Posts Tagged પ્રજ્ઞાબેન દાદભાવાળા
Gujarati: Discussion with Poet Vinodbhai Joshi: વિનોદભાઈ જોશી સાથે વાતચીત
Posted by Darshana V. Nadkarni, Ph.D. in Gujarati: Fiction-Poems-Essays-Events on November 21, 2021
જિગીષાબેન અને પ્રજ્ઞાબેને કવિશ્રી વિનોદ જોશી જોડે સુંદર વાતચીત કરી, સુંદર સવાલ જવાબ કર્યા અને તેમની કૃતિઓને વધાવી તેનું લિંક છે https://www.youtube.com/watch?v=Yb_aFiyghB0 . સુંદર સરસ્વતી પ્રાર્થના જેમાં કવિ માત્ર કાગળનો એક ખૂણો અને અક્ષરના અજવાળા માંગે છે તેનાથી થી કાર્યક્રમની શરૂઆત થઇ. ભાષાના માધ્યમ ની પણ સીમા છે તે વિચાર એક માત્ર કવિ કે લેખક નું હૃદય જ કરી શકે. વિનોદભાઇએ સમજાવ્યું કે લેખક અથવા કવિએ તે પ્રયત્ન કરવાનો રહે છે કે ભાષા ને એ સ્વરૂપે વ્યક્ત કરવી કે તે શબ્દો દ્વારા તેમાંની વેદના કે હર્ષ બીજાના હૃદય સુધી પહોંચી શકે. તે વિશેના તેમના મનોમંથન નું તેમણે સુંદર આલેખન કર્યું. માનવી એકમેકથી દૂર વસતા હોય છતાં પણ ભાવ ઘણીવાર સમાન હોય છે અને જે વસ્તુ થી હર્ષ અથવા પીડા અનુભવે છે તે ઘણીવાર એક સમાન હોય છે. સર્જક જો એ ભાવ ને પકડી અને વ્યક્ત કરી શકે તો તે સનાતન તત્વ દરેક સાંભળનારાઓને સ્પર્શે છે.
વિનોદભાઇએ જે વાત મહાભારતમાં વ્યક્ત નથી થયેલી તેને કેવી રીતે તેમણે તેમની રચનામાં વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે તે વિષે વાત કરી. દ્રૌપદીને જે બોજ વેઠવામાં આવ્યો છે તે બોજ ને તેમણે બીજા કોઈ પાત્ર ના આધાર વગર એક સ્ત્રીના વ્યક્તિત્વને આધારે તેમની રચનામાં વ્યક્ત કર્યો છે. તેમની રચના ઉપર ઘણા નાટ્ય પ્રયોગ પણ થઇ ચુક્યા છે અને ગુજરાતીમાંથી બીજી ભારતીય ભાષાઓમાં પણ અનુવાદ થઇ ચુક્યા છે. જિગીષાબેને સરસ સવાલ કર્યો કે તે લખાણ ને કેવી રીતે અને ક્યારે ગોઠવામાં આવે તો તે ગાઈ શકાય તેમ લયબદ્ધ બને છે? કવિશ્રીએ સરસ રીતે સમજાવ્યું કે માત્ર વાક્યોમાં જ નહિ પણ દરેક શબ્દ માં પણ શક્તિ છે અને દરેક શબ્દ ની પસંદગી પણ મહત્વની છે. દરેક શબ્દમાં તેનું પોતાનું સંગીત છે. બોલવામાં પણ વ્યક્તિ લય બદલે છે અને તે રીતે તેમાં સાંભળનારનો રસ જાળવી રાખી શકે છે. સંગીત માં તાલ કૃત્રિમ છે, તે સુબદ્ધ છે. તાલ એ ટાઈમ મેનેજમેન્ટ નું કામ કરે છે. પરંતુ લય નૈસર્ગીક છે. લય અનિયંત્રિત છે; અનિયમિત છે. તેથીજ લય ની સમજ માત્ર તાલીમ લેવાથી નહિ પરંતુ નાનપણમાં ખુબ સંગીત સાંભળવાથી કેળવાય છે.
વિનોદભાઇએ તેમની સુંદર રચના હૈયાને દરબાર વિષે વાત કરી. તે રચના નીચે મુકેલી છે. તેમણે એ રીતે લય મૂકીને તે રચના દર્શાવી છે કે સીધી સાંભળનારના દિલને સ્પર્શી જાય છે.
હૈયાને દરબાર
આપી આપીને તમે પીંછું આપો સજન !
પાંખો આપો તો અમે આવીએ …
ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા
ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
અમે ઊંબરની કોર લાગી લાવ્યાં
આપી આપી ને તમે ટેકો આપો સજન !
નાતો આપો તો અમે આવીએ…
કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય
અને લેખણમાં બેઠી છે લૂ;
આંગળિયું ઓગળીને અટકળ થઈ જાય
અમે લખીએ તો લખીએ પણ શું ?
આપી આપીને તમે આંસું આપો સજન !
આંખો આપો તો અમે આવીએ ….
અમુક રચના તેઓ એ ગાતા ગાતા લખી છે અને લોકગીતો જોડે પણ તેમનું અનોખું બંધાણ છે તે તેમની રચના “હે જી મારુ ભણતર ભુલાવો મારા સાયબા, કાઢો મુને ઉછીની બારાખડીની બહાર રે” માં દેખાય છે. તેમણે ઢોર ચારવાનું અને ખેતીનું કામ પણ કરેલું છે અને કદાચ તેથીજ તેમની રચનાઓ, તીક્ષ્ણ દ્રષ્ટિ અને અનોખા શબ્દોના સહારે, આપણા દિલ ને ભાવવિભોર કરી નાખે છે.
