ પાંહે વાતોમાં ફસાઈ ગયો હશે. મને કેને હું કેવી લાગુ છું?” ને ઘડીક માં રંગલો ગોતે કે “ક્યાં ગઈ મારી રંગલી?”
એમાં વળી અમેરિકા જવાનું ભૂત વળગ્યું કે રગલી બને મેમ ને સપના જોવા લાગે ।
“ફરવા જોશે મની મની,
રંગલી બનશે પરી પરી
ડુ નોટ રંગલા વરી વરી”
પ્રેક્ષકો એ તો ખીલખીલાટ હસી હસીને ને આ જોરદાર કાર્યક્રમ ને વધાવ્યો. નરેન્દ્રભાઈ વ્યાસે માત્ર ભવાઈ માણી નથી પણ ભજવી પણ છે. શિવમ અને ખુશી વ્યાસે ગળથુથી માં મળેલ ગીત ના વારસા વડે સંગીત શોભાવ્યું। ખ્યાતિ બ્રહ્મભટ્ટે તેની છટાદાર શૈલી થી બે અલગ પાત્રો ભજવ્યા। તેનો ડાયલોગ તો હજી એ મગજ માં ઘૂમે છે “K એટલે કંસાર અને M એટલે મોહનથાળ, N એટલે નાનખટાઈ અને O એટલે તો??? ઓ માડી”. મૌનિક ધારિયાએ વિદુષક નું અને કલ્પનાબેન રઘુએ મોટી ઉંમરના માસી નું પાત્ર સુંદર ભજવ્યું. અને ખાસ તો રંગલા અને રંગલી ના પાત્ર માં નરેન્દ્રભાઈ શાહ અને પ્રજ્ઞાબેન દાદભાવાળાએ એવું જોરદાર પરફોર્મન્સ આપ્યું કે ભવાઈ નો રંગ નિખરી આવ્યો.
છેલ્લા દસેક વર્ષ થી ગુજરાત ગૌરવ દિવસ ની ઉજવણી અહીં થાય છે અને દરેક વર્ષે આગલા વર્ષથી અધિક સુંદર કાર્યક્રમ પ્રજ્ઞાબેન પ્રસ્તુત કરે છે. સુરેશમામા જેવા અગ્રણી ગુજરાતીઓનું નેતૃત્વ, પ્રજ્ઞાબેન ની કુશળતા અને એક છત્ર નીચે નાની મોટી ગુજરાતી સંસ્થાઓ, કલાકારો અને સાહિત્ય અને સંગીત પ્રેમીઓનું મળવું અને આટલો ઉમદા કાર્યક્રમ લોકો સુધી પહોંચાડવો તે આપણા વહાલા ગુજરાત નું ગૌરવ નહિ તો બીજું શું કહેવાય? આવતા વર્ષે આવવાનું ચુકતા નહિ — અત્યારથી જ આમન્ત્રણ આપી રાખું છું.
Reader Comments