Posts Tagged માર્ક ટ્વેઇન ની સફર
દ્રષ્ટિકોણ 101: માર્ક ટ્વેઇન ની સફર
Posted by Darshana V. Nadkarni, Ph.D. in Gujarati: Fiction-Poems-Essays-Events on January 11, 2020
મહિનાના બીજા અથવા ત્રીજા શનિવારે આ કોલમ પ્રકાશિત થશે અને તેમાં જુદા જુદા વિષયો ઉપર અને વિવિધ દ્રષ્ટિકોણ થી વાતો થશે. તો આજે એક નવા વિષય ઉપર વાતો કરીએ. આ પહેલાના દ્રષ્ટિકોણ વિષય ઉપર મારા 51 લેખ શબ્દોનું સર્જન બ્લોગ ઉપર સમાપ્ત થયા છે. મારા અને બીજા અન્ય લેખકોના લેખ ત્યાં વાંચવા મળશે.
જીવન માં આપણે કૈંક ને કૈંક શોધતા હોઈએ છીએ. કોઈકને પ્રેમ ની શોધ હોય તો કોઈક નું જીવન પૈસા, નામના કે મોક્ષ મેળવવાની શોધ માં વીતે। તે પ્રમાણે હેન્રી મિલર ના કહેવા અનુસાર લેખન ને પણ એક શોધ ની સફર માની શકાય. ઉપરાંત મિલર કહે છે કે લેખક લખવાના કાર્ય માં એક માર્ગ અપનાવે છે પણ આખરે લેખક પોતે જ એક માર્ગ બની જાય છે. આ તેમણે લેખન ઉપર ખુબ જ વિચારવાલાયક અને ઉમદા વાત કહી છે.
આજે તેમણે કહેલ વાત ને લઈને એક ખુબ જાણીતા લેખક વિષે થોડી વાત કરવા માંગુ છું. માર્ક ટ્વેઇન અમેરિકા ના ખુબ મોટા લેખક અને તે ઉપરાંત પ્રકાશક, ઉદ્યોગ સાહસિક, વિનોદી, અને રમૂજ કરાવનાર વ્યક્તિ તરીકે જાણીતા છે. અલબત્ત, તેમના વિષે કહેવાયું છે કે તે આ દેશમાં સૌથી વધુ રમુજી વ્યક્તિ છે. વિલિયમ ફોકનર, જેમને લેખન માટે નોબેલ પ્રાઈઝ મળેલી છે તેમણે માર્ક ટ્વેઇન વિષે કહેલું કે ટ્વેઇન “અમેરિકન લેખન સાહિત્યના પિતા સમાન છે”.
આ દેશના ઉમદા નસીબ હતા કે ટ્વેઇન ને લેખન સાથે સફર નો પણ શોખ હતો. તેમણે થોડો સમય મિસિસિપી નદી ઉપર કામ કરવામાં વિતાવેલ। સેમ્યુઅલ ક્લેમેન્સ નામે જન્મેલ તેમણે તેમનું માર્ક ટ્વેઇન ઉપનામ આ નદી ઉપરજ અપનાવ્યું। માર્ક ટ્વેઇન ઉપનામ નો અર્થ છે કે જયારે બોટ 12 ફૂટ ઊંડા પાણી ઉપર હોય તે માર્ક ને માર્ક ટ્વેઇન કહેવાય છે અને તેટલી ઊંડાઈ બોટ માટે સુરક્ષિત ગણાય છે.
મિસિસિપી નદી મિનેસોટા થી નીકળીને 2320 માઈલ, અમેરિકા ના 10 સ્ટેટ માંથી વહીને અંતે ગલ્ફ ઓફ મેક્સિકો માં ઠલવાય છે. આ નદી ઉપર ટ્વેઈને બોટ ચલાવતા બારીકાઈથી નદીના કિનારે રહેતા લોકો અને તેમની રહેણીકહેણી નું નિરીક્ષણ કર્યું। તેમના વિચારોમાં પણ બદલાવ આવ્યો અને તેમના લેખન દ્વારા વાચકોને અમેરિકાની સાંસ્કૃતિક લેન્ડસ્કેપ વિષે જાણવા મળે છે.
