જો આ કોરોનવાઈરસ ના સમય માં નવાઈ લાગે કે એક આવડું એવું અમથું જંતુ આવો ભય મચાવી દ્યે તો આજે એક બીજી ઘટના ની વાત કરીએ. તેનો કોરોનવાઈરસ સાથે નો સબંધ એટલો જ કે કોઈપણ જીવંત વસ્તુ ક્યારે અનહદ અને અમર્યાદિત રીતે વાતાવરણમાં ચારેકોર ફેલાવા લાગે તે જાણવું અઘરું છે.
1961 ની સાલ માં હેન્રીએટ્ટા લેક્સ કરીને એક આફ્રિકન અમેરિકન મહિલાને કેન્સર થયું અને એકદમ જલ્દીથી તેના શરીરમાં ફેલાવા લાગ્યું। કુટુંબની અથાગ સારવાર અને ડોક્ટરોની મહેનત છતાં કેન્સર રોકાયા વગર એકદમ જલ્દી ફેલાતું રહ્યું અને ટૂંક સમય માંજ તેનું અવસાન થયું। ડોકટોરોને રિસર્ચ માટે તેના સેલ્સ જોઈતા હતા. તેમણે થોડી માત્રામાં તે સેલ્સ તેના શરીર માંથી કાઢી લીધા અને તેમની ઉપર રિસર્ચ કરવાનું શરુ કર્યું।
આપણા શરીરમાં લગભગ એક કરોડ ટ્રિલિયન સેલ્સ (કોષો) હોય છે. આ સેલ્સ આપણા શરીરની પેશીઓ, સ્નાયુઓ, અસ્થિ, લોહી, અને અંગો બનાવે છે. દરેક કોષમાં સાયટોપ્લાઝમ અને ન્યુક્લિયસનો સમાવેશ થાય છે. ન્યુક્લિયસમાં તમામ આનુવંશિક માહિતી (જેનેટિક કોડ) હોય છે, જે દરેક કોષના દરેક ન્યુક્લિયસમાં વ્યક્તિના સંપૂર્ણ જીનોમની સમાન નકલ હોય છે. સેલ વિભાગ અથવા મિટોસિસ નવા કોશિકાઓના વિકાસ શક્ય બનાવે છે. પરંતુ આ વિભાજન પ્રક્રિયામાં એક નાની ભૂલ, એક એન્ઝાઇમ misfiring, એક ખોટી પ્રોટીન સક્રિયકરણ પ્રક્રિયાને ને લીધે થતી કોઈ ભૂલ શરીર ને કેન્સર તરફ દોરી જય શકે છે. હેનરીટ્ટાના કેન્સર કોશિકાઓ તેમના ગાંઠમાંથી લેવામાં આવી હતી અને વૈજ્ઞાનિકોમાં સંશોધન માટે મુક્ત રીતે વહેંચવામાં આવી અને તેને હીલા સેલ્સ નામ આપવામાં આવ્યું.
હેન્રીએટ્ટા નું કેન્સર એટલું ઝડપથી ફેલાયું હતું કે વૈજ્ઞાનિકો ને જાણ હતી કે હેન્રીએટ્ટા ના હીલા સેલ ખુબજ શક્તિશાળી હતા અને તેને અમર સેલ રેખા તરીકે નામ આપ્યું. પણ જયારે આવા પ્રભાવશાળી હિલા કોષો વૈજ્ઞાનિકોમાં, સંશોધન માટે મુક્તપણે વિતરણ કરવામાં આવ્યા ત્યારે કેટલી હદ સુધી તે અમર સેલ રેખા હતી તે કોઈને ખબર નહિ. સંશોધકો તેમને હર્પીસ, મિસલ્સ, મમ્પ્સ, પોક્સ, એન્સેફાલીટીસ અને પોલિયો જેવા તમામ પ્રકારનાં વાઇરસ સાથે સાથે અભ્યાસ કરતા હતા. તે પછી તો તેઓ બીજી સેલ લાઈન અન્ય કોશિકાઓ, બીજા દર્દીઓના શરીરમાંથી લઈને અને તેને વિકસાવીને પણ રિસર્ચ કરવા લાગ્યા। પણ એક વાત તેમના ધ્યાન બહાર રહી. અને તે એ કે હીલા કોષો એટલા શક્તિશાળી હતા કે લેબોરેટરી માં રહેલ ઘણી બધી બીજી સેલ લાઈન હિલા સેલ થી દૂષિત થઈ જતી હતી અને કદી કોઈ પણ રીતે ના મરનાર હિલ સેલ બધેજ પ્રસારીને પોતાનું વર્ચસ્વ જમાવી દેતા.