જિગીષાબેને સુંદર પ્રશ્ન કર્યો કે એક સર્જક પોતાના સર્જન થી ક્યારે સંતુષ્ટ થાય છે? જોશી સાહેબે સમજાવ્યું કે ભાવ થી વધારે વ્યક્તિ પાસે કાંઈ નથી. પણ તેજ ભાવ ને શબ્દ માં વ્યક્ત કરવામાં આવે ત્યારે તે ભાવ સીમિત થઇ જાય છે અને સર્જક ને ક્યારેય પૂર્ણ સ્વરૂપે સંતુષ્ટિ મળતી નથી. તેમણે કહ્યું કે, હું રચના લખું ત્યારે મારી ઈચ્છા હોય છે કે મારો શબ્દ એવી પીડા કે એવો આનદં લઈને આવે કે મારા ભાવજ વાંચનારા કે સાંભળનાર સુધી પહોંચે, ભલે કદાચ શબ્દો તેને યાદ પણ ન રહે. શબ્દ નું કામ છે એક ટપાલીનું, ભાવ ને વાચક ના દિલ સુધી પહોંચાડવાનું અને હું તે ભાવ ને વ્યક્ત કરવાની મથામણ માં રાચું છું.
પ્રજ્ઞાબેને સુંદર નોંધ કરી કે જોશી સાહેબ તેમના શબ્દોને વહેતા મૂકી દ્યે છે પણ કોપી રાઈટ વગેરે કરીને અધિકાર જમાવતા નથી. કવિશ્રીએ સુંદર રીતે સમજાવ્યું કે, હું ભાષા લઈને જન્મ્યો નથી. હું હલનચલન અને ધ્વનિ લઈને જન્મ્યો છું. હું ધ્વનિ ને સંગીત દ્વારા વિકસાવી શકું કે હલનચલન ને નૃત્ય માં વિકસાવી શકું તે જ પૂરતું છે. તેમણે કહ્યું કે ભાષા મારુ કર્મ નથી. એ દેશ જ્યાં કાલિદાસ અને ટાગોર આવ્યા છે, તેમાં વિનોદભાઇ જોશી જેવા ઉચ્ચ સ્તરના કવિઓ અને લેખકો સાહિત્યિક પ્રવૃતિઓ દ્વારા ચાર ચાંદ લગાવે છે પરંતુ કોપીરાઈટ નો આગ્રહ રાખતા નથી તે પણ ભાષાપ્રેમીઓના નશીબ છે. જિગીષાબેને પ્રશ્ન કર્યો કે ક્યારેક તેઓ એવા અઘરા અથવા ખુબ વપરાશમાં ન હોય તેવા શબ્દો વાપરે છે તો સાથે ફૂટનોટ આપવી જરૂરી ગણાય? કવિશ્રીએ સમજાવ્યું કે શરૂઆતમાં દરેક શબ્દ માત્ર ધ્વનિ જ છે. નવી ભાષામાં નવા શબ્દો સાંભળીએ ત્યારે તે પણ માત્ર ધ્વનિ જ હોય છે. અને છતાં ક્યાં અને ક્યારે દર્શાવાય તેના આધારે અજાણતા શબ્દો પણ ભાવની પ્રતીતિ કરાવી દેતા હોય છે. તો શબ્દોને હંમેશા સમજાય તેવા અર્થના સંદર્ભમાં જ મુકવા તેવું જરૂરી નથી. શબ્દ ન સમજાય તો પણ ભાવ સ્પર્શી જાય તો કવિ કર્મ પૂરું થયું. આપણે તો જાણીએ છીએ કે ક્યારેક સુંદર ગઝલ સાંભળીએ ત્યારે કોઈક શબ્દોનો અર્થ ન જાણતા હોવા છતાં મર્મ સમજાય જાય છે અને તે ગઝલ આપણા હૃદય ને સ્પર્શી જાય છે. ઉપરાંત કવિશ્રીએ તે પણ સમજાવ્યું કે આપણે હંમેશા એક ભાષા બોલતા હોઈએ ત્યારે તે ભાષાની જે પરિચિતતા કેળવાય જાય છે, તે કોઠે પડી જાય છે. પણ જયારે કોઈક ઓછા વપરાતા, અનોખા શબ્દોને આધારે ભાવ વ્યક્ત કરીએ તો તે સાંભળનારાઓના હૃદય ને અનોખી રીતે સ્પર્શી જાય છે. તેના ઉદાહરણ રૂપે તેમણે નીચેની જાણીતી રચના નો ઉલ્લેખ કર્યો તે નીચે મૂકીને વિરુમુ છું.
