આપણા સમાજમાં એક એવી ખોટી માન્યતા છે કે શારીરિક પીડા ની સરખામણીમાં ટેક્નોલોજી દ્વારા થતું નુકશાન અને પીડા તદ્દન મામૂલી છે. વધુ ને વધુ ટેક્નોલોજીના દુરુપયોગથી વ્યક્તિઓને ખુબ નુકશાન પહોંચે છે. ટેક્નોલોજી દ્વારા આર્થિક રીતે લોકોને કેવું નુકશાન કરી શકાય છે તે તો આપણે જાણીએ જ છીએ અને સંસ્થાઓએ તે માટે પગલાં પણ લીધા છે. પરંતુ ટેક્નોલોજી ના દુરુપયોગથી વ્યક્તિની પ્રતિષ્ઠા અને ઓળખ ઉપર સખત છાંટા ઉડાડીને તેને ખુબ હામી પંહોંચાડવામાં આવે છે તે પ્રત્યે આપણે તેટલું ધ્યાન આપ્યું નથી. અને ખાસ કરીને ભારત જેવા પિતૃસત્તાક સમાજ માં સ્ત્રીની પ્રતિષ્ઠા ની અસર તેની પુરી જિંદગી ઉપર થઇ શકે છે ત્યારે સ્ત્રીઓ ઘણી વાર તેવા દુરુપયોગ નું લક્ષ્ય બને છે. ડિજિટલ માહિતી એક વાર ઈન્ટરનેટ ઉપર મુકાય જાય તો તે હંમેશ માટે ક્યાંક ને ક્યાંક તો રહીજ જાય છે. તેથી ડિજિટલ માહિતીની સ્થાયીતા ને કારણે તે વ્યક્તિ ના પુરા જીવનમાં તે એક લટકતી તલવાર બનીને રહી જાય છે. ઘણીવાર કોઈ સ્ત્રી હિંસાત્મક સબંધ માંથી બહાર નીકળવાની કોશિશ કરે ત્યારે પણ પુરુષો તેને રોકવા માટે કે ત્યાર બાદ બ્લેકમેઇલ કરવા માટે ડિજિટલ ગેરુપયોગથી સાચી કે ખોટી હકીકત ઉપજાવીને સ્ત્રીને મહાત કરવાની કોશિશ કરે છે. મને તેનો અંગત અનુભવ છે.
તાજેતરમાં ભારત માં બુલીબાઈ એપ દ્વારા મુસલમાન મહિલાઓની બેઇજ્જતી કરવાનો અત્યંત દુઃખદ પ્રયાસ થયો. તેમાં મુસ્લિમ મહિલા કાર્યકર્તાઓ, પત્રકારો, રાજકારણીઓ, અભિનેતાઓ અને એન્જિનિયરોને નિશાન બનાવવામાં આવ્યા. આ મહિલાઓના ચહેરા પોર્નોગ્રાફિક બોડી સાથે જોડી દેવામાં આવ્યા હતા અને તેમની નકલી હરાજી સર્જવામાં આવી હતી. રાજકારણી મહિલાઓને પણ આવા કરતૂતનો અવારનવાર સામનો કરવો પડે છે. જ્યાં સુધી આપણે બધા તેની વિરુદ્ધ નહિ બોલીએ અને તેનો ઉગ્ર વિરોધ અને આક્રોશ વ્યક્ત નહિ કરીએ ત્યાં સુધી આ બદલાશે નહીં અને આવતા વર્ષોમાં આપણી દીકરીઓને આવીજ કરતૂતોનો સામનો કરવાનો રહેશે. મારા જીવનનો આ અંગત અનુભવ છે અને તેને આધારે કહીશ કે ગમે તેવી ચોખ્ખી પ્રતિષ્ઠા કોઈ સ્ત્રી ધરાવતી હોય, અને કોઈ પણ સ્ત્રી હોય તે આવી કરતૂતનો ભોગ બની શકે છે.
