આજે આપણે ભારતની, આપણા દેશની સ્વતંત્રતા ઉજવી રહ્યા છીએ. આપણને ખબર હોવા છતાં એક વાર ફરી યાદ કરીએ કે કેવા સંજોગો માં આપણે સ્વતંત્રતા મેળવી. પહેલા તો આપણે ભાગ્યશાળી છીએ કે આપણે સ્વતંત્ર ભારત માં જન્મ લીધો અને એવા ભારત દેશમાં જેમાં અનેકતામાં એકતા વણાયેલી છે.
અત્યન્ત જટિલતાના સંજોગોમાં ભારતે આઝાદી મેળવી અને અખંડ લોકશાહી સ્થાપી તેનો જશ એક અવાજે, સાથે રહીને દેશનું ભલું ચાહનારા નેતાઓને જાય છે.આજે આપણે ભારતની, આપણા દેશની સ્વતંત્રતા ઉજવી રહ્યા છીએ. આપણને ખબર હોવા છતાં એક વાર ફરી યાદ કરીએ કે કેવા સંજોગો માં આપણે સ્વતંત્રતા મેળવી. પહેલા તો આપણે ભાગ્યશાળી છીએ કે આપણે સ્વતંત્ર ભારત માં જન્મ લીધો અને એવા ભારત દેશમાં જેમાં અનેકતામાં એકતા વણાયેલી છે.
1947 પહેલા ભારતમાં અંગ્રેજોની હકુમત ચાલતી હતી અને ભારતીય વ્યક્તિ સેકન્ડ કલાસ બીજી કક્ષાનો દરજ્જો ધરાવતા હતા. અંગ્રેજો ના ઘણા જુલમ હતા અને છતાં આપણા દેશના નેતાઓમાં લાંચ, રિશ્વત, પૈસાની લાલચ જેવી કોઈ ભાવના ન હતી. દેશના દરેક નેતાઓ માં માત્ર દેશપ્રેમની ભાવના છલોછલ ભરી હતી. ગાંધીજી, નેહરુજી, પટેલજી વગેરે બધા સાથે મળીને દેશને આઝાદ કરવાનું સપનું સેવી રહ્યા હતા. આજે આપણે તેઓમાં ભાગલા પાડીએ છીએ કે પટેલજી સારા તો ગાંધીજી ખરાબ કે ગાંધીજી સારા તો નહેરુજી ખરાબ. ડગલે ને પગલે ચર્ચા તો તેઓની અંદર થઈજ હશે અને લોકશાહી મેળવવા ઇચ્છતા દેશમાં થવીજ જોઈએ. પરંતુ શા માટે ભારત અને અમેરિકા એવા અનોખા દેશો છે જેમાં લોકશાહી આવ્યા બાદ લશ્કરી શાસન નથી આવ્યું. તે માત્ર અને માત્ર નેતાઓના એક અવાજ, તેમનો દેશપ્રેમ અને તેમણે સંવિધાનને લીધેજ. અને તેમાંય ખાસ તો ભારત દેશ જેમાં તે સમયે અતિશય ગરીબાઈ હતી, ભણતરનું ધોરણ નીચું હતું, અને 15 થી વધુ સત્તાવાર ભાષાઓ, 32 થી વધુ સત્તાવાર બોલીઓ, અને ઘણા ધર્મો, તેમાં વળી ફાંટાઓ અને કેટલાય વેશ, પરવેશ અને વિધિઓમાં દેશ વેંચાયેલ હતો. એક એવો દેશ જે તે સમયે શું બનશે તેનો કોઈને ખ્યાલ જ નહોતો. કેમ કે અંગ્રેજોની હકુમત પહેલા તો દેશમાં વિભિન્ન રાજ્યો અને રાજાઓ હતા. તો પછી તે દેશ તો રાજાઓના હાથમાં સોંપવો કે તેમાં લોકશાહી તરફ નવું પગલું ભરવું.
અને તેમાં વળી જિન્ના જે તે સમય સુધી આઝાદીની ચળવળમાં જોડાયેલા હતા તેમણે તેમના પોતાના આઝાદ દેશની નવીજ માંગણી કરી. તો પછી દરેક રાજાઓ પણ તે માંગણી કરી શકે ને? ત્યારે અંગ્રેજોને લાગ્યું કે હવે આ દેશમાં વધુ હકુમત ચલાવવાનો અર્થ નથી, ભયંકર લડાઈ ફાટી નીકળે અને કરોડો લોકો તેમાં અટવાઈ જાય તો અંગ્રેજ હકુમતને મોટું કલંક લાગે. અને એવા તો દુનિયા માં કેટલાયે દેશ છે કે જેમાં આટલા અંશે જટિલતા ન હોવા છતાં, વસાહતીકરણ પૂરું થતા અને હકુમત ચલાવતા શાસન જતાજ દેશ કેટલાય વર્ષો સુધી લોકશાહી સ્થાપિત કરીજ નથી શક્યા. આ માત્ર આપણા પાડોશી પાકિસ્તાન ની વાત નથી. પરંતુ શ્રીલંકા થી લઈને ઇથિયોપિયા, બાર્બાડોસ, એન્ટીગુઆ, જમૈકા જેવા દેશો પણ વસાહતીકરણ બાદ અખંડ લોકશાહી ટકાવી શકેલ નથી.
