જેન ઓસ્ટીન નામની લેખિકાએ 18મી સદી ના ઇંગ્લેન્ડને લગતા ઘણા પુસ્તકો લખેલ છે. મોટા ભાગે તેના પુસ્તકો રોમેન્ટિક વિષયને લગતા પુસ્તકો છે. તાજેતરમાં તેણે લખેલ પુસ્તક સેન્સ એન્ડ સેન્સિબિલિટી ઉપર બનેલું નાટક જોયું તો તેના પુસ્તક ઉપર મારા વિચારો દર્શાવું છું.
તે બે બહેનો ની વાર્તા છે. 18મી સદીના ઇંગ્લેન્ડ માં મિલકત માત્ર પુરુષ વરસદારોનેજ મળતી. જો કોઈ વ્યક્તિ ને દીકરો ન હોય તો તેના ગયા બાદ તેની મિલકત તેની પત્ની અથવા દીકરીની બદલે તેના નજીકના પુરુષ વારસદારને મળે. તેવી સ્થિતિમાં અચાનક સ્ત્રીઓ બેઘર બની જાય અને નાની યુવતીઓ યોગ્ય અને લાયક પાત્ર શોધવા લાગે. કેમકે તે સમાજ વ્યક્તિના વર્ગ, દરજ્જા અને ક્રમ ઉપર નિર્ભર હતો. આવી સ્થિતિ માં કોઈ યુવતીને તુરંત યોગ્ય પતિ ન મળે તો તેને ખુબ ગરીબીમાં, આજીવન કુંવારી અવસ્થામાં જિંદગી પસાર કરવી પડે તેવું પણ બને.
સેન્સ એન્ડ સેન્સિબિલિટી એટલે કે બુદ્ધિમાન પ્રકૃતિ અને સંવેદનશીલ પ્રકૃતિ. આ વાર્તાના મુખ્ય પાત્રો બે બહેનો છે. પિતાના અવસાન પછી મેરિયન ડેશવુડ અને એલિનોર ડેશવૂડ ની જિંદગી અસ્તવ્યસ્ત થઇ ગઈ. બંને બહેનો અને તેમની માં રહેતા હતા તે ઘરમાં તેમના ભાઈ અને ભાભી રહેવા લાગ્યા અને તેમની ભાભીએ તેમના ભાઈને સમજાવ્યો કે બંને બહેનોને તેમના લાયક નાનું મકાન શોધી આપવું જોઈએ જેથી તેમને સામાન્ય સ્થિતિમાં રહેવાની આદત પડી જાય. તે સમયે ઇંગ્લેન્ડ માં આવી સ્થિતિ માં આવેલ સ્ત્રીઓને કોઈ સગાવહાલા પાસે નાનું મામૂલી કોટેજ હોય તો તેઓ તે બહેનો ને તેમાં રહેવાની વ્યવસ્થા કરી આપે. ડેશવૂડના કોઈ સગા એ તેવું મકાન રહેવા માટે ઓફર કર્યું અને તેમની ભાભીએ તેમના ભાઈને સમજાવ્યો કે તે તેની બહેનો અને માં ને તેમાં રહેવા જવા માટે સમજાવે. ભાઈના કહેવાથી તેઓ તેવા મામૂલી મકાન માં દૂર રહેવા ચાલ્યા ગયા. તેમના સગાઓ અને તેમની માં તેમના માટે યોગ્ય પતિ શોધવા લાગ્યા.
મેરિયન ડેશવુડ સંવેદનશીલ, લાગણીશીલ પ્રકૃતિ ધરાવે છે, તે સ્વયંસ્ફુરિત છે, પ્રેમ માં જેટલી ઝડપી છે તેટલીજ તેના વિલાપમાં ઉતાવળ છે; તેને ઋતુઓનું પરિવર્તન, પ્રકૃતિમાં આનંદ અને સૂકા વિખરાયેલા પાંદડાઓમાં કવિતા દેખાય છે; તે ખુબ રોમેન્ટિક પ્રકૃતિ ધરાવે છે, પૂરા દિલથી પ્રેમ કરે છે, નિખાલસતાથી ખળભળાટ હસે છે અને નાટકીય રીતે વારંવાર રડી પડે છે. મારુ માનવું છે કે તેના જેવી સ્ત્રીઓ ઘણીવાર સમાજમાં જરૂરી ફેરફારો પાછળનું બળ હોય છે. જ્યારે મિલકત તેના ભાઈને આપવામાં આવે છે, ત્યારે તે તુરંત તેની બહેનને પૂછે છે, “શા માટે? શું તે એક કર્તવ્યનિષ્ઠ પુત્ર છે તેથી કે તે લાયક છે એટલા માટે? જો કે તે બેમાંથી કંઈ નથી.”