કૂવા કાંઠે ઠીકરી જેમ ઘસી ઊજળી થાય
મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય
આગળ રે મોરબીની વાણિયણ
પાછળ રે મોરબીના રાજા ઘોડાં પાવા જાય
એ… કહે રે વાણિયાણી તારા બેડલાંના મૂલ
હે તારા બેડલાંના મૂલ
ગુજરાત ગૌરવ દિવસ (Gujarat Day) – May, 2018
Posted by Darshana V. Nadkarni, Ph.D. in Gujarati: Fiction-Poems-Essays-Events on May 18, 2018
ગુજરાત ગૌરવ દિવસ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ બે એરિયા ના ગુજરાતીઓએ ગુજરાતી ભાષાને, ગૌરવવંતા ગુજરાતીઓને, અને ગુજરાતી સાહિત્ય, કલા અને કલાકારોને એક સુંદર કાર્યક્રમમાં વણીને ખુબજ સુંદર કાર્યક્રમ રજુ કર્યો તે માટે સહુ પ્રસ્થિત મહાનુભાવોનો અને સાથીઓનો આભાર. . શ્રી સુરેશમામા મામી, માનનીય પ્રતાપભાઈ, રમાબેન, મનીષાબેન અને નરેન્દ્રભાઈ જેવા મહાનુભાવોના સહકાર અને પ્રોત્સાહન વગર તેમજ રઘુભાઇ, કલ્પનાબેન, રાજેશભાઈ વગેરે પ્રેણનાપૂરક કાર્યકર્તાઓ વગર શક્યજ નથી અને તેમને અંતરથી બે એરિયાના બધાજ ગુજરાતીઓ વતી ખુબ ખુબ આભાર. ગુજરાત ગૌરવ દિવસ નિમિતે જે કાર્યક્રમ શ્રોતાઓ સમક્ષ પેશ કરવામાં આવે છે તેનો મોટો જશ હું પ્રજ્ઞાબેન દાદભાવાળા ને આપું છું.
તેમણે કેટલાયનો ભારત સુધી સંપર્ક સાધી ને આ કાર્યક્રમ માટે માહિતી અને માર્ગદર્શન મેળવ્યું છે. તેમાં ખાસ આભાર આપીએ શ્રી ચંદ્રકાન્તભાઈ શાહને (જે “માસ્ટર ફૂલમણિ” ના લેખક છે અને આ કાર્યક્રમ માટે સ્ક્રીપટ સાથે તેમના જુના ગીતો રજુ કરવાની પરવાનગી સાથે ખુબ સહકાર આપ્યો), વિનયકાન્તભાઈ દ્વિવેદીને (જે જૂની રંગભૂમિના ચેતન સ્વરૂપ નાટ્ય મહર્ષિ કવિશ્રી પ્રભુલાલભાઈ દ્વિવેદીના દીકરા છે અને તેમણે પ્રજ્ઞાબેન જોડે પોતે જોયેલ જૂની રંગભૂમિ ના સંભારણા તાજા કરીને માર્ગદર્શન આપ્યું) અને ઉત્કર્ષભાઈ મજમુદાર (જેમણે પ્રજ્ઞાબેનને પોતાના અનુભવનો નિચોડ કરીને ખુબ માર્ગદર્શન આપ્યું). પ્રજ્ઞાબેને સુકાન તો સાંભળ્યું પણ છેટ ભારત થી કેલિફોર્નિયા સુધી તેમને ઘણા મહાનુભાવો એ વિવિધ પ્રકારનો સાથ આપ્યો અને તેનું પરિણામ આ બે એરિયામાં જૂની રંગભૂમિ તાજી કરીને બનેલો શ્રેષ્ઠ કાર્યક્રમ.
આ વર્ષે તેમણે અથાગ મહેનત થી અને બે એરિયાના કુશળ કલાકારોની મદદ થી જૂની રંગભૂમિના નાટક અને કલાકારોને જીવંત કર્યા અને પ્રેક્ષકોને મનોરંજન સાથે ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ પીરસ્યો. પ્રજ્ઞાબેન ની મહેનત ને લીધે દર વર્ષે ગુજરાત ગૌરવ દિવસે ગુજરાતી સાહિત્ય અને કલા ની નવી સમજણ બે એરિયાના પ્રેક્ષકો ને મળે છે.
તમને ખબર છે કે ગુજરાતી નાટ્ય પ્રવૃત્તિ શરુ કરવાનો જશ મુંબઈ ના પારસીઓને જાય છે? દર્શનાબેન ભૂત્તા શુક્લા અને નરેન્દ્રભાઈ શુક્લા એ પારસી યુગલ તરીકે પારસી રંગમંચ વિષે વાતો કરી તે સાંભળતા લોકો હસી હસીને ઢગલા થઇ ગયા. 1853 માં દાદાભાઈ નવરોજીના આશીર્વાદથી ફરામજી ગુસ્તાદજી દલાલ ના સંચાલન હેઠળ પારસી નાટક મંડળી સ્થપાઈ અને “રુસ્તમ સોહરાબ” નામનું પહેલું નાટક રજુ કરવામાં આવેલ તેમાં રુસ્તમ ના પાત્ર એ અસલી ઘોડા પાર એન્ટ્રી મારેલ।
જૂની રંગભૂમિના નાટકો જ નહિ પણ તેના ગીતો પણ ખુબ પ્રચલિત થઇ ગયેલા અને પ્રેક્ષકો તેમને મહિનાઓ સુધી ગણગણતા. માધવીબેન અને પ્રજ્ઞાબેને જૂની રંગભૂમિની મજાની વાતો ભપકા અને રમૂજ થી પ્રસ્તુત કરી અને સાથે સાથે માધવીબેન અને અસીમભાઈએ તેના ગીતો પીરસીને પ્રેક્ષકોના મન જીતી લીધા.1944 ના સાલ માં “વીર પસલી” નામનું નાટક ભજવાયું ત્યારે લોકો એ નાટક પાછળ ઘેલા થઇ ગયા હતા. મુંબઈ થી વડોદરામાં એ નાટક જોવા માટેની સ્પેશ્યલ ટ્રેન દોડતી જેના ડબ્બા ઉપર નાટક નું નામ લખવામાં આવતું. અચલભાઈ અને આનલબેન અંજારિયા એ નાટકનું સુંદર ગીત “પ્રેમીને પ્રેમી કોઈ પૂછે કે નયનોમાં શું છે, તું છે” ભજવીને પ્રસ્તુત કર્યું.
