મિત્રો, શનિવારે પ્રકાશિત થતી દ્રષ્ટિકોણ કોલમ ઉપર તમોને આવકારું છું. આજે આપણે સેપ્સિસ વિષે માહિતી કેળવીએ અને તે પછી એક નવી ટેક્નોલોજી વિષે વાત કરીશું।
સેપ્સિસ શું છે?
સેપ્સિસ વિષે જાણવું જરૂરી છે કેમે ગમે ત્યારે આપણે હોસ્પિટલ માં ભરતી થઈએ ત્યારે સેપ્સિસ થવાની સંભાવના વધી જાય છે. દર વર્ષે, અમેરિકામાં, 5 લાખ લોકો સેપ્સિસ સંબંધિત ગૂંચવણોને કારણે મૃત્યુ પામે છે. તો સેપ્સિસ શું છે? ક્યારે પણ કોઈ પણ ચેપી જંતુઓ શરીર માં પ્રવેશ કરે ત્યારે શરીર તેમની સામે લડવા અને તેમનો સામનો કરવા માટે તૈયારી કરે છે અને લોહીના પ્રવાહ માં રસાયણો વહેતા મૂકે છે. હોસ્પિટલ માં સર્જરી, સ્ટેન્ટ વગેરે મુકવા માટે શરીર ને ખોલવામાં આવે છે ત્યારે ત્યાંથી બેકટીરિયા ને શરીરમાં પ્રવેશવાનો માર્ગ મળે છે અને હોસ્પિટલ માં રોગ ના જંતુઓ હોવાની શક્યતા પણ વધુ હોય છે, તેથી હોસ્પિટલ માં ચેપ લાગવાની ગંભીર શક્યતા છે.
જયારે ચેપ લાગે અને શરીર તે જંતુઓનો સામનો કરવા માટે રસાયણો વહેતા મૂકે ત્યારે વ્યક્તિની નાજુક પરિસ્થિતિ હોય તો તે રસાયણો જંતુ નો સામનો કરી શકતા નથી અને શરીર વધુ ને વધુ રસાયણો વહેતા કરે છે. આખરે તે રસાયણો શરીર ને જંતુ થી બચાવવાને બદલે શરીર ની સામે વળતો હુમલો કરે છે અને શરીર ની પેશીઓ અને પછી શરીર ના કિડની લીવર વગેરે અંગો ઉપર હુમલો કરે છે અને તેને નુકશાન પહોંચાડે છે. તેને કારણે એકદમ જલ્દી વ્યક્તિનું બ્લડ પ્રેશર નીચે જાય છે અને હૃદય નબળું પડી જાય છે ત્યારે તેને સેપ્ટિક શોક કહેવાય છે. એક વાર જો વ્યક્તિ સેપ્ટિક શોક માં જાય તો 40 ટકા શક્યતા છે કે તેનું મ્ર્ત્યુ થાય. તેવા મૃત્યુને સેપ્સિસ શોક થી થયેલ મૃત્યુ કહેવાય છે. ચેપ લાગવાથી સેપ્સિસ માં પહોંચ્યા બાદ સેપ્સિસ શોક અને મૃત્યુ વચ્ચે થોડા કલાકો જ હોય છે. તેવા સમયે સાચી દવા મળવાથી વ્યક્તિ બચી શકે છે. તે વિષે નીચે વધુ વાત કરીએ।
સામાન્ય રીતે સેપ્સિસ કોને થઇ શકે?