1966 માં ગટૅલ નામના વૈજ્ઞાનિકે પુરવાર કર્યું કે ઘણી સેલ લાઈન ઉપર વૈજ્ઞાનિકો અભ્યાસ કરી રહ્યા હતા તેમાંથી મોટા ભાગની હિલા લાઈન થી દુષિત થઇ ગયેલી। એટલે કે વૈજ્ઞાનિકો સમજતા હતા કે તે નવી રિસર્ચ કરી રહ્યા છે પણ તે બધી રિસર્ચ હિલા ઉપર જ થઇ રહી હતી. જયારે ગટેલે એ વાત બહાર પાડી તે વખતે વૈજ્ઞાનિકો ની દુનિયા એટલી હચમચી ઉઠી કે તે વાત ને વૈજ્ઞાનિકો હિલા બૉમ્બ તરીકે જાણે છે. કરોડો ડોલર્સ ના સંશોધનો કૈક જુદું વિચારીને વૈજ્ઞાનિકો કરી રહ્યા હતા તે નકામા થઇ ગયા. હેન્રીએટ્ટા બહેન ના એક કેન્સરે આખા એક દેશની જ નહિ પણ બીજા ઘણા દેશોની લેબોરેટોરી માં પ્રસરીને ઘણી સેલ લાઈન ને દુષિત કરી નાખેલ। આજે પણ વૈજ્ઞાનિકો સંશોધન માટે હિલા સેલ લાઈન નો વપરાશ કરે છે. પરંતુ તેઓ બીજી લાઈન ને દુષિત ન કરે તેનો ખાસ ખ્યાલ રાખે છે. જો હિલ સેલ્સ કોઈ પણ સેલ ને આડકતરી રીતે પણ અડે તો તે તુરંત બીજા સેલ ને દુષિત કરી અને તેનું વર્ચસ્વ જમાવે છે. આજે પણ હેન્રીએટ્ટા બહેન ના એટલા હિલા સેલ દુનિયાભર ની લેબોરેટોરી માં છે કે અમુક અનુમાન ના આધારે તેને ભેગા કરીને વજન કરીએ તો તે 500 મિલીઓન મેટ્રિક ટન અથવા 10 એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ જેટલું તેનું વજન થાય.
રેબેકા સ્કલૂટ કરીને લેખિકાએ આ વાત લખી ત્યારે તેણે હેન્રીએટ્ટા ના કુટુંબ ને મળીને તેમની વાત પણ આ વાર્તા માં વણી લીધી છે. સ્કલૂટ કહે છે કે હેન્રીએટ્ટા નું શરીર ઠંડી જમીન માં દફનાવેલ પડ્યું છે, અને તેનું કુટુંબ ગરીબીમાં ગોથા ખાય છે જયારે હેન્રીએટ્ટા ના હિલા સેલ ને કારણે દુનિયામાં કેન્સર ની જાણકારી માં ઘણી પ્રગતિ થઇ રહી છે. સ્કલૂટ ના કહેવા અનુસાર, આ સંશોધન માંથી નફો કરનાર ફાર્મા કંપની દ્વારા, હેન્રીએટ્ટા ના કુટુંબ ને કૈક હિસ્સો મળવો જોઈએ। રેબેકા ના લખાણ થી હવે આ વાત ની ચર્ચા થઇ રહી છે અને હવે સંશોધન માટે દર્દીઓનું લોહી, થુંક, સેલ વગેરે વપરાય તે માટે પહેલેથી પરવાનગી લેવામાં આવે છે. જો તમે Kaiser ના મેમ્બર હો તો તમે આવા ફોર્મ સાઈન કર્યા હોય તે તમને યાદ હશે.
હવે તો બે, ત્રણ પેઢી બાદ હેન્રીએટ્ટા ની નવી પેઢી ભણી ગણી ને હોશિયાર થઇ રહી છે અને તેઓ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી વગેરે જગ્યાએ લેક્ચર આપે છે. તેમનું કહેવું છે કે સંશોધન કરનાર વૈજ્ઞાનિકો અને તે વૈજ્ઞાન ની જાણકારી ને આધારે ઉપચાર પામનારા લોકોએ એટલું ધ્યાન માં રાખવું જોઈએ કે આ જાણકારી લોકોના દર્દ માંથી પેદા થઇ છે અને તે લોકોના આપણે ઋણી છીએ. હેન્રીએટ્ટા બહેન ના પૌત્ર પૌત્રીઓની વાત તદ્દન ખરી છે. આજે તેમને યાદ કરતા આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ હેન્રીએટ્ટા બહેન ના આત્મા ને શાંતિ આપે.
જો તમારા પુત્ર, પુત્રી કે પૌત્ર, પૌત્રીઓ બાયોલોજી ના વિષય માં કામ કરતા હોય તો તેમને હિલા સેલ વિષે જરૂર પૂછશો। તમને અંગ્રેજી વાંચવું પસંદ હોય તો રિબેકા સ્કલૂટ લિખિત ચોપડી નું નામ છે “The Immortal Life of Henrietta Lacks” by Rebecca Skloot.