અને તેમાં એક વધુ જટિલતા નો ઉમેરો કરીએ. જિન્નાએ અલગ પાકિસ્તાનની માંગણી કરી ત્યારે જો તે ભારતના નેતાઓએ મંજુર ન કરી હોત તો ત્યારેજ આઝાદી અટકી જાત અને કઈ દિશામાં સંજોગો લઇ જાત તે કહેવું સહેલું નથી. પરંતુ ભારતના શાંતિપ્રેમી, લોકશાહીને વરેલા નેતાઓએ સાથે મળીને તે મંજુર કર્યું. અને છતાં અંગ્રેજ સરકારની કેવી બેદરકારી કે તેમને દેશના ભાગલા ઉપર પણ દેખરેખ રાખીને, વ્યવસ્થિત રીતે ભાગલા પણ ન કર્યા. ઓગસ્ટ ની 14મી એ પાકિસ્તાનને આઝાદી મળી અને 15મેં એ ભારતને મળી. પરંતુ તે સ્પષ્ટ નહોતું કે કયા પ્રાંત કયા દેશમાં જોડાશે અને બંને દેશની રેખાઓ ક્યાં હશે. કેટલાક રાજ્યોને શામાં જોડાવું તે પસંદ કરવાનો અધિકાર આપવામાં આવ્યો, બીજા અન્યને વિભાજિત કરવામાં આવ્યા, આસામ, બંગાળ અને પંજાબના પ્રાંતોને અડધા ભાગમાં વહેંચવામાં આવ્યા અને રેખાઓ દોરાઈ નહોતી. 14મી અને 15મીએ સવારે કેટલાય લોકો ઊંઘમાંથી જગ્યા ત્યારે તેમને જાણ થઇ કે અરે મારે તો ભારતમ રહેવું છે અને હું તો પાકિસ્તાનમાં રહી ગયો વગેરે. દેશની રેખાઓની લોકોને પહેલેથી જાણ ન હોવાને લીધે લોકોની ભારત અને પાકિસ્તાન વચ્ચે અવરજવર શરુ થઇ અને તેમાંથી અસહ્ય અને અત્યંત હત્યાકાંડ શરુ થયો. લાખો સ્ત્રીઓના બળાત્કાર થયા, અસંખ્ય ઘર અને વિસ્તારોમાં આગ ચાંપવામાં આવી અને અસંખ્ય લોકોએ જાન ગુમાવ્યા. તે સમયે પણ આપણા દેશના નેતાઓ સાથે રહ્યા અને જોડે રહીને ફરી શાંતિ સ્થાપી. એક પણ નેતા એવા નહોતા કે જેમણે પ્રજાને વધુ ઉશ્કેરવાનું મુનાસીબ માન્યું. દરેક નેતા એ આઝાદી સમયે સાથે રહીને એક અવાજમાં આઝાદીની માંગણી અને ચળવળ કરી તેમજ સાથે રહીને લોકોને શાંત રહેવા અને એકમેક તરફ શાંતિ, વિવેક અને આદર રાખવા માટે પ્રેરિત કર્યા.
લડત કરવી સહેલી છે, પછી તે આઝાદી માટે હોય કે આપણા હક માટે હોય કે કોઈને મહાત કરવા માટે હોય, પછી તે એક વ્યક્તિ સાથે હોય, કે કુટુંબની અંદર હોય કે ધર્મ માટે કે દેશ ના શાસન માટે હોય. પરંતુ શાંતિ સ્થાપવી સહેલી નથી કેમકે શાંતિ મેળવવા હંમેશા કૈક જતું કરવું પડે છે, ક્યાંક નમતું જોખવું પડે છે, થોડું ગુમાવવું પડે છે. પણ ગુમાવવાથી કેટલું હાંસલ કરી શકીએ છીએ તે ક્યારેક આપણે જોઈ શકતા નથી. અને તે પણ અનેકતામાં શાંતિ વિકસાવવા માટેતો બધાયે ગુમાવવુંજ પડે. આપણે પૂછીએ કોઈ શાંતિપ્રિય સંયુક્ત કુટુંબીઓને તો ખબર પડશે. સાસુ અને વહુ થી લઈને બાળકો સુધી બધાયે પોતાને મનગમતું કૈક ને કૈક, ક્યારેક તો જતું કરવુજ પડે છે.
ભારતના નેતાઓ એ આવા સંજોગોમાં એવી અખંડ લોકશાહી સ્થાપી કે તેને કોઈ આજ સુધી હચમચાવી શક્યું નથી. આજે ભારતના સ્વતંત્રતા દિવસે આપણે આપણા દરેક નેતાઓને યાદ કરીએ અને એ યાદ રાખીએ કે ક્યારેક તેમણે તેમના શરીરનું, ક્યારેક કુટુંબનું તો ક્યારેક તેમના સિદ્ધાંતોનું પણ બલિદાન આપ્યું કે જેથી દેશ માં લોકશાહી સ્થાપી શકાય અને દેશને પ્રગતિના માર્ગ ઉપર મુક્યો. ક્યારેક ભારતીય સંવિધાનની પણ વાત કરીશું –કે નેતાઓ કેવા સ્વપ્નદ્રષ્ટા, આગળ જોનારા હતા કે તેવું સુંદર સંવિધાન સ્થાપી શક્યા કે તે આજે પણ આપણે સુંદર માર્ગદર્શન આપી રહ્યું છે. — આપણા દરેક નેતાઓને કોટી કોટી પ્રણામ. આપણી અનેકતામાં ખુબ સુંદરતા વસેલી છે અને આજે નિર્ણય કરીએ કે એ અનેકતામાં જ, એકતા થી આગળ વધીએ, આપણી વિભિન્નતાને શમાવીને નહિ પણ શણગારીને, તેને આપણી શાન બનાવીને એકતાથી આગળ વધીએ.
જય હિન્દ, જય ભારત, સલામ ઇન્ડિયા.
#1 by sapana53 on August 14, 2022 - 10:04 pm
સ્વતંત્રતા દિવસ મુબારક સરસ લેખ