બાળક જયશંકર નો નાટક પ્રત્યેનો અત્યંત પ્રેમ જોઈને એક પારસી નાટક કંપનીના દાદાભાઈ ઠુઠ્ઠી નામના શેઠે જયશંકરના માતા પિતા સામે પ્રસ્તાવ મુક્તયો કે “તમારો છોકરો મને સોંપી દ્યો। તેનામાં રહેલ હીર હું પારખી ગયો છું અને તેને હું કલાકાર બનાવીશ”. ઊંચી રકમની ઓફર જોઈને આખરે માતા પિતા માની ગયા અને જયશંકર કલકત્તા માટે રવાના થયા. જયશંકર જી એ આગળ વધીને “સુંદરી” નામે ગુજરાતી રંગભૂમિ ઉપર સ્ત્રી પાત્રો ભજવીને ગરવી ગુજરાતણને રંગભૂમિ ઉપર એટલી સુંદર રીતે સજીવ કરી કે તેમના સ્ત્રી પાત્ર પાછળ પ્રેક્ષકો પાગલ થઇ જતા. તેવાજ પાગલ બે એરિયાના પ્રેક્ષકો ICC માં અમરીશ દામાણી ના સ્ત્રી પાત્ર ઉપર થઇ ગયા. તેમના સ્ત્રી જેવાજ હાવભાવ, કપડાંની ઢબ અને લહેકાઓ અને નખરા જોઈને કોઈ એક પળ પણ હાસ્યને રોકી શકે નહિ. આફ્રિન!!
સાલ 1927 માં ભજવાયેલ “વલ્લભીપતી” નામના નાટક નું સુંદર અતિ લોકપ્રિય અને મીઠી સ્ત્રીહઠ દર્શાવતું ગીત “ઝટ જાઓ ચંદનહાર લાઓ, ઘૂંઘટ નહિ ખોલું હું” જયારે પ્રજ્ઞાબેન દાદભાવાળાએ ખુબ નખરા સાથે ઘૂંઘટ ઓઢીને નરેન્દ્રભાઈ શાહ સાથે ભજવ્યું ત્યારે દરેક પ્રેક્ષકો તે ગીત ગણગણવા લાગ્યા. હેતેઅલબેન બ્રહ્મભટે “નાગરવેલયો રોપાવ તારા રાજ મહેલોમાં” અને માધવીબેન મહેતાએ “મીઠા લાગ્યા આજના ઉજાગરા” અને ગીતાબેન અને સુભાષભાઈ ભટ્ટે “સાયબો મારો ગુલાબનો છોડ, હું તો વેલી લવંગની” ભજવ્યા ત્યારે એમ થયું કે જાણે ગુજરાતી સંગીતનો લ્હાવો લેતાજ રહીએ। ને ગરબો ગવાયો ત્યારે તો ગુજરાતણ બેઠી જ કેમ રહી શકે?
તમે જો આ પ્રસંગ કોઈ પણ કારણસર બે એરિયા માં હોવા છતાં ચુકી ગયા હો તો મેં તેમાંનો થોડો ઇતિહાસ વણીને અને થોડા ફોટો મૂકીને અમે માણેલા મધુર દિવસની થોડી ઘણી મીઠી ક્ષણોને અહીં પ્રસ્તુત કરી છે. ફરી ફરીને હું ભલામણ કરીશ કે તમે આપણા એકદમ વ્યસ્ત બે એરિયા માં કોઈપણ પ્રસંગ ચુકો તો પણ બની શકે તો ક્યારેય ગુજરાત ગૌરવ દિવસ નો પ્રસંગ ચુકતા નહિ. અને પ્રજ્ઞાબેન આયોજન કરે છે ત્યાં સુધી તો નહીંજ ચુકતા. I am Pragnaben Dadhbhawala’s shameless fan. એમનું ગુજરાતી ભાષા અને સાહિત્ય માટેનું સમર્પણ, તેમની વિવિધ કલા અને તે ઉપરાંત કળાની પરખ અને વિવિધ કલાકારોને એક છત્ર નીચે ભેગા કરીને દરેકની કુશળતાને યૌગ્ય રીતે પેશ કરીને દર્શાવવાની અને તે બધામાં પ્રેક્ષકોના મનોરંજન માં તલભરની કમી ન રહે તે રીતે સુંદર કાર્યક્રમ નું આયોજન કરવાનું તે તેમની કુશળતા ઉપર હું આફ્રિન છું.
ગુજરાત ગૌરવ દિવસ (Gujarat Day, 2017) સમારંભ
Posted by Darshana V. Nadkarni, Ph.D. in Gujarati: Fiction-Poems-Essays-Events on May 20, 2017
બે એરિયા ગુજરાતી નોર્ધર્ન કેલિફોર્નિયા દ્વારા, હર વર્ષ ની જેમ હમણાં ગુજરાત ગૌરવ દિવસ સમારંભ ઉજવાયો. ગુજરાત દિવસ કાર્યક્રમ માં દર વર્ષે પ્રજ્ઞાબેન દાદભાવાલા ઉત્તમ કાર્યક્રમ દ્વારા ગુજરાતની ધરોહર ને હેમ ખેમ રાખીને ગુજરાતી રંગભૂમિ, સાહિત્ય અને સંગીત ના વારસાને ધબકતો રાખે છે.
