Posts Tagged છત્રીઓ

અદમભાઈ ટંકારવીએ સજાવ્યો ગઝલોનો માહોલ – Poet Adam Tankarvi


IMG_20180928_202517447_BURST000_COVER_TOP.jpgવાહ વાહ. શ્રી પ્રતાપભાઈ પંડ્યા, મનીષાબેન પંડ્યા, પ્રજ્ઞાબેન દાદભાવાલા, શરીફભાઇ અને સપનાબેન વિજાપુરા વગેરે મહાનુભાવો અને ગુજરાતી ગઝલપ્રેમીઓના સૌજન્યથી સુંદર કાર્યક્રમ યોજવાયો અને પ્રખ્યાત ગઝલકાર શ્રી અદમભાઈ ટંકારવી ને માણવાનો મોકો મળ્યો તે માટે સૌનો ખુબ ખુબ આભાર. થોડાજ સમય પહેલા કવિશ્રી અનિલભાઈ ચાવડા અને મુકેશભાઈ જોશીનેIMG_20180916_154350310.jpg માણવાનો ખુબજ સુંદર મોકો મળ્યો. તે વખતે તો મને લખવાનો સમય ન મળ્યો। પણ એ હૃદય ની તૃપ્તિ કરાવે તેવો સુંદર કાર્યક્રમ યોજવા માટે જયશ્રીબેન મરચન્ટ નો પણ ખુબ આભાર.  બેઠક અને પુસ્તક પરબ દ્વારા થતી પ્રવૃતિ,  અને તે ઉપરાંત અન્ય આયોજકો, પ્રાયોજકો અને આપણી ભાષાના ચાહકો, આપણી સુંદર માતૃભાષાને જીવંત જ નહિ પરંતુ ગતિમય રાખીને આપણી ભાષાની ધરોહર સાંચવી રહ્યા છે. આવી અવિસ્મરણીય હાસ્ય રમૂજ સાથે માણેલી ગઝલોની ગુંજાશ ક્યારેય ભુલાશે નહિ. અદમભાઈએ પ્રસ્તુત કરીયેલી થોડી ગઝલો અહીં મારા વાચકો માટે પ્રસ્તુત કરું છું.  તે પહેલા – એક જાહેરાત – મારા ગુજરાતી લેખો દર શનિવારે http://www.shabdonusarjan.wordpress.com બ્લોગ ઉપર “દ્રષ્ટિકોણ” ના શીર્ષક હેઠળ મળશે અને તેમાં વિવિધ વિષયો અને વિવિધ દ્રષ્ટિકોણથી વાત થાય છે. તે ઉપરાંત, યૂટ્યૂબ માં પણ મારા નામ હેઠળ મારા કાવ્યો અને વિવિધ વિષયો ઉપરનું ચિંતન જોવા મળશે. અને મારા આ બ્લોગ http://www.darshanavnadkarni.wordpress.com ઉપર તો હું લખતીજ રહું છું. 

સપનાબેન વિજાપુરાએ વિસરાય જતી માતૃભાષાને બિરદાવતી અદમભાઈ ની ગઝલ સાથે કવિશ્રીનો પરિચય આપ્યો અને કાર્યક્રમ ની સુંદર શરૂઆત કરી.

ગુર્જરી વ્યવહાર શોધું છું,
ધાણીફૂટ બોલનાર શોધું છું.
લખી છે ગુજરાતીમાં એક ગઝલ,
ને હવે વાંચનાર શોધું છું.
જડી છે એક લાવારીસ ભાષા,
હું એનો દાવેદાર શોધું છું.
જામ ભાષાનો છલોછલ છે’અદમ’,
સાથે બેસી પીનાર શોધું છું.

અદમભાઈએ મનોજ ખંડેરિયાની શબ્દો સાથેના કવિ ના પ્રેમ ના ગાઢ સબંધ ની વાત કરતી ગઝલ પેશ કરી.
રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા

પણ શબ્દોને હંમેશા બહાર થોડા શોધવા જવા પડે છે? એ તો અંતર ના સુખ, દુઃખ, વ્યથા, વેદના અને ઉમળકાને વાચા આપે છે. પણ શબ્દોનો ભરોસો કેવો? ક્યારેક કલમ પકડો અને હાથ આખેઆખો બળે અને ક્યારેક બહાર જે શોધવામાં આખી જિંદગી પસાર થાય એ પગની તળે હોય એમ પણ બને. અદમભાઈ એ શ્રી મનોજભાઈ ખંડેરિયા ની નીચેની ગઝલ પ્રસ્તુત કરી.

