મૂળ કારેલા ગામના ને હાલ અમદાવાદ સ્થાયી થયેલ, પ્રખ્યાત કવિ શ્રી અનીલભાઈ ચાવડા ના બે એરિયા, કેલીફોર્નિયા માં તાજેતરમાં બે પ્રસંગો માં માણવા મળ્યા। તેમણે બે અરિયા વૈષ્ણવ પરિવાર (www.bayvp.org) દ્વારા રચાયેલા પ્રોગ્રામ માં ગઝલો અને કાવ્યો ની રમઝટ બોલાવી અને પ્રજ્ઞાબેન દાદભાવાળા અને જાગૃતિબેન દેસાઈ શાહ દ્વારા યોજિત બેઠક (www.shabdonusarjan.wordpress.com) અને જવનિકા ના કાર્યક્રમમાં કાવ્યો અને ગઝલો ઉપર વિવેચન કરતા સાથે થોડી ગઝલ અને થોડા કાવ્યો સંભળાવ્યા। આમ તેમનો સુંદર લહાવો લેવા મળ્યો તે બદલ કાર્યક્રમ યોજકોનો આભાર. અનિલભાઈએ ખુબજ નિખાલસતા અને સહજતા થી કાવ્યો, ગઝલો, અને ગીતો વિષે સમજાવ્યું અને સવાલોના સરળતા થી હૃદયસ્પર્શી જવાબો આપ્યા. તેમના વિચારોમાં ગહનતા અને વિદ્વતા બને જોવા મળ્યા.
જુઓ કેવી સરળતાથી તેઓ પીડા ને ઠપકો આપે છે
તને જ કહું છું સાંભળ પીડા! શરમ-બરમ જેવું લાગે છે કૈં?
જીવનની બસમાં ખુશીઓની માટે સ્હેજે જગા જ રાખી નૈ!
આમ તો ખેડૂત પરિવારમાં જન્મેલા અનિલભાઈ કહે છે કે કવિતાઓ થી તેઓ જોજનો દુર હતા. પણ પહેલેથીજ તેમને વાંચન નો અતિશય શોખ હતો. ધીમે ધીમે વાંચન પચાવતા ગયા તેમ પછી લખવા તરફ વળ્યા. કોઈ કોઈ વાર દોસ્તોના પ્રેમપત્રો પણ લખી નાખતા અને તે પણ કવિતાઓ ઉમેરીને.
શ્વાસ નામની સિમેન્ટ લઇને જીવન ચણવા બેઠા
અમે રાતનું સૂપડૂં લઇ અંધાર ઊપણવા બેઠા
આટલો પણ વિશ્વાસ ન’તો શું મારી ઉપર ?
હાથ મિલાવ્યા બાદ તમે આંગણીઓ ગણવા બેઠા
વાત યુગોથી ગુપ્ત રહી છે, નથી જાણતું કોઇ
અમે કબીરની પહેલાંની આ ચાદર વણવા બેઠા
એ જ ઉદાસી, એ જ ઘાવ, ને એ જ બધીયે ભ્રમણા
એ જ પેન પાટી લઇ ભણી ગયેલું ભણવા બેઠા
મેંય રોજ ખેતરમાં મારાં ‘કશું નથી’ ને વાવ્યું
દાતરડું લઇ નહીં ઊગેલું હું પદ લણવા બેઠા.
તેમને સવાલ પૂછાયો કે નવા જેનેરેશન ને ટેકનોલોજી માં ખુબ રસ હોય છે પણ તેમને સાહિત્ય અને સંગીત તરફ કેમ આકર્ષવા। અનિલભાઈએ ખુબ ઉમદા જવાબ આપ્યો। તેમણે કહ્યું, તેની શી જરૂર છે? આ રસ્તો પણ યોગ્ય છે અને પેલો રસ્તો પણ યોગ્ય છે. પણ બની શકે ત્યારે વચેનો રસ્તો નીકળે તો વધારે આનંદમય બની રહે. કોઈએ કવિતામાં ખોવાઈ જવુજ એવો ભાર ક્યારેય રાખવો નહિ. શ્રોતા સામેથી આવે તો ઠીક છે. કાવ્ય, ગઝલ, સાહિત્યના મેળામાં બધું પીરસાય છે. તેમાં કોઈને ચકડોળ નો લહાવો લેવો ગમે ને કોઈને રમકડા થી રમવું ગમે. તેમજ બહુ ભાર રાખ્યા વગર સાહિત્ય પીરસાય તો જેને જે ફાવે તે માણી શકે.
તેમની કવિતા માં એટલા પ્રાણ છે કે ક્યાંક તો તમને અડકી જ જશે.
કોઈ અડ્ક્યું તો કમાલ થઈ ગઈ,
ભીતર ધાંધલધમાલ થઈ ગઈ !
કોઈ આંખ જો ભીની થઈ તો,
કોઈ આંગળી રૂમાલ થઈ ગઈ.
પંખીએ બે ટહુકા વેર્યા,
હવા બધીયે ગુલાલ થઈ ગઈ.