બે એરિયા ના જ લેખિકા પૂજ્ય સ્વ મેઘલતાબેન મહેતા દ્વારા લખાયેલ સંગીત અને નાટિકા ને બે એરિયા ના કલાકારોએ જીવંત કરીને તેમના વારસાને માત્ર અમર નહિ કર્યો પણ ત્રણ ત્રણ પેઢીઓને સમારંભ માં વણીને કાર્યક્રમના આયોજક પ્રજ્ઞાબેન અને તેમના સાથીઓએ ગુજરાતની ધરોહર ને ગુજરાતતિ છેટે બે એરિયા માં પણ સાચવી લીધી છે. કાર્યક્રમ ની શરૂઆત માં બે એરિયા ના બાળકોએ મેઘલતા બેન ની લખેલી એક સુંદર રચના પ્રસ્તુત કરીને પ્રેક્ષકો ના દિલ જીતી લીધા. જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા મેઘલતા બેન કાનુડા હારે થપ્પો રમે તેને સંગીત માં ઉતારે તેમની દીકરી અને જમાઈ, માધવીબેન અને અસીમભાઇ મેહતા ને તે ગીત ને તેમની ત્રીજી પેઢી બીજા અન્ય બાળકો જોડે, મજાની છટા થી પીરસે તો બોલો કેવો સચવાય છે બે એરિયા મા ગુજરાત ની સંસ્કૃતિ અને સાહિત્ય/ સંગીત નો વારસો ?
હું તો થપ્પો રામુ મારા કાનુડા ની સાથ
પછી પકડી પાડું એનો પકડીને હાથ

ગુજરાત ની ઓળખાણ એટલે ઉત્સવોની ઉજવણી। તેમાં હોળીના રંગબેરંગી રંગો થી લઈને દિવાળી ના જગમગ પ્રગટતા દીવડા સુધીના બધા ઉત્સવો આવી જાય. મેઘલતા બેન લિખિત કાના અને રાધાની મસ્તીને હોળીના રંગે રંગી લીધી તે ગીત પ્રસ્તુત થયું ને પ્રેક્ષકો ના દિલ પ્રેમની પિચકારી થી ભીંજાય ગયા.
રાધા સંગ ખેલે હોરી, કાના રાધા સંગ ખેલે હોરી
હંસત હંસત દેખો, કરે રે ઠીઠોરી
હિના બેન દેસાઈ અને તેમની દીકરી રિના દેશાઇ શાહ ના દિગ્દર્શન હેઠળ સહિયર ડાન્સ ટ્રુપ દ્વારા પ્રસ્તુત થયું અતિ સુંદર દીવડા ન્રત્ય અને દિવાળી ની ઝગમગ ચારે કોર પ્રસરી ગઈ.
પણ અવસર કઈ બહાર જ નથી થતા. ઉજવણી તો મન ની આશા માં ઉગે છે. અનિલભાઈ ચાવડા ની સુંદર ગઝલ પ્રસ્તુત થઇ. આની ખાસ વાત એ છે કે બે એરિયા ના લગભગ 27 જેટલા કલાકારોએ સાથે મળીને ગીત ને પ્રસ્તુત કર્યું. આટલા ઉચ્ચ કોટિના કલાકારો પોતાનો અહંકાર ઓગાળીને સહકલાને આગળ વધારે ત્યારે તેમની કલા ઔર ખીલે છે અને શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ જ સર્જનાત્મક સ્વરૂપ ધારણ કરે છે તે સાબિત થઇ ગયું.
મંદમંદ આ મહેક ઉઠી છે ચાલો રસભર થઈએ
એકમેકના મનમાં એવો સુંદર અવસર થઈએ
કોઈના સૂકા રસ્તા ઉપર ભીનો પગરવ થઈએ
એકમેકના મનમાં એવો સુંદર અવસર થઈએ
આ નિઃશુલ્ક સમારંભ ના અંત માં હતું શ્રીમતી રમાબેન પ્રતાપભાઈ પંડ્યા તરફથી સ્પોન્સર કરવામાં આવેલ સુંદર ગુજરાતી ભોજન. પણ તે પહેલા પ્રસ્તુત થઇ ભવાઈ. ગુજરાતી રંગભૂમિના પગલાં મંડાયા કાઠિવાડમાં પ્રચલિત નાટ્ય પ્રકાર ભવાઈ થી. રંગલો અને રંગલી વેશ ધારણ કરે અને ગામના પાદરે ભવાઈ જોવા ગામ ભેગું થાય. આવી ભવાઈ વિષે થોડું ઘણું સાંભળેલું પણ ક્યારેય ભવાઈ જોવાનો મોકો મળ્યો નતો. એવી ઉમદા ભવાઈ પ્રસ્તુત થઇ કે જાણે મારા જન્મ સ્થળ, ભાણવડ ગામ ના પાદરે હોવ તેવું લાગ્યું.
ખુબ ભવ્ય રીતે રંગલાએ પ્રેક્ષકો ને નિમંત્ર્યા
“એ નાના ને નાનીસા।..