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને

જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને

એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?
એક પગ બીજા ને છળે એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને

તું ઢાળ ઢોળિયો : હું ગઝલનો દિવો કરું
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને

આમ જોઈએ તો કોક શબ્દોના બેસુમાર વરસાદ માં છબછબીયા રમે છે ને કોક બારીએ બેસીને માણે છે ગુજલીશ માં લખતા કવિ અદમભાઈએ આદિલ મન્સૂરી ની સુંદર કવિતા ની પંક્તિઓ સંભળાવી.

રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં !

એક તું છે કે તને કંઇ પણ નથી થાતી અસર,
ભેટવા દરિયાને ઊછળે છે નદી વરસાદમાં.

લાખ બચવાના કર્યા એણે પ્રયત્નો તે છતાં
છેવટે ‘આદિલ’ હવા પલળી ગઇ વરસાદમાં.

શબ્દોની મીઠાસ ખરેખરી માણવી હોય, તેની વેદના હૃદયસોંસરવી નીકળે તેવી નિકટતાથી જાણવી હોય અને મહોબત ને નજીકથી ઓળખવી હોય તો નજીક આવી ને કાન માં સાંભળવાનો મોકો લેવો જોઈએને? તો માણો રમેશભાઈ પારેખ ની સુંદર ગઝલ.

ઓણુકા વરસાદમાં બે ચીજ કોરી કટ,
એક અમે પોતે ને બીજો તારો વટ!
નેવા નીચે ઓસરી, આંખો નીચે ગાલ,
નખથી નક્ષત્રો સુધી જળ આંબ્યું આ સાલ.
વાવાઝોડું હોય તો કરીએ બંધ કમાડ,
આ તો ઘરમાં પાડતું જળનું ટીપું ધાડ.
નખ ઉગ્યા અંધારને, ભીંતે ઉગી દાઢ,
ઉપર મારે આંચકા અણિયાળો આષાઢ.
તારા વટને કચ્છની સૂડી સરખી ધાર,
અમે કમળની દાંડલી કરીએ શું તકરાર?
મીરાં કહે કે સાંવરા, વાગે વીજળી બહુ,
બીજું શું શું થાય તે આવ, કાનમાં કહું.

પણ એ વટ ને થોડો સંકોરીને નજદીક આવવાની તૈયારી રાખવી પડે ને? તો નીચે પ્રસ્તુત છે રાજેન્દ્ર શુક્લા ની મસ્ત ગઝલ.

લો કરું કોશિશ ને ફાવે તો કહું,
શબ્દ જો એને સમાવે તો કહું !

આપની નજરો જે ફરમાવી રહી,
એ ગઝલ જો યાદ આવે તો કહું !

શાંત જળમાં એક પણ લહરી નથી,
કોઇ થોડું ખળભળાવે તો કહું !

હું કદી ઊંચા સ્વરે બોલું નહીં,
એકદમ નજદીક આવે તો કહું !

કોઇને કહેવું નથી, એવું નથી,
સહેજ તૈયારી બતાવે તો કહું

જયશ્રીબેન મરચન્ટ ની સુંદર ગઝલ મૂળ માંથી છોડ ને ઉખેડીને ચાલ્યા ગયા સાંભળીને અશ્રુ ટપકી પડ્યા. જયશ્રીબેન બે એરિયાના પ્રિય કવિયત્રી છે. તેમના અનેક પુસ્તકો પ્રકાશિત થઇ ચુક્યા છે. તેમના હૃદયસોંસરવા કાવ્યોમાં ઘણી વખત ઊંડા દર્દ નો અહેસાસ થાય છે. જરૂર તેમના કાવ્યોનો તેમના પુસ્તકો અને ફેસબુક ઉપર લાવો લેજો.