જો વ્યક્તિ ખુબ નાની ઉમર ની હોય અથવા ખુબ મોટી ઉમર ની હોય, જો વ્યક્તિને પહેલે થી બીમાર અવસ્થામાં હોય અને તેની ઈમ્યૂનિટી ઓછી હોય, જો વ્યક્તિને ડાયાબિટીસ અથવા કોઈ લીવર નો રોગ હોય, જો વ્યક્તિ ઇન્ટેન્સિવ કેર માં હોય, જો વ્યક્તિને શરીર ઉપર ખુલ્લા ઘા હોય, જો વ્યક્તિ પ્રેગ્નન્ટ અવસ્થામાં હોય, જો વ્યક્તિ પહેલે થી એન્ટિબાયોટિક દવા ઉપર હોય, તેવા વ્યક્તિઓને સેપ્સિસ થવાની શક્યતા વધે છે. અને એકવાર સેપ્સિસ નો ઉથલો આવે પછી તે કાબુમાં આવે તો પણ ફરી સેપ્સિસ થવાની શક્યતા વધે છે.
એન્ટિબાયોટિક દવા
તો ચેપી જંતુઓનો સામનો કરવા માટે અપાતી એન્ટિબાયોટિક દવા કેમ દરેક સમયે બરોબર ધાર્યું કામ કરતી નથી?
જો કોઈ વ્યક્તિના શરીર ઉપર ચેપી જંતુઓ ઉથલો મારે તો તુરંત જ તેને સાચી એન્ટિબાયોટિક દવા આપવામાં આવે તો તેની બચવાની શક્યતા ઘણી વધી જાય છે. પરંતુ મુખ્ય સમસ્યા એ છે કે સાચી એન્ટિબાયોટિક કઈ રીતે આપવી? સાચી દવા આપવા માટે પહેલા કેવા જંતુઓ એ શરીર માં પ્રવેશ કર્યો છે તે જાણવું જરૂરી છે.
જંતુઓની ઝડપી ઓળખ ની સમસ્યા
તમને ક્યારેક શરીર માં કોઈક સમસ્યા હોય તો ઘણીવાર ડોક્ટર બ્લડ લેવા માટે લેબ માં મોકલે। તેનું કારણ એ છે કે તે બ્લડ લ્યે તે પછી પેથોલોજીસ્ટ તેને તપાસે અને કેવા જંતુ ને લીધે તમને પ્રોબ્લેમ થયો છે તેનું નિદાન કરે. તે બધી વિધિ કરવામાં સમય લાગે છે. ઘણી વખત ત્રણ કે ચાર દિવસ પછી કેવો રોગ છે તેનું નિદાન થાય છે અને પછી દવા આપવાની શરૂઆત કરવામાં આવે છે. જો ઝડપી નિદાન થાય અને તુરંત સાચી એન્ટિબાયોટિક વ્યક્તિને આપવામાં આવે તો તે સેપ્ટિક શોક માં જતા પહેલા જ બચી શકે. બ્લડ ક્લચર કરતા વધુ સમય લાગે છે તેટલુંજ નથી પરંતુ જો વ્યક્તિ પહેલેથી બીમાર હોય અને કોઈ એન્ટિબાયોટિક ઉપર હોય તો પણ બીજા નવા જંતુઓને ઓળખવાની જટિલતા વધી જાય છે. સમય ની મર્યાદા માં અને સેપ્સિસ થાય તે પહેલા સારવાર કરવા માંગતા ડોક્ટરો ક્યારેક બ્લડ ક્લચર ની રાહ જોવા માંગતા નથી અને અનુમાન કરીને એન્ટિબાયોટિક આપી દ્યે છે. પણ તેમાં તો લાગ્યું તો તિર અને નહિ તો તુક્કો જેવું છે અને 40 પ્રતિશત એન્ટિબાયોટિક વ્યર્થ અપાય છે.
નવી ટેક્નોલોજી
બાયોએફિનિટી સાયન્સિસ કરીને એક કંપની છે તેણે હમણાં નવી શોધ કરી છે. અને તેમની ટેક્નોલોજી 10 મિનિટ માં લોહી તપાસીને મોટા ભાગના જંતુઓને ઓળખી શકે છે. હું અહીં આ ટેક્નોલોજી ને વિસ્તાર થી સમજાવી શકીશ નહિ પરંતુ મારા અંગ્રેજી બ્લોગ ઉપર તેના વિષે વાંચી શકો છો. http://bit.ly/2mQcmji ,