ઓલા મોટા ને મોટીસા
પેલા જાડા ને હસતા ને
અમેરિકન સાહેબ ને અમેરિકી સલામ”
ઘડીક માં રંગલી રંગલા ને ગોતે: “રંગલા તું ક્યાં ગયો રંગલા? મને લાગે છે આ ભોળી છોકરીઓ પાંહે વાતોમાં ફસાઈ ગયો હશે. મને કેને હું કેવી લાગુ છું?” ને ઘડીક માં રંગલો ગોતે કે “ક્યાં ગઈ મારી રંગલી?”
એમાં વળી અમેરિકા જવાનું ભૂત વળગ્યું કે રગલી બને મેમ ને સપના જોવા લાગે ।
“ફરવા જોશે મની મની,
રંગલી બનશે પરી પરી
ડુ નોટ રંગલા વરી વરી”
પ્રેક્ષકો એ તો ખીલખીલાટ હસી હસીને ને આ જોરદાર કાર્યક્રમ ને વધાવ્યો. નરેન્દ્રભાઈ વ્યાસે માત્ર ભવાઈ માણી નથી પણ ભજવી પણ છે. શિવમ અને ખુશી વ્યાસે ગળથુથી માં મળેલ ગીત ના વારસા વડે સંગીત શોભાવ્યું। ખ્યાતિ બ્રહ્મભટ્ટે તેની છટાદાર શૈલી થી બે અલગ પાત્રો ભજવ્યા। તેનો ડાયલોગ તો હજી એ મગજ માં ઘૂમે છે “K એટલે કંસાર અને M એટલે મોહનથાળ, N એટલે નાનખટાઈ અને O એટલે તો??? ઓ માડી”. મૌનિક ધારિયાએ વિદુષક નું અને કલ્પનાબેન રઘુએ મોટી ઉંમરના માસી નું પાત્ર સુંદર ભજવ્યું. અને ખાસ તો રંગલા અને રંગલી ના પાત્ર માં નરેન્દ્રભાઈ શાહ અને પ્રજ્ઞાબેન દાદભાવાળાએ એવું જોરદાર પરફોર્મન્સ આપ્યું કે ભવાઈ નો રંગ નિખરી આવ્યો.
છેલ્લા દસેક વર્ષ થી ગુજરાત ગૌરવ દિવસ ની ઉજવણી અહીં થાય છે અને દરેક વર્ષે આગલા વર્ષથી અધિક સુંદર કાર્યક્રમ પ્રજ્ઞાબેન પ્રસ્તુત કરે છે. સુરેશમામા જેવા અગ્રણી ગુજરાતીઓનું નેતૃત્વ, પ્રજ્ઞાબેન ની કુશળતા અને એક છત્ર નીચે નાની મોટી ગુજરાતી સંસ્થાઓ, કલાકારો અને સાહિત્ય અને સંગીત પ્રેમીઓનું મળવું અને આટલો ઉમદા કાર્યક્રમ લોકો સુધી પહોંચાડવો તે આપણા વહાલા ગુજરાત નું ગૌરવ નહિ તો બીજું શું કહેવાય? આવતા વર્ષે આવવાનું ચુકતા નહિ — અત્યારથી જ આમન્ત્રણ આપી રાખું છું.
Gujarati Essay – “Crossing boundaries & new experiences contribute to growth”
Posted by Darshana V. Nadkarni, Ph.D. in Gujarati: Fiction-Poems-Essays-Events, Musings on January 31, 2015

ગુજરાતી: સમગ્ર જીવન દરમ્યાન શક્ય એટલી મા ગુર્જરીના ચરણોમાં સેવા કરવાની ખેવના (Photo credit: Wikipedia)
જિંદગી નો ખરો આનંદ વર્તુળ માં થી બહાર નીકળવામાં છે. નકલી રેખા જે આપણને ક્યારેક કેદી બનાવી નાખે તેને તક મળે ત્યારે તોડવી જોઈએ. કૃત્રિમ રેખા ને ઓળંગી, સીમા પાર કરી અને જીંદગી ને વિવિધ દ્રષ્ટિકોણથી માણવાની મજા અનોખી છે. નવા અનુભવો, જાત પાંત ની રેખા ઓળંગી ને કરેલા જુદા જુદા મિત્રો, વિવિધ લેખકો, કવિઓ, અને જુદી જુદી ભાષામાં આપણે જીવન ને અનુભવીએ ત્યારે આપણને ઘણું જાણવા અને શીખવા મળે છે. નવા દ્રષ્ટિકોણ થી નવી લાગણી અને સંવેદના નો કેળવાય છે. મારા બે નાના અનુભવ પ્રસ્તુત કરું છું જયારે મને બે વખત કૃત્રિમ રેખા ઓળંગવાનો મોકો મળ્યો। તે માટે એક વ્યક્તિને અને બે સંસ્થાને મારો ખાસ આભાર વ્યક્ત કરવા માગું છું.
