આજે એક ફિલ્મ ની વાત કરીએ. અલંકૃતા શ્રીવાસ્તવ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ, “લિપસ્ટિક અંડર માય બુરખા” માં ચાર સ્ત્રીઓની વાત કહેવામાં આવી છે. રિહાના ઘરે બુરખામાં બંધ હોય છે અને તેની મા ને લોકોના બુરખા સીવડાવવામાં મદદ કરે છે. પરંતુ ઘરની બહાર નીકળતાંજ બુરખો બેગ માં નાખી અને જીન્સ પહેરીને લેડ ઝેપલિન ના ગીતા ગણગણે છે. શીરીન પતિ ના હાથે માર ખાય છે પણ પતિ કામ ઉપર જાય તે દરમ્યાન સેલ્સ ગર્લ નું કામ કરીને જોરદાર પૈસા બનાવે છે. બ્યુટીશ્યન નું કામ કરતી લીલા સંભોગ માં શાંતિ મેળવે છે અને દિલ નું દર્દ દૂર કરે છે. અને મોટી વયની ઉષા ને એક બુઆજી તરીકે ઘરે ખુબ માન મળે છે પણ રાત ના એકાંત માં તે પુરુષ સ્પર્શ માટે ઝંખે છે અને છુપી રીતે ફોન માં વાતો કરીને ફોન સંભોગ કરે છે.
આ ચાર મહિલાઓ, વાસ્તવિકતા અને સપના વચ્ચેની પાતળી રેખા ઉપર જીવે છે. અસહ્ય જીવન અને સામાજિક પ્રતિબંધો વચ્ચે રહીને પણ આવનાર ભવિષ્ય આજ કરતા સુંદર હશે તેવી કલ્પના દ્વારા, સપના સજીવન રાખીને, સપના ના સંગાથે, આનંદ ની પળ ની અનુભૂતિ તેઓ કરી લ્યે છે.
માર્ટિન લુથરે કહેલું કે આપણે મર્યાદિત નિરાશા સ્વીકારવી જોઈએ અને સ્વીકારવી પડે છે પરંતુ જીવનમાં આશા ક્યારેય ગુમાવવી જોઈએ નહીં। અને તેજ આશાના બળે આ દેશ માટેનું તેમનું સપનું સાકાર થયું.
સપના એટલે આશા.