મેરિયનની બહેન એલિનોર ડેશવુડ પોતાની લાગણીઓને વ્યક્ત કરવામાં ધીમી ગતિ ધરાવે છે અને વિચારશીલ છે, તેની ટિપ્પણીમાં પણ વિનય, વિવેક, નમ્રતા અને વિચારશીલતા છે, તે પોતાના વિચારોમાં સંયમિત છે; તે સરંજામ અને ઔચિત્યની વાત કરે છે; અને તે હંમેશા વસ્તુઓને અન્યના દ્રષ્ટિકોણથી જોવાનો પ્રયાસ કરે છે અને પોતાને તકલીફ વેઠવી પડે છતાં અન્યની સંવેદના નો ખ્યાલ રાખે છે. મારુ માનવું છે કે તેના જેવી સ્ત્રીઓ, ઘણી વખત સમાજમાં વ્યવસ્થા જાળવવામાં અને અરાજકતાને રોકવામાં નિમિત્ત બને છે. માત્ર પોતાની લાગણીશીલતા ઉપર સંયમ અને ધીરજ જાળવીને જ નહિ પરંતુ અન્ય વ્યક્તિઓને પણ તે સલાહ આપે છે અને જીવનમાં આવતા વંટોળને શાંતિ અને સંયમથી સામનો કરતા શીખવે છે. આ વાર્તામાં મેરિયન તેની માનો આધાર બની જાય છે. લાગણીશીલતા ઉપર કાબુ જાળવવાનું તે તેની બહેન મેરિયનને પણ સમજાવે છે. મેરિયન એક વાર કહે છે, “મારી બહેન આશા રાખે છે કે તે મને મારા પોતાના અતિરેકથી બચાવે”.
મેરિયન વિલોબી નામના યુવાનના પ્રેમમાં પડે છે. વિલોબી પણ તેના જેવોજ સંવેદનશીલ યુવાન છે અને થોડાજ સમયમાં તેઓ સાનભાન ભૂલી ને પ્રેમમાં બંધાઈને એક બીજા પ્રત્યે વચનબદ્ધ થઇ જાય છે. પરંતુ થોડા સમય બાદ વિલોબી અચાનક પલાયન થઇ જાય છે. તે સમયે ઇંગ્લેન્ડ માં જો કોઈ યુવતી કોઈ પ્રેમી જોડે વચનબદ્ધ હોય અને પ્રેમી તેને છોડી ને ચાલ્યો જાય તો ઘણીવાર બીજા કોઈજ યુવાન તેની જોડે લગ્ન કરવા આગળ ન આવે તેવી સ્થિતિ ઉભી થઇ શકે છે. બીજી બાજુ એલિનોર ને એડવર્ડ નામના શરમાળ યુવાન પ્રત્યે લાગણી છે. એડવર્ડ ને પણ એલિનોર તરફ ખુબ લાગણી છે. પરંતુ બંને ધીમી ગતિ ધરાવતા પ્રેમી પંખીડા મનોમન પ્રેમ કરવા છતાં એકમેક સમક્ષ પોતાનો પ્રેમ વ્યક્ત કરીજ નથી શકતા અને એડવર્ડ ના લગ્ન બીજે થવાની વાતચીત ચાલે છે.
તે દરમ્યાન કર્નલ બ્રાન્ડન નામના જવાન ડેશવૂડ કુટુંબ ની મદદે આવે છે અને મેરિયન માટે વિલોબીનો પત્તો લગાવે છે. વિલોબી આખરે બહેન એલિનોર પાસે શોક વ્યક્ત કરે છે કે તેમની આર્થિક સ્થિતિ માં તે મેરિયન જોડે પરણી શકે નહિ અને તેથી તેણે પલાયન થઇ અને પોતાને યોગ્ય પત્ની જોડે લગ્ન કરી લીધા છે. મેરિયન આ સમાચાર સાંભળતા બેહોશ બની જાય છે અને પછી તે બીમાર પડે છે. કર્નલ બ્રાન્ડન આ સમયે પણ તેમની ખુબ મદદ કરે છે. આખરે બીમારીમાંથી સાજી થતા મેરિયનને પ્રેમનો સાચો અર્થ સમજાય છે અને એ પણ સમજાય છે કે ધીમો પ્રેમ ક્યારેક ખુબ ગહન હોય છે અને તે અને કર્નલ બ્રાન્ડન લગ્ન કરે છે. આ બાજુ આખરે એડવર્ડ હિમ્મત ભેગી કરીને એલિનોર પાસે તેનો પ્રેમ વ્યક્ત કરે છે અને એલિનોર પોતાની લાગણીઓને વાચા આપે છે અને બંને લગ્ન કરે છે.
લેખિકા ઓસ્ટીન ની વાર્તામાં એ તો જરૂર સમજાય છે કે કોઈ એક તરફ અતિરેક યોગ્ય નથી. માત્ર બુદ્ધિજીવી જીવન જીવી ન શકાય અને સમય અનુસાર લાગણીઓને પણ વાચા આપવી અને દર્શાવવી જરૂરી છે. તેમજ અતિ સંવેદનશીલ પ્રકૃતિ યોગ્ય નથી અને લાગણીઓ ઉપર સંયમ રાખવો જરૂરી છે. પરંતુ અનેક વાર ટિપ્પણીકારો ને ઓસ્ટીન ની વાર્તાઓ માં તેવું લાગે છે કે ઓસ્ટીનનો પક્ષપાત બુદ્ધિજીવી પ્રકૃતિ તરફ વધારે છે. વાંચીને તમારો અભિપ્રાય જરૂર જણાવશો.