ઘણા વર્ષો પહેલાની વાત છે. મેં એક સેમીનાર માં પ્રવેશ કરેલ. તેનું નામ છે Landmark Forum (www.landmarkworldwide.com) . તેમાં આપણી ઝીન્દગીને ઉચ્ચા દરે કેમ પહોચાડવી તે ઉપર શિક્ષક વાત કરતા હતા. તેમણે કહ્યું કે ઘણી વખત આપણે જે જીંદગી વીતી હોય તેનું પ્રમાણ લઈને એક બાઊંડરી અથવા એક રેખા દોરીને આપણે ઝીંદગી તેમાં વિતાવીયે છીએ. તેમણે કહ્યું કે આજે તમે તે રેખાને ઓળંગો અને શું શક્ય છે તેના આધારે તમારી ઝીંદગી નું એમ માનસિક ચિત્ર દોરો અને પછી તે સેમીનાર માં બધાને પોતાની એક નવી ઓળખાણ ઉભી કરીને તે કાલ્પનિક ચિત્રને કેમ વાસ્તવિક બનાવવાનું તે ઉપર assignments આપેલ. તે વખતે મારી નવી ઓળખ મેં બનાવેલ – creative self expression અથવા સર્જનાત્મક અભિવ્યક્તિ. ત્યાં સુધી હું એમ માનતી હતી કે મારામાં creativity નો અભાવ હતો. પણ તે સેમીનાર પછી મેં અંગ્રેજીમાં લખવા નું શરુ કર્યું અને ઝીન્દગીમાં દોરેલી એક રેખાને ઓળંગી. (તે પછી તો બ્લોગ પણ શરુ કર્યો અને અત્યારે 2000 જેટલા લોકો મારો બ્લોગ follow કરી રહ્યા છે.)
તે વાત વિત્યાને ઘણા વર્ષો પછી મેં કેલીફોર્નિયા માં થયેલ ગુજરાત ડે માં ઝવેરચંદ મેઘાણી ની રચનાઓને માણી। તે પછી મેં બીજી રેખા ઓળંગી. http://tinyurl.com/on7rodx જયારે હું આફ્રિકામાં મોટી થઇ ત્યારે ગુજરાતી શાળામાં જતા હું એકદમ ગુજરાતી પ્રેમી હતી. પરંતુ છઠા ધોરણ માં ભારત આવતા એવો નિર્ણય લેવાયો કે અંગ્રેજી ભાષા અને કોન્વેન્ટ શાળામાં અમારે જવાનું. અંગ્રેજી શાળામાં ન જવા માટે મેં ખુબ ધમપછાડા કર્યા પણ છેવટે મારે તે સ્વીકારીને અંગ્રેજી શાળામાં જવું પડ્યું અને તે દિવસથી મેં ગુજરાતી છોડી દીધું. લગભગ તે પછી પાત્રીસ વર્ષથી ઉપર મેં ગુજરાતી ભાગ્યેજ વાંચેલ. મેઘાણી ના કાર્યક્રમ માં ગુજરાતી સાથે મારી ફરી ઓળખાણ પાકી થઇ. અને મેં ગુજરાતી વાંચન અને ગુજરાતી માં લખવાનું શરુ કર્યું.
પ્રજ્ઞાબેન દાદભાવાળા Milpitas ICC માં જે બેઠક નામની સંસ્થા ચલાવે છે તેમાં આવતા, ગુજરાતી ભાષા સાથે તુરંતમાં તાજી થયેલ ઓળખાણ મૈત્રીમાં બદલી ગયી છે. કેમ કે બેઠકમાં માત્ર ગુજરાતી માણવા જ નહિ પરંતુ ગુજરાતીને આત્મીયતાથી અનુભવવા મળે છે. બધા પોતાના અનુભવ અને પરિપેક્ષ્ય પ્રમાણે એક જ વિષયને જુદી જુદી રીતે લખી લાવે છે – તે રીતે બેઠકના ઘણા પ્રેક્ષકો માણ્યો નરસિંહ મેહ્તાનો આસ્વાદ અને કહેવતો અને અરરર અને હાશકારો જેવા વિષય ઉપર જુદા જુદા શબ્દોમાં રચનાઓ લખી. તેમાં માત્ર ભાષાને નિષ્ચેષ્ટ રૂપે અનુભવવાની બદલે સક્રિય રૂપે તેને આપણી પોતીકી કરી. તે છે પ્રજ્ઞાબેન નો મોટો ફાળો કે તેમણે ભાષાને કંટાળાજનક રીતે પ્રસ્તુત કરવાની બદલે, બધાને પ્રોત્સાહન આપી ને દરેકના શબ્દોના સર્જનથી જીવંત ધબકતી રાખી.
મારી જેમ ઘણાએ આ રેખા ઓળંગી છે અને પહેલી વખત સાહિત્યકાર બન્યા છે. આટલું મોટું રૂપાંતર અને છતાયે તેમાં નથી પૈસા ખરચ્યાં અને ઉપરથી સુંદર ભોજનો અને એક બીજાનો સાથ અને મૈત્રી નો ખજાનો કેળવ્યો છે. તો બેઠક અને ગુજરાત દે તેમજ શબ્દોનું સર્જન બ્લોગ એ છે પ્રજ્ઞાબેન ના નિશ્વાર્થ, સતત અને નિરંતર પરિશ્રમ નું પરિણામ, જેના આધારે મારા જેવા કેટલાયે કૈક રેખા ઓળંગી છે અને ગુજરાતી સાહિત્ય અને કાવ્ય ના કુવામાં ડૂબકી મારી છે અને ઘણીવાર રતન શોધી લાવ્યા છે.