ડાળે ડાળે, શુભ સંદેશા
ઋતુઓ જાણે ટપાલ થઈ ગઈ. ુ
ઝાકળની જ્યાં વાત કરી ત્યાં,
સુરજ સાથે બબાલ થઈ ગઈ.
કોઈ પણ સાહિત્યકાર કે કવિ માટે વાંચન ખુબજ અગત્યનું છે. વાંચનથી સર્જક ની કલ્પના પહોળી બને છે અને રચનાને તે યોગ્ય ન્યાય આપી શકે છે. તેમજ સંશોધન એટલે કે રીસર્ચ પણ ખુબજ જરૂરી છે. જેમ જ્ઞાન ઊંડું હોય તેમ રચના નો નિખાર વધુ આવે. તો શું કોઈપણ જ્ઞાન વાટે કવિ બની શકે છે, કાવ્યો રચી શકે છે? અનિલભાઈના કહેવા અનુસાર ક્યારેક કોઈ વ્યક્તિ છંદ, લય, માત્રા વગેરેનો ખુબ ઊંડો અભ્યાસ કરે છે અને પૂરી સમજ પ્રાપ્ત કરે, એટલે સુધી કે બીજા કવિઓની રચના ઉપર ખુબ ઊંડું વિવેચન પણ કરી શકે છે પરંતુ લખી નથી શકતા. અને ક્યારેક સાવ અજ્ઞાન માણસ તેની રચના દ્વારા ખુબ ઊંડી વાત કહી જાય છે.
પણ મોટે ભાગે જ્યારે જ્ઞાન ઊંડું હોય ત્યારે જુના વિષય ને નવા દ્રષ્ટિકોણ થી જોઈ શકાય છે. ઈશ્વર ઉપર તો ઘણા લખી ચુક્યા છે, પણ નીચેની તેમની ગઝલની પંક્તિ વાંચો. કેટલી ગહન વાત કહી છે?
અધીરો છે તને ઈશ્વર બધુયે આપવા માટે
તું ચમચી લઈને ઉભો છે દરિયો માગવા માટે
તો લખવું એ એક કળા છે કે વિજ્ઞાન છે? ગધ્ય કે પધ્ય ના સર્જન માં કળા નો ફાળો છે તેમજ તેમાં વિજ્ઞાન, ગણિત, મનોશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર પણ આવી શકે છે, તેવું અનિલભાઈ નું કહેવું છે. છંદ એટલે અક્ષરનું ગણિત. કવિતા એક એવું વિમાન છે કે તેમાં વિવિધ ઘટનાઓ બેસી શકે છે. માત્ર એકજ વાત કે પહેલા તેમાં લીન થવું પડે અને લીન થયા પછી અલિપ્ત થવું પડે.
મસ્ત બનીને આજ ફકરા, ચાલો રમીએ મીરાં મીરાં,
અંગ અધીરાં શ્વાસ અધીરા, ચાલો રમીએ મીરાં મીરાં.
કવિતા અને સંગીત બને જોડાયેલા છે? છે અને નથી પણ. કવિ શ્રી નિરંજન ભગતે કીધું છે કે “મારી કવિતા કોઈએ ક્યારેય ગાવી નહિ”. અનિલભાઈ કહે કવીએ સંગીતને તાબે થવાની જરૂર નથી પણ ક્યારેક જોડ મળી પણ જાય.
છંદ, લય અને માત્રાનું મુખ્યત્વ સમજાવતા અનિલભાઈ કહે કે આ બાબતની ઊંડી સમજણ કાવ્યો રચવા માટે અગત્યની છે. અછાંદસ કાવ્યો રચનારાને પણ આ નિયમોની પૂરી જાણ જરૂરી છે. જો લોકો સુધી પહોંચાડવાની અભિલાષા હોય તો ખુબ વાંચવું, કવિઓને સાંભળવા અને ગધ્ય પધ્ય નો ઊંડો અભ્યાસ કરવો જરૂરી છે. માત્રા, છંદ, લય એ બધું સમજી લઈએ એટલે કવિતા રચી શકો એવું પણ નથી. જો તમારા લખવાના ભાવ થી તેમાં પ્રાણ ન પૂરી શકો તો કાવ્ય રચી શકાય નહિ.
અમુક કાવ્યો એટલા દિલ ને સ્પર્શી ગયા. જેમકે……
દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે.
દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે.
સ્હેજ અડતાંમાં જ દુઃખો સામટાં થઈ જાય છે ગાયબ,
મા હથેળીમાં સતત જાદૂઈ એવો સ્પર્શ રાખે છે.
આપી દે થોડાં પતિને, આપી દે સંતાનને થોડાં,
મા સ્વયંને જીવવા તો એક પણ ક્યાં વર્ષ રાખે છે.
ઠેસ બાળકને કદી ક્યાંયે ન વાગે એટલા માટે,
મા સદા ચોખ્ખી જ ઘરની ને હૃદયની ફર્શ રાખે છે.
જો પ્રભુ સૌને જનમ આપે છે તો મૃત્યુય આપે છે,
મા તો ઈશ્વરથીય ઊંચો આગવો આદર્શ રાખે છે.
ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.