જો કે એવું એ નથી કે પ્રેમમાં પડવું જોઈએ –

અદમભાઈએ સંભળાવી મુકુલ ચોકસીની સુંદર ગઝલ

એવું નથી કે પ્રેમમાં પડવું જોઈએ
પણ જો પડો તો બેઉને પરવરવું જોઈએ
જો વાયદો ન પાડવાના હો તો પછી
બહાનું યે સારું કાઢતા આવડવું જોઈએ

અદમભાઈએ કવિશ્રી નસીરુદ્દીનજી ની મજાની વાતો કરી. આમેય કવિ અને સાહિત્યકારોનું મગજ એવું હોય કે તે દરેક ઘટના ને સામાન્ય લોકો જોવે તેનાથી કૈક અલગ દ્રષ્ટિકોણ થી જોઈને તેનો મર્મ સમજવાનો પ્રયત્ન કરે. તેમાંય કવિઓ તો પાછો અર્થ કાઢે તેને ઓછા માં ઓછા શબ્દો માં દર્શાવવાનો પ્રયાસ કરે. કવિઓ માટે એક સુંદર વાક્ય મેં ક્યાંક વાંચેલું – કે તેઓ આનંદમાં શરૂઆત કરે અને ડહાપણ માં પતાવે. નસીરુદ્દીનજી ની અને તેવા બીજા કેટલાય કવિઓની વાતો અને ગઝલો અદમભાઈ પાસેથી સાંભળી કે લાગ્યું કે આ વાક્ય આપણા ગુજરાતી કવિઓને બંધબેસતું છે.
આપણે કોઈને દિલ આપીએ ત્યારે પાછું લેવાનો વિચાર કરતા નથી અને પાછું લઈને માપવાનો તો વિચાર આવ્યોજ ન હોય. અદમભાઈએ રમૂજ અને હાસ્ય સાથે
મનહર મોદી ની કાવ્યની પંક્તિઓ સંભળાવી.

દિલ તમોને આપતા આપી દીધું
પામતાં પાછું અમે માપી લીધું.
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં
ચોતરફથી કેટલું કાપી લીધું !

સપનાબેન વિજાપુરાએ તેમની સુંદર ગઝલ સંભળાવતા પ્રેક્ષકોને પડકાર કર્યો – આંસુને ખોળતા આવડે છે? તેમની ગઝલો અને કાવ્યો તેમના ફેસબુક ઉપર અને તેમના બ્લોગ ઉપર તેમજ પ્રતિલિપિ ઉપર અને અખબારોમાં આવે છે તો જરૂર માણજો।

અદમભાઈએ ખલિલ ધનતેરી ની, રઈસ મણિયાર ની ને એવા વિવિધ કવિઓની હાસ્ય અને રમૂજ ના કિસ્સાઓ સાથે ઘણી ઘણી ગઝલો સંભળાવી. એવો પીધો રમૂજ, ગઝલ અને કાવ્યોનો જામ કે દિલ જુમી ઉઠ્યું અને એવી દિલની લાગણીઓ તો ગઝલમાં જ દર્શાવાય ને? અદમભાઈની ટંકારવી ની ગઝલથી વિરમું છું.

તમને જોઈને મને જે થાય છે
બીજા શબ્દોમાં ગઝલ કહેવાય છે
તારા પરથી આ નજર ખસતી નથી
ને ખસે તો ત્યાંય તું દેખાય છે
આમ જો પૂછો તો તું સંદિગ્ધ છે
આમ તારો અર્થ પણ સમજાય છે
હુંય ક્યાં ક્યાં આવી શોધું છું તને
તુંય ક્યાં ક્યાં જઈ અને સંતાય છે ?
ના થવાનું હરપળે થાતું રહે
ને થવાનું ક્યાં કદીય થાય છે ?
લે, હવે ચૂપચાપ તું બેસી રહે
તું હવે ક્યાં પાંચમાં પૂછાય છે ?
થાય મારાથી શરુ પણ તે પછી
આ કથા તારા સુધી લબંાય છે
સૌની આંખોમાં આ એક જ પ્રશ્ન છે
અમને મૂકીને બધાં ક્યાં જાય

 

 

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

5 Comments