ગુજરાતી ગઝલ ની બેઠક
Posted by Darshana V. Nadkarni, Ph.D. in Gujarati: Fiction-Poems-Essays-Events on April 11, 2014
ગુજરાતી ગઝલ ની બેઠક
ગુજરાતીના ગૌરવ ને બે અરિયા માં ટકાવી રાખનાર અને ગુજરાતી ભાષા ને જીવંત રાખનાર બધાના લાડીલા પ્રજ્ઞાબેન દાદભાવાળાએ હમણાં જે બેઠક યોજેલી તેમાં હ્યુસ્ટનથી આવેલ દેવિકાબેન ધ્રુવ અને બે એરિયાના મહેશભાઈ રાવલે ગુજરાતી ગીત, કવિતા, અને ગઝલ વિશે માહિતી આપી અને સુંદર ગઝલો બોલી બધને તરબોળ કરી દીધા.
દેવિકાબેને તો શબ્દો સાથે વ્યાયામ કર્યો છે,પછી સોનેરી સાંજે એ એક નહિ અનેક વાતો લાવી શકે તેમ છે. એમણે ગઝલ ઉપર માહિતી આપતા કહ્યું “લખવાનું ચાલુ રાખવાથી કલમ ની કસબ કેળવાય છે અને પછી તેમાં સંવેદના ઉમેરાય ત્યારે ગઝલ બને છે. ગઝલ ના નક્કી થયેલ સ્વરૂપ જાણવા પડે અને સતત પ્રયાસ કરતા રહેવું પડે.” તેમણે ગઝલ સંભળાવી:
જેવી મળી આ જિંદગી, જીવી જવાની હોય છે
સારી કે નરસી જે મળી, શણગારવાની હોય છે.
જુઓ તમે આ આભને કેવી ચૂમે છે વાદળી,
કોને ખબર ક્ષણ માત્રમાં, તરછોડવાની હોય છે.
પ્રજ્ઞા બહેને કહ્યું “હું લખવા બેશુ છું તો ક્યારેક ગઝલ ની બદલે જોડકણું બની જાય છે.” દેવિકા બહેને સમજાવ્યું ગઝલ માં બહાર નું અને અંદર નું સ્વરૂપ હોય છે. અને રદીફ એટલે છેલો શબ્દ મહત્વનો હોય છે. અને તેની આગળનો શબ્દ છે તેને કાફિયા કહેવાય છે. રદીફ અને કાફિયા ગઝલની અંદર ના ભાવ વ્યક્ત કરવામાં વજન આપે છે. કુલ મળીને ચારસો જેટલા છંદો છે . પરંતુ મોટા ભાગ ની ગઝલો માં થોડા છંદો જ વપરાય છે. થાળી માં રંગબેરંગી ફૂલો હોય તે સુંદર દેખાય પણ તેમાં પેટર્ન ગોઠવી અને હાર બનાવીએ તે પ્રમાણે શબ્દો માં થી ગઝલ બને. રંગબેરંગી શબ્દોમાં ભેળવવાની વાત ની ગંભીરતા, કહેવાનો મિજાજ, સવેદના ની લાગણી અને પછી કરવાની શબ્દો ની ગોઠવણ. ત્યારે મહેશભાઈ રાવલે સંભળાવી ગઝલ ઉપર એક જાજરમાન ગઝલ.
સંબંધ ના ઘેરાવા વચ્ચે થી ટપકવાની ગઝલ
અંગતપણાની આડ વચ્ચેથી ટપકવાની ગઝલ
ડૂમો બની ઘૂંટાય ભીતર લાગણી સંજોગવશ
તો, પાપણોની ધાર વચ્ચેથી ટપકવાની ગઝલ
જ્યાં બોલવા જેવું કશું બાકી રહે નહીં, એ પળે
નિઃશબ્દતાનાં તાણ વચ્ચેથી ટપકવાની ગઝલ
હૂં તો કહું છું આ હતી સાંજ વસુલ થઇ જવાની ગઝલ. પરંતુ આ તો હતી માત્ર શરૂઆત. મહેશ ભાઈએ બે ચાર ગઝલ સંભળાવી અને દેવિકાબેને કાવ્ય તથા ગઝલ સંભળાવી. દેવિકાબેને અમેરિકા ઉપર ની ગઝલ સંભળાવી પછી અમેરિકા ના શિસ્ત ને અનુસરી ને સમય પૂરો થયો તે પ્રમાણે ધર્યા કરતા જલ્દી બેઠક નો અણધાર્યો અંત આવ્યો।
શિસ્તના શાસન થકી આ ચાલતું નગર જુઓ,
આભની વીજળી સમુ આ આંજતું નગર જુઓ.
પૂર્વની રીતો અને વે‘વારથી જુદું ઘણું,
માનવીને યંત્ર માંહે શારતુ નગર જુઓ.
રાત દી‘ આઠેપ્રહર ડોલરની દોડધામમાં,
આદમીને હર પળે પલ્ટાવતું નગર જુઓ.
તો મિત્રો પાછા મળશું આવતા મહિનાની બેઠકમાં। ત્યાં સુધી લખતા રહેશો, વાંચતા રહેશો, અને નીચેના બ્લોગ ને જરૂર માણશો।
દેવિકાબેન ધ્રુવ – http://devikadhruva.wordpress.com/
મહેશ ભાઈ રાવલ – http://drmahesh.rawal.us/
વિજયભાઈ શાહ – http://www.vijaydshah.com/
પ્રજ્ઞાબેન દાદભાવાળા (શબ્દોનું સર્જન) – http://tinyurl.com/lpkvuuv
Reader Comments