ટહુકોના સુંદર પ્રોગ્રામમાં માતૃદીને માને અને માતૃભાષાને બંનેને વધાવ્યા। જયશ્રીબેન ભક્તાએ સુંદર કોમેન્ટ્રી આપી અને મનોજ ખંડેરિયા ની સુંદર ગઝલ થી શરૂઆત કરી. “રસમ અહીની જુદી, નિયમ સાવ નોખા, અમારેતો શબ્દોજ કંકુ ને ચોખા”. અને આમ અમર ગુજરાતી વારસાનો અમુલ્ય વૈભવ માણવાની થઇ શરૂઆત.
હેતલબેન ભ્રમભટ, આણલબેન અંજારિયા, અચલભાઈ અંજારિયા, અને વિજયભાઈ ભટ ના સુંદર સ્વરોથી શરૂઆત થયી આ ગીત થી “ગુણવંતી ગુજરાત અમારી, નમીએ નમીએ માત અમારી”. જયશ્રીબેને અમર ત્રિપુટી શ્રી અનીલ જોશી, મનોજ ખંડેરિયા અને રમેશ પારેખના સુંદર પરિચય આપતા આ ગઝલ સંભળાવી “શ્રી સવા બારણે લખ્યા કર તું, શબ્દોથી બીજું શું સવાયું છે; તારે કાજે ગઝલ મનોરંજન, ને મારે માટે તો પ્રાણવાયું છે .
ઘણી ખરી ગઝલો પ્રેમ સબંધ ઉપર લખાયેલી હોય છે. હેતલ બેને રમેશ પારેખ લિખિત “સાવરિયો રે મારો, હું તો ખોબો માગું ને દઈ દે દરિયો” સંભળાવ્યું તે પહેલા જયશ્રીબેને આ ગઝલ સંભળાવી “ફક્ત એકજ ટકો પુરતો છે મહોબત્તમાં, બાકીના નવાણું ટકા ખર્ચી નાખ હિમત માં”. અચલભાઈ અંજારિયા એ મનોજ ખંડેરિયા નું આ ગીત સંભળાવ્યું “ઓ ખુદા, હાથ માં કારોબાર રાખ્યો તે, ને મને બારોબાર રાખ્યો તે” અને તે પછી થોડી ગમ્મત પણ થયી કે કોણ હાથમાં કારોબાર રાખે છે. પતિ પત્ની વચ્ચે તો આનો ફેસલો થઇ જ ચુક્યો હશે.
વિજયભાઈ એ મસ્ત ગઝલ ગાયી “શ્રધાનો હો વિષય તો એમાં પુરાવાની શી જરૂર, કુરાનમાં તો ક્યાંય પૈગમ્બેરની સહી નથી”. રમેશ પારેખ અને અનીલ જોશીએ કરેલું સહિયારું સર્જન સંભાળવા મળ્યું, આનલ બેન ના અવાજમાં આ સુંદર ગીત માં “હે ડેલીએ થી પાછા માં વળજો હો શ્યામ, મેં તો થાલા દીધા છે મારા બારણા”. કેટલી સુંદર અભિવ્યક્તિ છે! ગિરધાર ગોપાલ માટેના મીરાની મનોદશા ના કાવ્યો તો ઘણાએ લખ્યા પણ આ ગીત જે અચલ ભાઈએ ગાયું તેમાં રમેશ પારેખે રાણાની મનોદશા દર્શાવી છે “ગઢને હોંકારો તો કાંગરા યે દેશે, પણ ગઢમાં હોંકારો કોણ દેશે, રાણાજી, તને ઉંબરે હોંકારો કોણ દેશે”? કૃષ્ણ અને મીરા ના પ્રેમગીત ની રમઝટ ચાલતી હોય અને તેમાં તબલાની રમઝટ અને સુંદર વાંસળી સંભાળવા મળે તો તો આ દિવ્ય પ્રેમ માં પણ ચાર ચાંદ લાગ્યા હોય તેવું વાતાવરણ સર્જાય જાય. ડીમ્પલ ભાઈ પટેલે તબલા ઉપર અને અનીસ ચંદાની એ વાંસળી સાથે તેવું સુંદર દ્રશ્ય ખડું કરી દીધું કે પ્રેક્ષકો જાણે સાંભળતા જ રહી ગયા.
સખા સખીની વાત કરતા પણ ક્યારેક બે સખી ની વાત દિલને હસાવી જાય છે. હેતલબેન અને આણલ બેને માધવ રામાનુજ લિખિત બે સખીની વાતોનું ગીત ગાયને મહેફિલને મસ્તીમાં તરબોળ કરી દીધા; “સૈયર, તારા કિયા છૂંદણે મોહ્યો તારો છેલ, કહેને !” બહુ હાસ્ય પછી રુદન જ આવે ને? વિજયભાઈ એ શેખડીવાલાની આ ગઝલ ગાયને વતનપ્રેમીઓ ની આંખમાં આંસુ લાવી દીધા “પરદેશમાં વસ્યો છતાં જીવ્યો વતન સ્મરણ માં”. આપણી જ વાતોએ આપણને રડાવી દીધા.
બાલમુકુંદ દવે લિખિત નીચેના ગીતની આનલ બેન અને અચલ ભાઈ એ એવી સુંદર રીતે રજૂઆત કરી અને મને એટલું ગમ્યું કે આખું ગીત અહી પ્રસ્તુત કરું છું.
સીમને સીમાડે તને જોયો મારા બંદા !