જયારે દિલ્લી માં નિર્ભયા નામે ઓળખાઈ ગયેલી એક યુવતી ઉપર 6 પુરુષો દ્વારા બળાત્કાર અને ત્યાર બાદ તેની હત્યા કરવામાં આવી હતી ત્યારે મેં એક કાવ્ય લખ્યું હતું http://bit.ly/WyY4zf . તેવું બીજું કાવ્ય બુલીબાઈ એપ ની ઘટના બની ત્યારે લખ્યું છે તે નીચે રજુ કરું છું.
મારા ભાઈઓ અને બહેનો ને અનુરોધ
મારા ભાઈઓ, હંમેશા તમારી સુરક્ષા ઇચ્છુ છું
તમારા કાંડે રાખડી બાંધતા તમારી રક્ષા પ્રાર્થું છું
આજે મારા ચરિત્ર ને પ્રતિષ્ઠા ઉપર છાંટા ઉડે છે
ત્યારે તમારા આધારની અપેક્ષા રાખું છું.
સ્થિતિસ્થાપકતા ને ઉત્સાહ મારી ચાલ માં છે
મોકળા મને જીવવાનો મોકળો રાહ માંગુ છું
મારા સોઉન્દર્યની ચર્ચા તમે ખુબ કરો છો
આજે મારા ચરિત્રનો બચાવ ઈચ્છું છું
એક દિવસ મારી કૃતજ્ઞતા વ્યક્ત કરશે
મારી તમારી દીકરીઓ ની વાત કરું છું
ઇતિહાસના પાના ઉથલાવશે ત્યારે કૃતજ્ઞતા
તમારા પ્રતિ પણ વ્યક્ત કરે તેમ ઈચ્છું છું
પ્રિય બહેનો, આપણી લડાઈ દુષ્કર્મ સામે છે
આજે તમારા સાથ માટે હાથ લાંબો કરું છું
નફરત ને કટ્ટરતા સામેની લડાઈમાં, કોઈ જાતિ
ધર્મ દરજ્જો કે વર્ગ વિભાજીત ન કરે તે ઈચ્છું છું
હો ભલે મુસ્લિમ ખ્રિસ્તી શીખ કે હિન્દુ. છતાં પુરૂષો
યુદ્ધ આદરે ત્યારે પ્રથમ લક્ષ્ય તમે અને હું છું
અહીં કે ઇથોપિયામાં, લાઇબેરિયા, બોસ્નિયા,
ચાઈના કે ઇરાક કે રવાન્ડામાં. તે માત્ર કહું છું.
ચાલો સાથે મળીને આગળ માર્ગ મોકળો કરીએ
તેથી આપણી દીકરીઓ સુરક્ષિત રહે તે ઈચ્છું છું
શેરીઓમાં ફરતા કે ઑનલાઇન સર્ફિંગ કરતા
કે બસની સવારી માં તેમની સલામતી પ્રાર્થું છું
નરસંહાર ને નફરત ભૂતકાળની ઘટના છે લોકો કહેશે
દેશની મહિલાઓએ એકમેકને ટેકો આપ્યો શું
કેમકે જ્યારે એક સ્ત્રી સ્ત્રીને ટેકો આપે છે, તે બચાવે છે
દેશો, સમુદાયો, પુરુષો ને બાળકોને, તે હું જાણું છું
#1 by SARYU PARIKH on January 25, 2022 - 6:38 am
દર્શના, ખુબ સચોટ સંદેશ આપ્યો છે. કોઈકના તો અંતરને સ્પર્શે…તેવી દિલથી પ્રાર્થના.
સરયૂ પરીખ
#2 by sapana53 on January 25, 2022 - 11:51 am
દર્શના દરેક ભાઈ અને બહેને લેવા જેવો સંદેશ !!આપણા બાળકોને આપણે જ માર્ગદર્શન આપી શકીએ કોઈપણ જુલ્મ સામે અવાજ ઉઠાવીએ સરસ કવિતા આભાર શેર કરવા માટે
સપના