ટ્વેઈને કહેલું કે “મુસાફરી પૂર્વગ્રહ માટે જીવલેણ છે”. તેનો મતલબ કે તમે સફર કરતા, વિવિધ લોકો ના સંપર્ક માં આવો અને તેમના વિષે જાણો અને સંબંધ કેળવો, તે સાથે સાથે તમારું દ્રષ્ટિકોણ પણ વિકસે છે અને કોઈજ પૂર્વગ્રહ ટકી શકતા નથી. ટ્વેઇન ના લખાણ માં નદી કિનારે વસતા અને નદી ઉપર કામ કરતા પાઇલોટ, ખેડૂતો, તેમની પત્નીઓ, જુગારીઓ, નેટિવ અમેરિકનો, બ્લેક અમેરિકનો, મોટા ઝાડ કાપનાર લમ્બરજેક્સ વગેરે નો ઉલ્લેખ છે અને તેમના જીવન વિષે જાણવા મળે છે.
સાલ 1985 માં ટ્વેઇન ની મશહૂર નવલકથા “ધ એડવેન્ચર્સ ઓફ હક્લબેરી ફિન” પ્રસિદ્ધ થઇ. ટુંકાણ માં ભૂમિકા કહું તો હક નામના છોકરા ઉપર દયા ખાઈને મિસ ડગ્લાસ તેને ઘરે લઇ ગઈ. હક ની મુલાકાત ત્યાં જિમ કરીને એક સ્લેવ (ગુલામ)સાથે થઇ. તે સમયે આ દેશમાં મોટા બદલાવ ની હવા ફૂંકાઈ રહી હતી અને બ્લેક અમેરિકનો આઝાદી મેળવવા માટે દક્ષિણ માંથી તેમના મલિક ને છોડીને ઉત્તર તરફ પ્રયાણ કરતા હતા. જીમે પણ તેની માલકણ બાઈને છોડીને ઉત્તર તરફ ભાગવાનો નિર્ણય કર્યો અને હક તે સફર માં જિમ સાથે જોડાયો। આ સફર માં હક અને જિમ વિખુટા પડી ગયા, ફરી મળ્યા અને તેઓએ સાહસ ખેડ્યાં અને વિરોધીઓનો સામનો કર્યો।
આમ જોઈએ તો આ એક બાળવાર્તા છે. પણ તેનું અર્થઘટન કરતા વિવેચકો કહે છે કે ટ્વેઈને પોતે તેમના જીવનકાળ દરમિયાન નિરીક્ષણ કરીને જોયેલ સમાજના વિવિધ પાસાઓ ને રમૂજી રીતે વણી લીધા છે. તેટલુંજ નહિ પણ વારંવાર હક ને સત્ય અને જૂઠ, આડંબર અને પ્રામાણિકતા જેવા સિદ્ધાંતો વચ્ચે થી પસાર થઇ ને પોતાનો માર્ગ કાઢવાનો હોય છે. જેમ કે એકવાર હક કહે છે “પપ્પા હંમેશાં કહેતા હતા કે જો તમે પાછી આપવાના હો તો શાંતિથી કોઈની વસ્તુઓ ઉધાર લઈએ છીએ તેમ માની ને લઇ લેવામાં કોઈ હાનિ નથી. પરંતુ માલકણ કહે છે કે કોઈને પૂછ્યા વિના કંઈપણ લેવું તે ચોરી કર્યા બરોબર જ છે”. ગરીબ અને અશિક્ષિત હક નું પાત્ર આ રીતે સફર કરતા અને જિંદગીના વિઘ્નોમાંથી પસાર થતા થતા ઘડાય છે અને વાસ્તવિક સફર સાથે આ તેના જીવનના સિદ્ધાંતો ની શોધ ની પણ સફર છે. આ લખાણ માં માર્ક ટ્વેઈને તેમની સફર, તેમણે મિસિસિપી નદી ઉપર માણેલ મોજ, અને નદીનું આબેહૂબ વર્ણન તો કર્યું જ છે. પણ સાથે સાથે આ લેખન માં તેમણે જીવન ના સિદ્ધાંતો જે જિંદગીને એક નિશ્ચિત દિશા બતાવે છે તેમને પણ અનોખી ખૂબી થી વણી લીધા છે.
હેન્રી મિલરે કહેલું કે – “કોઈ પણ સફર નું લક્ષ્ય એક સ્થાને પહોંચવાનું નથી હોતું પરંતુ સફર નું મહત્વ એક નવી દ્રષ્ટિ અપનાવવાનું હોય છે”. અને તેમના કહેવા અનુસાર લેખક માહિતી તો પીરસે જ છે પરંતુ ઘણીવાર તે માહિતીને નોલેજ અને વિઝડમ માં બદલાવવાની કોશિશ કરે છે. માર્ક ટ્વેઈને માહિતી સાથે અને રમૂજ સાથે અમેરિકાને ઘણું શાણપણ (વિઝડમ) આપ્યું છે.
Reader Comments