પ્રીતચિનગારી પહેલી જોઇ જી જોઇ જી.
એકલ બપોરે તને જોઇ મારી રાણી !
અક્કલપડીકી મેં તો ખોઇ જી ખોઇ જી.
આંબલાની હેઠ ગોઠ કીધી મારા બંદા !
હરખની મારી હું તો રોઇ જી રોઇ જી.
હોઠની ધ્રુજારી તારી પીધી મારી રાણી !
હેતભીની આંખ મેં તો લોઇ જી લોઇ જી.
કંથમાં ગૂંચાણી મૂંગી વાણી મારા બંદા !
નજરુંમાં નજર મેં પ્રોઇ જી પ્રોઇ જી.
વણબોલ્યા કોલ લીધા-દીધા મારી રાણી !
તાંતણે બંધાયાં ઉર દોઇ જી દોઇ જી.
આંબલાની મેર ઝૂક્યો તુંય મારા બંદા !
ફેર ફેર મોહી તને જોઇ જી જોઇ જી.
ઉરધબકાર એકતાર મારી રાણી !
ઊઠતા ઝંકાર એક સોઇ જી સોઇ જી.
.. સોઇ જી સોઇ જી.
ખ્યાતી ભ્રમભટ અને શિવાની દેસાઈ એ રમેશ પારેખ અને મનોજ ખંડેરિયા ની ગઝલો પ્રસ્તુત કરી. માં ને વધાવતા ખ્યાતીએ આ શેર સંભળાવ્યો “જયારે શરત લાગી હતી દુનિયાને વર્ણવવાની, ત્યારે તેઓ ડીક્ષનેરી અને ગુગલ લઈને બેઠા અને મેં કોરા પાને એકજ શબ્દ લખ્યો, માં”. વિજયભાઈ એ રમેશ પારેખ લિખિત એવી કવિતા જેમાં કવિની સંવેદનાનો આભાસ થાય તે ગાયી “સાવરે સુકા ઝાડ ને જોઇને એમ થયું કે ચાલ હું લીલું પાંદડું બની વળગી પડું”. અને આણલ બેને રમેશ પારેખ લિખિત મીરા નું ગીત ગાયું “આજ મને મોરપિચ્છ ના શુકન થયા સખી”. જયશ્રીબેને સૈફ પાલનપુરીનો શેર સંભળાવીને સૌને લાગણીવિભોર કરી દીધા “આ વિરહની વાત છે, તારીખનું પાનું નથી. અહી દિવસ બદલાય તો યુગ બદલાય છે”. હેતલ બેને ભગા ચારણ ની રચના પ્રસ્તુત કરી “હે ઓધાજી રે મારા વાલા ને વઢી ને કેજો જી”. અચલ ભાઈએ રમેશ પારેખની મસ્તીવાળી રચના સંભળાવી “એક છોકરી ન હોય ત્યારે કેટલાં અરીસાઓ સામટા ગરીબ બની જાય છે”
વિજયભાઈ એ બેફામ ની ગઝલ ગાયી “જીવન જેવું જીવું છું તેવું કાગળ પર ઉતારું છું, ઉતારું છું પછી થોડું ઘણું તેને મઠારું છું, ફરક તારા અને મારા વિશે છે એટલો જાહિદ, વિચારીને તું જીવે છે હું જીવીને વિચારું છું” ત્યારે એમ થયું કે આવા સુંદર કાર્યક્રમમાં જીવીને કૈંક તો વિચારવા જેવું મળ્યું. માતૃદિન ના દિવસે આવી સુંદર રચનાઓ સાથે માતાની વંદના થયી “મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ”.
બે એરિયા ના આ શ્રેષ્ઠ કલાકારોએ માતૃદિન નિમિતે આટલો સુંદર માતૃભાષાનો જલસો પીરસ્યો કે પ્રેક્ષકો હમેશા યાદ કરતા રહેશે. મહેન્દ્રભાઈ મેહતા, પ્રતાપભાઈ પંડ્યા અને બીજા પુરસ્કર્તાઓ ને પ્રોત્સાહન બદલ આભાર.
ઉત્તમ ગાનારા કલાકારોને અનીસ ચંદાની એ વાંસળી અને કીબોર્ડ ઉપર જોરદાર સાથ આપ્યો। તે 40 વાંસળી લઇ ને આવેલા અને ગીત પ્રમાણે વાંસળી પસંદ કરતા હતા. વિજયભાઈ ભટ લોસ એન્જલેસ થી આવેલા અને હર્મોનિઅમ વગાડવા ઉપરાંત થોડા ગીતોનું સ્વરાંકન પણ તેમણે કરેલું. ડીમ્પલ ભાઈ પટેલ ને તબલા ઉપર તો જાણે સાંભળતાજ રહીએ.
ડીમ્પલ ભાઈ બીજા બે પ્રોગ્રામ લઈને આવી રહ્યા છે અને બની શકે તો ચુક્સો નહિ. 12 જુન ના “દિલ તો પાગલ હૈ” પ્રોગ્રામ માં હિન્દી ચલચિત્રના 90s ના યાદગાર ગીતો ની રમઝટ માણવા મળશે. અને જુલાય 11 ના “નયન ને બંધ રાખીને” પ્રોગ્રામમાં શ્રી મનહર ઉધાસ ની લોકપ્રિય ગઝલો માણવાનો જલસો મળશે. વધારે વિગત માટે આ ઈમૈલ pen me a line at yahoo દ્વારા મારો સંપર્ક કરી શકો છો.