હિન્દી બોલિવૂડ ફિલ્મ ઉદ્યોગ હવે વધુને વધુ બિનપરંપરાગત વિષયો ઉપર લક્ષ્ય આપે છે અને તે પણ વ્યાખ્યાન આપ્યા વગર અને ખૂબ જ સંવેદનશીલતા દ્વારા આ નવી પ્રકાર ના ચલચિત્રો પડદા ઉપર રજુ કરે છે. અને આ કોઈ નાની સિદ્ધિ નથી જો આપણે એ નજરમાં રાખીએ તો કે બોલિવૂડ માં દાયકાઓ સુધી ચલચિત્રો અભિનેતા, અભિનેત્રી અને ખલનાયકની રેસિપી દ્વારા બનતા.

આયુષ્માન ખુરાના અને વાણી કપૂરની “ચંદીગઢ કરે આશિકી” હવે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. આ ચલચિત્રમાં, મનુ (આયુષ્માન ખુરાના) એક બોડીબિલ્ડર અને ફિટનેસ ટ્રેનર તરીકે, પુરૂષવાચી વ્યવસાયમાં છે. માનવી બ્રાર (વાણી કપૂર) ઝુમ્બા પ્રશિક્ષક તરીકે જીમમાં જોડાય છે. મનુ અને માનવી વચ્ચે તુરંત પ્રેમ સબંધ ઘડાય છે. ફિલ્મ કેટલાક દ્રશ્યોમાંથી પસાર થાય છે અને એવું લાગે છે કે આ બંને વચ્ચે શાનદાર કેમિસ્ટ્રી છે. મનુ અને માનવીને લાગે છે કે તેમને સાચા અર્થમાં તેમના જીવનસાથી મળી ગયા છે.
મનુના પરિવાર ના સભ્યો રાહ જોઈ રહ્યા હતા કે મનુ યોગ્ય છોકરી શોધી ને જીવન શરુ કરે અને આખરે તેને એક સુંદર જીવનસાથી મળી ગઈ હોય તેમ લાગે છે. દરમિયાન, મનુના પિતા (ગિરીશ ધમીજા) એક મુસ્લિમ મહિલા સાથે પ્રેમ સંબંધમાં છે. પિતા પોતાના સંબંધના સમાચાર આખા પરિવાર સમક્ષ જાહેર કરી સકતા નથી કેમકે તેમને લાગે છે કે તે પરિવાર માટે અસ્વીકાર્ય હશે. બીજી તરફ માનવી, તેના પિતા (કનવલજીત સિંઘ)ની ખૂબ જ નજીક છે અને તેઓ તેને બેટા અને બેટી તરીકે સંબોધે છે. માનવી અને તેની માતા (સતવંત કૌર) વચ્ચે થોડું અંતર પડી ગયેલ છે.
સામાન્ય કૌટુંબિક ફરિયાદો વચ્ચે, એક નવો મુદ્દો તરી આવે છે. એક એવો મુદ્દો જેની ઉપર સામાન્ય રીતે કોઈ લક્ષ્ય આપવામાં આવતું નથી તેમજ સદીઓથી આપણા સમાજમાં થી તેને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યો છે. જેમ જેમ મુદ્દો સપાટી પર આવે છે તેમ, ફિલ્મ પ્રેક્ષકોને એક પ્રશ્ન સામે ઝઝૂમવા માટે પ્રેરિત કરે છે – કે વ્યક્તિગત રીતે અને પ્રેમ સંબંધમાં શું સામાન્ય છે શું અસામાન્ય છે અને કોણ તે નક્કી કરે છે.
બોલીવુડ અને નિર્માતાઓને ધન્યવાદ કે તેઓ આવી સમસ્યાઓ ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરવા લાગ્યા છે. દિગ્દર્શક અભિષેક કપૂરને પણ અભિનંદન કે તેમણે આ ગંભીર મુદ્દાને હળવાશથી અને સાથે સાથે ગંભીરતાથી અને કળથી પ્રેક્ષકો સમક્ષ પ્રસ્તુત કર્યો છે. આ ચલચિત્ર ઉપર તમારા પ્રતિભાવ જરૂર જણાવશો.