આ મહિના ની બેઠક નો વિષય છે “ઘર એટલે”. કાનો માત્ર વગરના બે અક્ષરના ઘર શબ્દ માં ઘણું સમાયેલું છે. તેમાં લાગણી, પ્રેમ, સલામતી અને સંતોષ ભર્યા હોય છે. જો ઘરની ભીત બોલે તો તે ભાન્દુડા ની લડાઈ માં કોણ વધારે નટખટ હતું તે સાક્ષી પુરાવે। ઘરની ભીંતો મમ્મી પપ્પા ને પાટા મારી ને વચ્ચે કરેલી સુવા માટેની જગ્યા ની જુબાની આપે, દાદીના હેત નો વરસાદ વરસાવે ને ઘરે પધારેલા મિત્રો અને મહેમાનોથી દિવાલોને શણગારી શકે.
પણ જયારે આપણા માટે, આ વિશાળ દુનિયા માં, ઘર એક એવો ખૂણો છે કે ત્યાં મળે છે લાગણી, પ્રેમ, સબંધ અને સંસ્કાર, ત્યાં મળે છે સંવેદના, મિત્રોનો કોલાહલ, અવનવું ભણતર અને ગણતર, ત્યારે આપણે આજે યાદ કરીએ એ બાળકોને કે જેમને આ કશુજ હાસિલ થતું નથી. એ બાળકોને કે જેમને ઘર જેવી કોઈ વાસ્તવિકતાનો અનુભવ જ નથી. ક્યારેક એ બાળકો શેરીએ શેરીએ ભટકે છે અને ક્યારેક ફોસ્ટર કેર માં અટવાયેલા છે. અને એ બાળકો જેમના ભાગ્યમાં ઘર છે તો તે માત્ર દીવાલો છે, નથી ઘર માફક કોઈ સુવિધા કે સગવડ।
અનાથ બાળક શેરી એ શેરી એ ભટકે
તડકો છાયો સમાન, આભ એનું ઘર છે
દિવાલોની હુંફ તેને ક્યારેય મળી નથી
માં બાપ થી અલગ, ભટકે તે દર દર છે
દીવડામાં શોભતી હવેલી ના જગમગાટમાં
કોને અટુલા અનાથ બાળક ની દરકાર છે
ગરીબડું બાળક કચરામાં બટકું રોટલી શોધે
વહાલે પીરસેલી રસોઈની એને ક્યાં ખબર છે
શીખવાનો શોખ ને ચોપડી ના પાના ઉથલાવે
મજુર માની દીકરીને ક્યાં હાસિલ ભણતર છે
મખમલની રજાઈ તળે ઊંઘતા, તમે કહેશો
આ તો વળી અમથી વાત નું વતેસર છે
ઘર ના મીઠા સ્મરણોને સંભારીએ, ત્યારે શું
ભૂલી જઈશું જે આપણી વચ્ચે બેઘર છે?
#1 by Kalpana Raghu on August 26, 2015 - 10:30 am
હોમલેસ લોકોના ઘરને ખૂણો નથી હોતો! વિશાળ ધરતી નીચે,માથે ગગનનું છાપરું. ‘જેને દાંત આપ્યા છે તે ચવાણું પણ આપશે’ તે ત્યાં પુરવાર થાય છે.અને જે મળે છે તે વહેચીને ખાય છે.કાલની ચિંતા નથી હોતી. નિજાનંદ…..પ્રશ્ન થાય છે કે સુખી કોણ??………..