મારી પાડોશણ રોજ બહાર આવે અને તેના ઘર પાસે ઉગતા સુંદર ગુલાબ અને બીજા ફૂલોને કાપી ને તેની પૂજાની થાળી માં ભેગા કરીને ઘર માં લઇ જાય. આ દ્રશ્ય જોઈને વિચાર આવ્યા પછીનું એક અછાન્દસ કાવ્ય.
મને શી ખબર કે શું મરજી છે ઈશ્વર તારી
ભજું તને મારી સમજ ને જેવી ઈચ્છા મારી
તારી સૃષ્ટિના સુંદર ફૂલોને તેમના મા બાપ સમા
ઝાડપાનથી અળગા કરીને ધરું તારી છબી સમા
તારો ચહેરો ઉતારું મેં બનાવેલ સુંદર છબીમાં
કેવી ફોટોફ્રેમમાં શોભશે ચહેરો એ વિચારોમાં
ક્યારેક તું દેખાય બિહામણી મા કાલી ના રૂપે
ક્યારેક મા દુર્ગાના હેતાળ સ્વરૂપે
ક્યારેક મહાવીર ને બુદ્ધ ના તટસ્થ ચહેરામાં
ને ક્યારેક છબી વિના મસ્જિદ ને અપાસરામાં
તને યાદ કરું મેં બનાવેલ રીતિ રિવાજોમાં
મેં જાતે ઠરાવેલ કસમો અને રસમોમાં
દિવસે ખાવાનું નહિ નમાજ કરું ને રોજા પાળું
ફરાળ તો ક્યારેક નકોરડા ઉપવાસ રાખું
હે મારી કલ્પનાના ઈશ્વર અનેક રંગો મેં ભાળ્યા
તારા અનોખા ચહેરા માં ઉભરતા નિયમો નિભાવ્યા
ક્યારેક ક્રોસ માં ઈશુના લોહી માં તારી દયાને જોઈ
ક્યારેક વાંસળી ના સાદ માં તારી ભક્તિમાં રંગાઈ
નાતી જાતિ ના ભેદભાવ માં માનવતા ખોવાઈ
તારા વિવિધ ચહેરાઓ માં હું ઘણી ગૂંચવાઈ
ઘડ્યા મેં તારા અનેક ચહેરા મારી કલ્પના થકી
એક માત્ર ચહેરો જે મારી સમક્ષ છે તે ભૂલી
મોરની કળા, ચીત્તા ની છલાંગ, દેડકાના કૂદકામાં
નીતરતી અજાયબી આ કોયલ ના ટહુકામાં
અમૃતમયી, અલૌકિક, અનેરી તારી આ સૃષ્ટિ
માની લઉ કે આ જ છે તારી છબી, તારી પુષ્ટિ
દરેક માનવ ના અનોખા હાવભાવ માં
પશુ પક્ષીઓના ગુંજતા કલરવ માં
નીલા ગગન ને લીલા ઝડપાનમાં
શા માટે જોઉં તારો ચહેરો હું છબીમાં
નિહાળી લઉ તારો ચહેરો હાલતા ચાલતા આ બધામાં
#1 by Kalpana Raghu on June 20, 2020 - 10:36 am
વાહ! દર્શના, ખૂબ જ સરસ અભિવ્યક્તિ!